ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં નલ સે જલ યોજના અંતર્ગત થયેલા આડેધડ ખોદકામથી ઠેર-ઠેર કાદવ કીચડનો સામ્રાજ્ય.
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં નલ સે જલ યોજના અંતર્ગત લીમડી નગરમાં આડેધડ ખોદકામ કરી નાંખતાં વરસાદી માહૌલ વચ્ચે ઠેર ઠેર કાદવ, કીચડનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. નગરના લોકો વરસાદી માહૌલ વચ્ચે હેરાન પરેશાન થઈ ગયાં છે.
દાહોદ જિલ્લામાં હાલ જ્યાં જુઓ ત્યાં વરસાદી માહૌલ જાેવા મળી રહ્યો છે. મેઘરાજા મહેરબાન થતાં લોકોમાં આનંદ છવાયો છે ત્યારે બીજી તરફ લીમડી નગરના લોકો વરસાદી માહૌલ વચ્ચે જાહેર રસ્તાઓ અને ઠેર ઠેર કાદવ, કીચડની સમસ્યાથી હેરાન પરેશાન થઈ ગયાં છે. નલ સે જલ યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ ખોદકામ કરી નાંખ્યું હોવાના આક્ષેપો પણ છડેચોક લીમડી નગરના લોકો કરી રહ્યાં છે. આડેધડ ખોદકામના પગલે વરસાદી માહૌલ વચ્ચે ઠેર ઠેર કાદવ, કીચડનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. વાહન ચાલકો અને રાહદારીઓને રસ્તા ઉપરથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગૌરીવ્રત જેવા તહેવારોમાં અવર જવર કરતી બાળાઓ અને મહિલાઓ પણ ભારે હેરાન પરેશાન થઈ રહી છે. તાત્કાલિક કામકાજ પુર્ણ કરવામાં આવે અને રસ્તા બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી લીમડી નગરમાં ઉઠવા પામી છે.