રાજેશ વસાવે :- દાહોદ
ઝાલોદ તાલુકાના લીમડી નો બનાવ : આદિવાસી સમાજમાં ભારે રોષ, એસપી કચેરીએ આવેદન પાઠવ્યો.
આદિવાસી સમાજની બે સગીર બાળકીઓને મજૂરીના બહાને લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીઓને પોલીસ છાવરતી હોવાના આક્ષેપ.
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના લીમડી નગરમાં આદિવાસી સમાજની બે સગીર બાળાઓને બે ઈસમોએ મજુરીના બહાને લઈ જઈ સગીરાઓને કેફી પીણુ પીવડાવી બંન્ને બાળાઓ ઉપર દુષ્કર્મ આચર્યુ હોવાના તેમજ પોલીસ દ્વારા આરોપીઓને છાવરતા હોવાના આક્ષેપો સાથે આદિવાસી સમાજના લોકો ન્યાયની માંગણી સાથે દાહોદ જિલ્લા પોલીસવડાની કચેરીએ આવી પહોંચ્યાં હતાં અને આ મામલે આદિવાસી સમાજની દિકરીઓ અને તેમના પરિવારજનોને ન્યાય અપાવવા જિલ્લા પોલીસ સમક્ષ આવેદનપત્ર આપ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડાને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૧૮.૧૦.૨૦૨૩ના રોજ ઝાલોદ તાલુકાના લીમડી ગામે પોતાના માતા-પિતાને આર્થિક રીતે મદદરૂપ થવા માટે આદિવાસી સમાજની બે સગીરાઓ છુટક મજુરી માટે લીમડી બજારમાં ગઈ હતી તે સગીરાઓને લીમડી ગામના માળી સમાજના મહેન્દ્ર નટવર ગોહિલ (માળી) અને અન્ય બે સાગરિતો દ્વારા મજુરીના બહાને સગીરાઓને લઈ જઈ સગીરાઓને કેફી પીણું પીવડાવી સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્રમાં આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. વધુમાં જણાવ્યાં અનુસાર, દુષ્કર્મ આચરનાર ઈસમોને પોલીસ પકડી લઈ આવ્યાં હતાં પણ પોલીસ ગુન્હો નોંધે તે પહેલા સગીર બાળાઓને દબાણ કરી દુષ્કર્મના કેસમાં તોડબાજી કરી આદિવાસી સમાજની સગીરાઓ સાથે થયેલ ધિનોણી ઘટના ઉપર પડદો પાડી દેવામાં આવેલ છે. પોલીસ દ્વારા સગીરાઓના નિવેદનો પણ લેવામાં આવ્યાં છે જાે આવો કોઈ બનાવ બન્યો ન હોય તો નિવેદન કંઈ બાબતનું લેવામાં આવ્યું તેની પણ સાચી તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી છે. કોના ઈશારે આ સમગ્ર મામલો દબાવી દેવામાં આવ્યો છે ? તે દિશામાં પણ તપાસ થાય અને આરોપીઓને મદદરૂપ થનાર ઈસમો સામે પણ કાર્યવાહી કરવાની સાથે સાથે ૧૮મી ઓક્ટોમ્બરના રોજ સવારે લીમડી સુભાષ ચોક અને દિવસ દરમ્યાન લીમડી પોલીસ સ્ટેશનના સી.સી.ટી.વી. ફુટેજ ચકાસવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. દુષ્કર્મ પીડીત સગીરાઓ અને તેમના પરિવારજનો દબાણ વશ થઈ પોલીસ ફરિયાદ આપતાં ગભરાતા હશે માટે આ મામલે ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવે અને આરોપીઓને તેઓને મદદ કરનાર ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગંણી કરવામાં આવી છે અને જાે આ બાબતે ભીનું સંકેલવામાં આવશે અને પાછળથી સત્ય બહાર આવશે તો આદિવાસી સમાજના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આદિવાસી સમાજના લોકો દ્વારા આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી હતી.
——————————