સૌરભ ગેલોત લીમડી
લીમડીના બે યુવકો પૈકી એકનું મોત, પરિવારજનોમાં માતમ છવાયો.
કાળી મહુડી નજીક ફોરવીલર ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો, આશાસ્પદ યુવકનું મોત,અન્ય એક ઈજાગ્રસ્ત…
દાહોદ તા.21
ઝાલોદ તાલુકાના કાળી મહુડી નજીક પૂરપાટ જતી ફોરવીલર ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ફોરવીલ ગાડી રોડની સાઈડમાં પુલ નીચે ખાબકતા સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં લીમડી નગરના એક આશાસ્પદ યુવાનનું સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોતની નીપજ્યા હોવાનું જાણવા મળેલ છે.જ્યારે ગાડીમાં સવાર અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના લીમડી નગરના નવા બજાર ખાતેના રહેવાસી ઉત્કર્ષ હિતેન્દ્રભાઇ છાજેડ તેના મિત્ર પ્રશાંત ઉર્ફે લકી ભુપેન્દ્ર સોની નામક યુવક સાથે પોતાના કબજા હેઠળની Gj-20-AH-7020 નંબરની ટાટા ટીગોર ફોરવીલર ગાડીમાં પૂર ઝડપે હંકારી લઇ જઈ રહ્યો હતો. જ્યાં રસ્તામાં કાળી મહુડી નજીક ઉત્કર્ષ છાજેડે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ફોરવીલ ગાડી પુલ નજીક નીચે ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં ઉત્કર્ષ છાજેડ તેમજ લકી સોનીને ગંભીર ઇજાઓ પહોંચતા અકસ્માત દરમિયાન ભેગા થયેલા આસપાસના લોકોએ બંને ગંભીર ઇજાગ્રસ્ત યુવકોને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દીધો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ઉત્કર્ષ છાજેડનું મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવતા પરિવારજનોમાં રોકકળ મચી જવા પામી હતી.જ્યારે લકી સોની નામના ગંભીર ઇજાગ્રસ્ત યુવક હાલ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઉપરોક્ત બનાવ સબંધે લીમડી પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.