ફતેપુરાના VCE વિજય પરમારને ફરજમુક્ત કરાયા : જન્મ પ્રમાણપત્રમાં નિયત કરતા વધારે ફી લીધાનો આરોપ, TDOએ કરી કાર્યવાહી
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામ પંચાયતમાં જન્મ પ્રમાણપત્ર આપવા માટે નિયત ફી કરતાં વધુ રૂપિયા લેતા વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર (VCE) વિજયભાઈ નારણભાઈ પરમારને ફરજમુક્ત કરવામાં આવ્યા છે. તેમનો વીડિયો સામે આવ્યા બાદ તાલુકા વિકાસ અધિકારી (TDO) એ આદેશ આપ્યો હતો.
વિજય પરમાર ફતેપુરા ગ્રામ પંચાયતમાં VCE તરીકે ફરજ બજાવતા હતા. તેઓ અરજદારો પાસેથી જન્મનું પ્રમાણપત્ર કાઢી આપવા માટે 200ની માંગણી કરતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. તાલુકા વિકાસ અધિકારીના આદેશ બાદ,11 મેના રોજ ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી અને સરપંચે VCE વિજય પરમારને ફરજમુક્ત કરતો લેખિત હુકમ સોંપ્યો.
હુકમમાં નિયત ફી કરતાં વધુ નાણાં વસૂલવાના કૃત્યને ગંભીર ગણી તાત્કાલિક છૂટા કરવાનો ઉલ્લેખ છે.
તંત્રએ VCEને તમામ સરકારી આઈ.ડી. અને પાસવર્ડ તલાટીને સુપ્રત કરવા પણ જણાવ્યું છે. આ પ્રક્રિયામાં કોઈ ક્ષતિ કે આનાકાની થશે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
