રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના અભલોડમાં શાળામાં ચાલુ શૈક્ષણીક કાર્ય દરમિયાન જર્જરીત છતના પોપડા ખરતા વિદ્યાર્થી ઇજાગ્રસ્ત: સારવાર અર્થે દવાખાને ખસેડાયો.
ગરબાડા તાલુકાના અભલોડ ગામે ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન પ્રાથમિક શાળાના ઓરડાના પોપડા ખરતા નીચે અભ્યાસ મેળવી રહેલા 9 વર્ષના ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા બાળકના માથાના ભાગે પોપડા પડતાં ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના બાદ શાળાના શિક્ષકો તેમજ સંચાલકોએ વિદ્યાર્થીને તાબડતોડ 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપ્યું હતું.
ગુજરાત સરકારના સ્માર્ટ ઓરડા તેમજ સ્માર્ટ શિક્ષણના દાવાઓ ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પોકળ સાબિત થઈ રહ્યા હોય તેમ જોવાઈ રહ્યું છે. કારણકે અહીંયા જર્જરીત ઓરડા નીચે માથે મોત લઈ આદિવાસી સમાજના બાળકો ભણતર મેળવવા મજબૂર થઈ રહ્યા છે. તેવી જ એક ઘટના આજે ગરબાડા તાલુકાના અભલોડ ખાતે આવેલી સરકારી શાળામાં આજે શૈક્ષણિક કાર્ય દરમિયાન ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા 9 વર્ષિય રાજવીર પરમાર નામક વિદ્યાર્થી ઉપર જર્જરીત ઓરડાના પોપડા પડતા રાજવીર પરમાર ના માથાના ભાગે ઈજાઓ પહોંચતા શાળાના શિક્ષકો દ્વારા ઉપરોક્ત ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને 108 મારફતે દાહોદના સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.