રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના રળીયાતી હત્યાકાંડનો ભેદ ઉકેલાયો:ભંગાર વીણવાની માથાકૂટમાં ચોકીદારની હત્યાનો ખુલાસો.!
ડોગ સ્ક્વોડ, CCTV અને ડ્રોન સર્વેલન્સની મદદથી પોલીસે આરોપી દ્વિપલ આમલીયારને ઝડપી પાડ્યો;
માથામાં પથ્થરના ઉપરા છાપરી ઘા કરી ચોકીદારની હત્યાની કબુલાત: આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર.!
દાહોદ તા.૦૮

રળીયાતી નજીક આવેલી એક કન્સ્ટ્રક્શન સાઈટ પર થયેલા આંધળા હત્યાકાંડનો ભેદ દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ કેસમાં રળીયાતી રામદેવ ફળિયાના રહેવાસી દ્વિપલ કાળુ આમલીયારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ તા.૦૬ના રોજ સવારે આશરે ૮ વાગ્યાના સુમારે કન્સ્ટ્રક્શન સાઈટ પર ચોકીદાર તરીકે ફરજ બજાવતા મનુભાઈ પરમારની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસ ના એલસીબી, એસઓજી, એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ડોગ સ્ક્વોડ, CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ ડ્રોન સર્વેની મદદથી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જ પોલીસને સમજાઈ ગયું હતું કે અજાણ્યા વ્યક્તિએ પથ્થર વડે માથામાં ઘાતક ઇજાઓ પહોંચાડી ચોકીદારની હત્યા કરી છે. સ્થળ પરથી લોહી લાગેલો પથ્થર પણ કબજે લેવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન પોલીસે રળીયાતી રામદેવ ફળિયાના રહેવાસી દ્વિપલ કાળુ આમલીયારને શંકાના આધારે અટકાયત કરી હતી. શરૂઆતમાં આરોપી પોલીસ સમક્ષ સત્ય સ્વીકારવા તૈયાર નહોતો, પરંતુ ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન આખરે તેણે ગુનાની કબૂલાત કરી હતી.
*ભંગાર વીણવાની માથાકૂટમાં ચોકીદારના માથામાં ઉપરા છાપરી ઘા કરી હત્યા કરી.!*
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મરણ જનાર મનુભાઈ પરમાર કન્સ્ટ્રક્શન સાઈટ પર ચોકીદારી કરતા હતા, જ્યારે આરોપી દ્વિપલ ત્યાંથી વેસ્ટેજ સળિયાના ટુકડા ભેગા કરી ભંગારમાં વેચવાનું કામ કરતો હતો. તા.૦૫ની સાંજે બંને વચ્ચે ભંગાર વીણવાની બાબતે બોલાચાલી થઈ હતી. મનુભાઈએ ભંગાર લઈ જવા બદલ શેઠને જાણ કરવાની વાત કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.આવેશમાં આવેલા દ્વિપલે નજીક પડેલો પથ્થર લઈ મનુભાઈના માથાના ભાગે વારંવાર પ્રહાર કરી તેમની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપી સળિયાના ટુકડાઓ ભરેલી પોટલી તેમજ મૃતકનો મોબાઈલ લઈને ફરાર થઈ ગયો હતો.
*પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે લીધો: યુવાન દ્વિપલના આક્રોશે પોતાનું ભવિષ્ય અંધકારમય બનાવ્યું*
પોલીસે આરોપી પાસેથી મૃતકનો મોબાઈલ, લોહીથી સ્નાત કપડાં તથા ભંગારની પોટલી કબજે કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુનેગાર કેટલો પણ ચાલાક હોય, પરંતુ ઘટનાસ્થળે કોઈને કોઈ પુરાવો છોડી જતો હોય છે, જે અંતે પોલીસને આરોપી સુધી પહોંચાડે છે.આ ઘટનામાં મનુભાઈ પરમારના મોતથી તેમના બે નાના પુત્રોએ માતા બાદ પિતાનું છત્ર પણ ગુમાવ્યું છે, જ્યારે આરોપી દ્વિપલ આમલીયારે એક ક્ષણના આવેશમાં પોતાનું ભવિષ્ય પણ અંધકારમય બનાવી દીધું છે.
