દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના દાહોદ પેકેજ-26માં હજુ અધૂરું કામ,31 મે સુધી ટ્રાયલ ટ્રાફિક શરૂ થવાની શક્યતા ઓછી ઓવરબ્રિજ, લેન્ડમાર્કિંગ અને સેફટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ બાકી; ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવી એજન્સીઓ માટે મોટો પડકાર

Editor Dahod Live
5 Min Read

રાજેશ વસાવે :- દાહોદ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના દાહોદ પેકેજ-26માં હજુ અધૂરું કામ,31 મે સુધી ટ્રાયલ ટ્રાફિક શરૂ થવાની શક્યતા ઓછી

ઓવરબ્રિજ, લેન્ડમાર્કિંગ અને સેફટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ બાકી; ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવી એજન્સીઓ માટે મોટો પડકાર

દાહોદ તા. ૧૩

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલો 1350 કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે દેશનો સૌથી મહત્વાકાંક્ષી માર્ગ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ એક્સપ્રેસ-વે દેશની આર્થિક રાજધાની મુંબઈ અને રાજકીય રાજધાની દિલ્હીને જોડશે. કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે એક્સપ્રેસ-વે સંપૂર્ણ તૈયાર થયા બાદ દિલ્હીથી મુંબઈ વચ્ચેનું મુસાફરીનું અંતર અને સમય બંનેમાં મોટો ઘટાડો થશે અને હાલના અંદાજે 24 કલાકના પ્રવાસના બદલે 13 થી 14 કલાકમાં મુસાફરી પૂર્ણ થઈ શકશે.

દાહોદ જિલ્લામાં આવેલાપેકેજ-26 ની હાલની પરિસ્થિતિમાં હજુ પણ નોંધપાત્ર કામગીરી બાકી હોવાનું ગ્રાઉન્ડ લેવલ પર જોવા મળી રહ્યું છે. Mp બોર્ડરથી દાહોદના મીરખેડી ઇન્ટરચેન્જ સુધીના વિભાગમાં એટલાસ કંપની તેમજ આશાપુરા કન્સ્ટ્રક્શન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. નિર્માણ એજન્સીઓ દ્વારા અનઓફિશિયલી 31 મે સુધી એક તરફનો ટ્રાયલ ટ્રાફિક શરૂ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.પરંતુ હાલની પરિસ્થિતિ જોતા અનેક જગ્યાએ ઓવરબ્રિજનું કામ અધૂરું છે. કેટલાક બ્રિજોમાં હજુ માત્ર 60 થી 70 ટકા સુધીનું જ કામ પૂર્ણ થયું હોવાનું જોવા મળે છે. રોડના બંને તરફનો મોટાભાગનો ભાગ તૈયાર થઈ ગયો હોવા છતાં બ્રિજ અને કનેક્ટિવિટીનું કામ અધૂરું હોવાથી વાહન વ્યવહાર સરળતાથી શરૂ થવો મુશ્કેલ જણાઈ રહ્યો છે.

હાલમાં આ વિસ્તારમાં ફાઇનલ લેન્ડ માર્કિંગ, મીડીયમ લેન્ડમાર્કિંગ, રોડ ફેન્સીંગ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન તેમજ ટ્રી પ્લાન્ટેશન નું કામ ચાલુ છે આ સિવાય સેફટી ઈન્ફ્રાસ્ટ્રકચર પણ હજુ ઘણું બધું કામ બાકી જોઈ રહ્યું છે.જોકે ગ્રાઉન્ડ રિયાલિટી મુજબ 31 મે સુધી આ વિભાગ સત્તાવાર રીતે શરૂ થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. જો કે નિર્માણ એજન્સીઓ દિવસ-રાત કામગીરી કરે તો આગામી 40 થી 50 દિવસમાં એક તરફનો ટ્રાયલ ટ્રાફિક શરૂ થઈ શકે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

*એક તરફનો ટ્રાફિક બંને તરફથી આવતા વાહનો માટે ખુલશે? અકસ્માત વધવાની આશંકા.!*

પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે જો એક તરફનો ટ્રાફિક શરૂ કરવામાં આવશે તો શું બંને તરફના વાહનો માટે એક જ કેરેજ-વેનો ઉપયોગ કરાશે ? જો આવું કરવામાં આવે તો અકસ્માતોની સંભાવના વધી શકે છે. હાલ જ્યાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના બંને તરફના ટ્રાફિક સત્તાવાર રીતે શરૂ થઈ ચૂક્યા છે ત્યાં પણ સતત અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. હજુ સુધી NHAI અથવા નિર્માણ એજન્સીઓ દ્વારા ટ્રાફિક ઓપરેશન અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.મીરખેડી ઇન્ટરચેન્જથી લીમખેડા તરફના પેકેજ-26 ના વિભાગમાં હજુ પણ નોંધપાત્ર કામગીરી બાકી છે.

*દાહોદ સેક્શનમાં કેટલાક પરિબળોના લીધે 4 વર્ષમાં 74 ટકા કામગીરી પૂર્ણ થઈ.*

 MP બોર્ડરથી લીમખેડાના ભાનપુર સુધીનો અંદાજે 32.50 કિલોમીટરનો આ વિભાગ ડિસેમ્બર 2022 દરમિયાન અંદાજે 1900 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક વિરોધ, લોકલ ઈશ્યુ તથા ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે કામગીરીમાં ભારે વિલંબ થયો હોવાનું માનવામાં આવે છે.ખાસ કરીને પહાડી વિસ્તારમાં હીલ કટીંગ અને લેન્ડ સ્લાઈડીંગ ભૂસ્લખન જેવી સમસ્યાઓને કારણે કામગીરી ધીમી પડી હતી. હાલની સ્થિતિ મુજબ સમગ્ર પેકેજનું અંદાજે 74 ટકા કામ પૂર્ણ થયું હોવાનું જાણવા મળે છે.આ વિભાગનો સૌથી મુશ્કેલ ગણાતો હથિયાવાં હીલ કટીંગ હવે લગભગ 98 ટકા સુધી કટ થઈ ગયો છે. મોટાભાગના અંડર પાસ અને ઓવરબ્રિજ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જોકે હજુ એકાદ બ્રિજમાં ગર્ડર લોન્ચિંગનું કામ બાકી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ફાઇનલ લેનમાર્કિંગ તેમજ અને હાઈ ટેન્શન લાઈનનું કામ પણ કેટલાક વિસ્તારોમાં ચાલુ છે.

*ચોમાસુ નજીક આવતા કામની ગતિમાં મહત્તમ ઘટાડો નોંધાશે.*

આગામી દિવસોમાં વરસાદી સીઝન શરૂ થવાને કારણે લેન્ડ સ્લાઇડિંગનો ખતરો વધવાની શક્યતા છે. જેના કારણે કામગીરીની ગતિ પર પણ અસર પડી શકે છે. આવી સ્થિતિમાં મીરખેડીથી લીમખેડા વચ્ચેનો વિભાગ સંપૂર્ણપણે શરૂ થવામાં હજુ ઓછામાં ઓછા 6 થી 8 મહિનાનો સમય લાગી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.જ્યારે લીમખેડાથી ગોધરા વચ્ચેના પેકેજ-27 અને પેકેજ-28 ની વાત કરીએ તો આ બંને વિભાગ લગભગ 100 ટકા તૈયાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે અને આગામી એક મહિનામાં ટ્રાયલ રન માટે શરૂ કરવામાં આવી શકે તેવી શક્યતા છે.

Share This Article