ઉજ્જૈનથી દર્શન કરી પરત ફરેલી ખાનગી લક્ઝરી બસને નડ્યો અકસ્માત.!
લીમખેડા પાસે બેકાબૂ લક્ઝરી બસ પલટી:20 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.!
ઓછી વધતી ઇજા ધરાવતા મુસાફરોને ટૂંકી સારવાર બાદ રજા અપાઈ,8 થી 10 મુસાફરો લીમખેડા તેમજ છ મુસાફરો ઝાયડસમાં ખસેડાયા
દાહોદ તા.08

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં લીમખેડાના પ્રતાપપુરા કોલીયારી પાસે એક ખાનગી લક્ઝરી બસ રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બસમાં સવાર 20થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખાનગી લક્ઝરી બસ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી મુસાફરોને લઈને પંચમહાલના ગોધરા તરફ જઈ રહી હતી. વહેલી સવારનો સમય હોવાથી મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા. આ દરમિયાન પ્રતાપપુરા પાસે ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રોડ ઉતરીને સીધી બાજુમાં આવેલા ઊંડા ખાડામાં પલટી મારી ગઈ હતી. બસ પલટી ખાતા જ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
અકસ્માતની જાણ થતા જ આજુબાજુના રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટના અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક અંદાજ મુજબ 20થી વધુ મુસાફરોને ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક લીમખેડાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, આટલા મોટા અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતની વાત છે.
ઈજાગ્રસ્ત મુસાફરોના જણાવ્યા અનુસાર, તેઓ ઉજ્જૈન મહાકાલના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ આકસ્મિક ઘટના બની હતી. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે મદદ કરી હતી.ઈજાગ્રસ્ત મુસાફરોના જણાવ્યા અનુસાર, તેઓ ઉજ્જૈન મહાકાલના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ આકસ્મિક ઘટના બની હતી. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે મદદ કરી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા લીમખેડા પોલીસનો કાફલો તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી બસને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ડ્રાઈવરની બેદરકારી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. ડ્રાઈવરના નિવેદન અને મુસાફરોની પૂછપરછના આધારે અકસ્માતનું સચોટ કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
