લીમખેડા એડિ. સેશન્સ જજનો ગૌ હત્યારાને ફફડાવતો ચુકાદો
બારીઆ અને ધાનપુરમાં ગૌહત્યા બદલ પાંચને 7 વર્ષની જેલ, 1-1 લાખનો દંડ દંડની રકમ નહીં ભરે તો વધુ એક વર્ષની સજાનો કોર્ટનો હુકમ
દાહોદ તા.૦૧
દાહોદના દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકામાં ગૌહત્યા બદલ 5 આરોપીને 7-7 વર્ષની જેલની સજા અને 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. લીમખેડાના એડિશનલ સેશન્સ જજ એચ.એચ. ઠક્કરની કોર્ટે ગૌહત્યા કરનારા આરોપીઓમાં ફફડાટ ફેલાવતો ચુકાદો સંભળાવ્યો છે.
18 સપ્ટે. 202 2ના રોજ દેવગઢ બારીઆમાં પોલીસે રેડ પાડી ક્રૂરતાપૂર્વક બાંધેલા 9 નંગ ગૌવંશ તથા 50 કિગ્રા જેટલું ગૌમાસ સાથે અફઝલ હબીબભાઈ મિર્ઝાની ધરપકડ કરી હતી. તેની સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા સંરક્ષણ અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કેસ એડિશનલ સેશન્સ કોર્ટ લીમખેડાના જજ એચ.એચ. ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ.બી.ચૌહાણની ધારદાર દલીલોને ધ્યાને લઈ લીમખેડા સેશન્સ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા તથા 1 લાખ રૂપિયાનો દંડ જો નહીં ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો. અન્ય કેસમાં ધાનપુરના ચીમનકુવા ફળિયાના ગુલાબ ભુરીયા, મંગા વાખળા, સુમલા ભુરીયા તથા કાકડખીલા ગામના દીપક ઉર્ફે દીપા નાનિીયાભાઈ ભુરીયાએ પોલીસે 4 મે, 2021ના રોજ ગૌહત્યા કરી ગૌમાંસને સગેવગે કરતા પકડી પાડયા હાત. તેમાં પણ સેશન્સ કોર્ટે ચારે આરોપીઓને તકસીરવાર ઠેરવી પ્રત્યેક આરોપીને 7 વર્ષની સખત કેદની સજા તથા 1- 1 લાખનો દંડ જો દંડની રકમ નહીં ભરે તો વધુ 1 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો.