
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ કલેક્ટર ઓફિસના સેવક દલાભાઈ પરમારનું સન્માન સાથે વિદાય આપતા કલેકટર
દાહોદ તા. 2
દાહોદના કલેકટરે સરકારી બાબુ અને સામાન્ય કર્મચારી વચ્ચેના સંબંધોને એક નવો જ આયામ આપ્યો છે. આમ તો સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે એક ઔપચારિક સંબંધ જોવા મળે છે, પરંતુ દાહોદ કલેક્ટર કચેરીમાં બનેલી એક ઘટનાએ આ ધારણાને તોડી પાડી છે. જેમાં દાહોદ કલેક્ટર કચેરીમાં કલેક્ટરના સેવક તરીકે ફરજ બજાવતા દલાભાઈ નાથાભાઈ પરમાર તાજેતરમાં સેવાનિવૃત્ત થયા. હતા તેઓ 1984 માં સરકારી મહેકમમાં આવ્યા હતા.અને 35 વર્ષથી વધુ સમયની તેમની નિષ્ઠાવાન સેવા બાદ કલેક્ટર યોગેશ નિર્ગુડેએ તેમને જે માનભેર વિદાય આપી, તે ખરેખર પ્રશંસનીય છે.
કલેક્ટરે યોગેશ નિર્ગુડેએ દલાભાઈને માત્ર શાલ ઓઢાડી કે સન્માનિત કરીને વિદાય ન આપી, પરંતુ એક અનોખો દાખલો બેસાડ્યો. તેમણે પોતાની સરકારી ગાડીમાં સેવક દલાભાઈને સसम्માન બેસાડ્યા અને જાતે જ તેમને તેમના ઘર સુધી મૂકવા ગયા. આ દ્રશ્ય ખરેખર હૃદયસ્પર્શી હતું, જ્યાં એક ઉચ્ચ અધિકારી પોતાના તાબાના કર્મચારીને આટલું માન આપી રહ્યા હતા. એટલું જ નહીં, કલેક્ટર દલાભાઈના ઘરે પહોંચ્યા અને તેમના પરિવારજનો સાથે સમય પસાર કર્યો. દલાભાઈના પરિવારની હાજરીમાં કલેક્ટરે પોતાના હાથે દલાભાઈને મોં મીઠું કરાવીને તેમની નિવૃત્તિને ખરેખર યાદગાર બનાવી દીધી. આ ઘટનાએ દર્શાવ્યું કે સરકારી સેવામાં માત્ર પદ અને પ્રોટોકોલ જ નહીં, પરંતુ માનવીય સંબંધો અને ભાવનાઓને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ. આ પ્રસંગે દાહોદ કલેક્ટરે એક સકારાત્મક સંદેશ આપ્યો છે કે સન્માન અને આદર કોઈ પદના મોહતાજ નથી. દલાભાઈ પરમારને તેમની લાંબી અને નિષ્ઠાવાન સેવાએ સાબિત કરી દીધું છે.