
રાજેશ વસાવે :- દાહોદ
ચોમાસા દરમિયાન અકસ્માત ટાળવા દાહોદમાં રેલવે તંત્ર ટ્રેક ઉંપર નાઈટ પેટ્રોલીંગ હાથ ધરશે.
પેટ્રોલમેન રાતના 3:30 થી 4 વાગ્યા સુધી પગપાળા 3 થી 4 કિલોમીટર સુધી વોચ રાખશે.
દાહોદ તા. 02
વરસાદની ઋતુ સામાન્ય જનજીવન માટે અનેક પડકારો લઈને આવે છે ત્યારે રેલવે વિભાગ માટે પણ આ સમયગાળો સંચાલન જાળવવા માટે કપરો હોય છે. દાહોદ જિલ્લામાં ભૂતકાળમાં ભારે વરસાદને કારણે કારણે રેલવે પાટા નીચેની જમીન ધોવાઈ જવા, ટ્રેક ફ્રેક્ચર થવા અને માટી કે ખડકો ધસીને રેલવે ટ્રેક પર પડવા જેવી ઘટનાઓ બની છે. જેના પરિણામે ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી. આવી સંભવિત પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે ખાસ કરીને રાત્રિના સમયે વિશેષ નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. તેઓ ટ્રેકની સલામતી સુનિશ્ચિત કરવા માટે સતત નિરીક્ષણ કરે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસા દરમિયાન ટ્રેક સંબંધિત કોઈપણ સમસ્યાને વહેલી તકે શોધી કાઢીને મોટા અકસ્માતોને ટાળવાનો છે. દાહોદ પંથકમાં દરરોજ રાત્રે 8:30 વાગ્યાથી એક શિફ્ટમાં બે પેટ્રોલમેનની ડ્યુટી શરૂ થઈ જાય છે. તેઓ 3 થી 5 કિલોમીટરના વિસ્તારમાં આવતા સ્ટેશનથી સ્ટેશન સુધી અપ અને ડાઉન બંને ટ્રેક પર રાત્રે પગપાળા જઈને ખાસ કરીને ટ્રેકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરે છે. પેટ્રોલિંગ દરમિયાન મુખ્યત્વે રેલવે ટ્રેકની સ્થિતિ, પુલ અને નાના નાળાઓની ચકાસણી, ટ્રેક ફ્રેક્ચર કે ધોવાણના કોઈ સંકેત અને માટી કે ખડકો ધસી પડવાની સંભાવના જેવી બાબતો પર ધ્યાન અપાય છે. જો કોઈ પણ સમસ્યા જણાય તો પેટ્રોલમેન તાત્કાલિક નજીકના સ્ટેશન માસ્તર અને સિનિયર અધિકારીને જાણ કરે છે. ગત વર્ષે 2 ઓગસ્ટના રોજ ઉસરા યાર્ડમાં રાત્રે અઢી વાગ્યે ટ્રેક ફ્રેક્ચર થયુ હતું. આ બાબત પેટ્રોલમેનના ધ્યાને આવતાં આ ટ્રેક પર આવતી રાજધાની ટ્રેનને જેકોટ રેલવે સ્ટેશન પર ઊભી રાખી દેવામાં આવી હતી. જેના કારણે એક મોટો અકસ્માત ટળ્યો હતો. આ નાઇટ પેટ્રોલિંગ ચોમાસાના અંત સુધી ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળ્યુ છે.
પેટ્રોલિંગ કઇ રીતે શરૂ અને પૂર્ણ કરાય છે
પેટ્રોલિંગ માટેના પેટ્રોલમેન સાથે પેટ્રોલિંગ પુસ્તિકા રખાય છે. પેટ્રોલિંગ શરૂ કરવાથી પૂર્ણ કરવા સુધીના સમયની સ્ટેશન માસ્તર પાસે એન્ટ્રી કરાવવાની હોય છે. પોતાનું અપડાઉન પેટ્રોલિંગ પૂર્ણ થયા બાદ આગામી સમય માટે જેની ડ્યૂટી લાગી હોય તે પેટ્રોલમેનોને પેટ્રોલિંગ પુસ્તિકા આપે છે. નવી શિફ્ટ વાળા ફરીથી પેટ્રોલિંગ શરૂ કરીને સ્ટેશન માસ્તર પાસે એન્ટ્રી કરાવે છે. આ પેટ્રોલિંગ પુસ્તિકા સાથે પોતાનું પેટ્રોલિંગ શરૂ કરે છે. આ પ્રક્રિયા સતત પરોઢના ચાર વાગ્યા સુધી ચાલુ રહે છે.
પેટ્રોલિંગ દરમિયાન પેટ્રોલમેન પાસે કઇ-કઇ વસ્તુ હોય છે
રેલવે ટ્રેક ઉપર નાઇટ પેટ્રોલિંગ કરનાર બે વ્યક્તિઓ પાસે એક ડંડો, જીપીએસ ટ્રેકર, 15 સેમી વર્ગાકારની નંબર પ્લેટ, બે લાલ અને એક લીલી ઝંડી,10 નંગ ફટાકડા, બે ટ્રાઇ કલર હાશ સિગ્નલ લેમ્પ, રેડિયમ વાળા વસ્ત્રો, એક મેચબોક્સ, સીસોટી, ટોર્ચ અને પેટ્રોલિંગ પુસ્તિકા હોય છે.
વિવિધ 16 મુદ્દાઓને અનુલક્ષીને રેલવેએ ચોમાસા માટેની સેફ્ટી ડ્રાઇવ શરૂ કરી
રેલવેના સુરક્ષા વિભાગ દ્વારા 16 મુદ્દાઓ તારવીને સેફ્ટી ડ્રાઇવ શરૂ કરી છે, જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. એન્જીનિયર, મીકેનિકલ, ઇલેક્ટ્રીક, સિગ્નલ અને ઓપરેટીંગ વિભાગને આ ડ્રાઇવમાં શામેલ કરવામાં આવ્યા છે. ડ્રાઇવ વેળા કરાયેલી કામગીરીનું ઉચ્ચ અધિકારીઓને દરરોજ અપડેટ આપવાનું પણ નક્કી કરાયુ છે. આ સેફ્ટી ડ્રાઇવમાં યાર્ડ અને બ્લોક સેક્શનમાં પાણી ન ભરાય તે માટે નિકાલની વ્યવસ્થા, વરસાદથી પ્રભાવિત થનારા સેક્શનમાં પેટ્રોલિંગ અને વોચમેનનું પોસ્ટીંગ, માટી ધસીને ટ્રેક ઉપર આવે તેવા સ્થળોએ બોલ્ડર નાખીને સુરક્ષા દિવાલ, પેટ્રોલિંગ કરીને વરસાદથી પ્રભાવિત થનારા નવા પોઇન્ટને ઓળખી કામગીરીનો પ્રયાસ, ટ્રેક,એએચઇ અને સિગ્નલ નજીક વૃક્ષોનું ટ્રીમીંગ, ખાસ કરીને મેમુ અને ડેમુના એન્જીનમાં સિલિકા જેલ, એયર ફિલ્ટર અને ગેસ કિટ્સનું ચેકિંગ, મૂશળાધાર વરસાદ વાળા સેક્શનમાં રાત્રે ફુટ પ્લેટ નિરીક્ષણ , પોઇન્ટ,ક્રોસિંગ અને ટ્રેક સર્કિટ ઉપર નજર રાખવા સિગ્નલ અને પાથ-વે ઉપર સ્ટાફ પેટ્રોલિંગ, પાણીના કારણે ટ્રેક સર્કિટ ફેઇલ ન થાય તે માટે યોગ્ય પગલાં તેમજ ફોલ્ટ ના થાય તે માટે ઇલેક્ટ્રીક અને સિગ્નલ ઉપકરણોના અર્થિંગની તપાસણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.