બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયત ભવનના નવીન બાંધકામ માટે નવ માસથી કામગીરી શરૂ કરવા ગલ્લા તલ્લા કરતા જવાબદારો
આફવા ગ્રામ પંચાયત સરપંચ, ચૂંટાયેલા સભ્યો સહિત ગ્રામજનોની પંચાયતની જમીન ઉપર નવીન બાંધકામ કરવા સંમતિ છતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મનમાની કેમ?નો ચર્ચાતો પ્રશ્ન?
સુખસર,તા.4
ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતના નવીન નિર્માણ માટે ગત
આઠેક માસ અગાઉ પંચાયત ભવન જમીનદોસ્ત કરી નવીન બાંધકામ કામગીરી ચાલુ કરવા કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.પરંતુ ગ્રામ પંચાયતનું જૂનું મકાન પાડ્યા બાદ આઠ માસ જેટલો સમય વીતી જવા છતાં કેટલાક લોકો ગ્રામ પંચાયત ભવન ગામની બહાર બનાવવા હવાતીયા મારતા ગ્રામ પંચાયત ભવનના નિર્માણ કાર્યનું કામ ટલ્લે ચઢી રહ્યું હોવાનું આફવા ગામના નાગરિકોમાં ચર્ચાઇ રહ્યુ છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતના નવીન બાંધકામ માટેનું જૂનું મકાન ગત નવેમ્બર-2023 માં જમીન દોસ્ત કરવામાં આવ્યું હતું.પરંતુ ગ્રામજનોના આક્ષેપ મુજબ આ ગ્રામ પંચાયતનુ મકાન ઉતારવા માટે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવા આવેલ નથી કે સરકારના નિયમ મુજબ ટેન્ડર બહાર પાડવામાં નહીં આવતા બારોબાર ગ્રામ પંચાયત મકાન પાડી દઈ તેનો કાટમાળ પણ બારોબાર વગે કરવામાં આવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
ગ્રામ પંચાયતનું જુનું મકાન પાડ્યા બાદ કેટલાક અસંતુષ્ટ સ્થાનિક લોકો ગ્રામ પંચાયત ભવન ગામની બહાર લઈ જવા મથામણ કરતાં ગ્રામ પંચાયત ભવનનું કામ ટલ્લે ચઢાવવામાં આવી રહ્યું હોવાની પણ આફવા ગામમાં ચર્ચાઓ થઈ રહી છે.તેમજ ગ્રામજનોમાં થતી ચર્ચા મુજબ જે જગ્યાએ જુની ગ્રામ પંચાયત હતી તે જમીન ખુલ્લી રાખી આ જમીનનો કેટલાક લોકોને અંગત ઉપયોગ કરાવવા મળતીયા લોકોએ ગામ બહાર ગ્રામ પંચાયત બાંધકામ કરાવવા સક્રિય હોવાની જાણ થતાં આફવા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ સહિત ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.તેમજ આફવા ગ્રામ પંચાયત દ્વારા સામાન્ય સભા બોલાવતા આફવા ગ્રામ પંચાયત સરપંચ તથા ચૂંટાયેલા સભ્યોએ આગાઉ જે જગ્યાએ ગ્રામ પંચાયત કાર્યરત હતી તે જગ્યા ઉપર જ નવીન ગ્રામ પંચાયતનું બાંધકામ થાય તે બાબતે ઠરાવ કરી રજૂઆત સાથે માર્ગ મકાન વિભાગ ઝાલોદ કચેરીને ઠરાવ આપવામાં આવેલ છે.
ત્યારબાદ ગ્રામ પંચાયતના નિર્માણ માટે કોન્ટ્રાક્ટર સાથે કચેરીના કર્મચારી દ્વારા લાઈન દોરી આપી દેવામાં આવેલ છે.ત્યારે ગામના જ કેટલાક અસંતુષ્ટ લોકો માર્ગ મકાન વિભાગ ઝાલોદના જવાબદારોને આ જગ્યા ઉપર પંચાયત ઘર બનાવવામાં આવશે તો અમો કોન્ટ્રાક્ટરનું બિલ રોકાવી દઈશું તેવી ધમકીઓ અપાતી હોવાનું પેટા કોન્ટ્રાક્ટર દ્વારા આફવા ગ્રામજનોને જણાવવામાં આવી રહ્યું છે.ત્યારે આફવા ગ્રામજનો દ્વારા તંત્ર દ્વારા આપવામાં આવેલ નકશા પ્રમાણે જ જુના પંચાયત ઘરની જમીન ઉપર જ નવીન બાંધકામ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે.
પરંતુ કોન્ટ્રાક્ટ દ્વારા યેનકેન પ્રકારે અહીંયા ગ્રામ પંચાયતનું બાંધકામ થાય નહીં તેવી રીતે વિવિધ બહાના બતાવી ગલ્લા તલ્લા કરી કામગીરીમાં વિલંબ કરવામાં આવતો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.આમ ગ્રામ પંચાયત સરપંચ,ચૂંટાયેલા સભ્યો સહિત ગ્રામજનો ગ્રામ પંચાયત તેની મૂળ જમીન ઉપર જ બાંધકામ થાય તેના માટે રાજી છે.જ્યારે લાઈન દોરી આપ્યા બાદ કોન્ટ્રાક્ટર વિવિધ બહાના બનાવી કામગીરી ચાલુ નહીં કરતો હોય ત્યારે કોન્ટ્રાક્ટરને નડે છે શું?તેવી ચર્ચા આફવા ગામમાં થતી હોવાનું સાંભળવા મળી રહ્યું છે.હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા ગ્રામ પંચાયત બોડી તથા ગ્રામજનોની સંમતિ માન્ય રખાશે કે અસંતુષ્ટ લોકો સહિત કોન્ટ્રાક્ટરની મનમાની?જોકે યોગ્ય ન્યાય નહીં મળે તો ગ્રામજનો ગાંધીજી ચીંધ્યો માર્ગ અપનાવનાર હોવાનું જાણવા મળે છે.