
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ડબલારામાં પુત્રીના નામે વારસાઈ કરાવવા માંગતા પિતાને ભાઈ તથા ભત્રીજાએ માર મારતા એફ.આઇ.આર દાખલ કરાઈ
એકમાત્ર સંતાનમાં પુત્રી ધરાવતા પિતાએ પુત્રીના નામે જમીનમાં વારસાઈ કરાવવા માંગતા પિતાને ભાઈ-ભત્રીજાએ લાકડી તથા ગડદાપાટુનો માર માર્યો
ભાઈ પાસેથી ગીરવા પેટે લીધેલ જમીન ગીરવા મુક્ત નહીં કરવા અને ભાઈની જમીન ઉપર કબજો જમાવવા માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો
સુખસર,તા.28
“જર,જોરુ અને જમીન એ ત્રણેય કજીયાના છોરું”ની કહેવતને સાર્થક ઠેરવતો કિસ્સો ફતેપુરા તાલુકાના ડબલારા ગામે બનવા પામેલ હોવાનું જાણવા મળે છે.તેમાં નાના ભાઈની જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવવાના ઇરાદે મોટાભાઈ તથા તેના પુત્રે લાકડી તથા ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પિતા-પુત્ર સામે સુખસર પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ડબલારા ગામે રહેતા રમેશભાઈ વારજીભાઈ બારીયા ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવે છે.તેમજ ગત દશેક વર્ષ અગાઉ તેમના પત્ની કુદરતી રીતે મરણ ગયેલ છે.જ્યારે રમેશભાઈ બારીયાને હાલ સંતાનમાં એકમાત્ર સગીર પુત્રી નામે જ્યોતિબેન છે.રમેશભાઈ બારીયા સહિત તેમના ભાઈ ભુરાભાઈ બારીયા તેમજ એક બહેન છે.અને આ બંને ભાઈઓના સરખા હિસ્સે વર્ષો આગાઉ જમીન વિગેરેના ભાગ આપી દેવામાં આવેલ છે.અને પોત પોતાના હિસ્સામાં આવેલ જમીનમાં ખેડ અને ખેતી કરી રહેલા છે. પરંતુ રમેશભાઈ બારીયાને વારસદાર તરીકે સંતાનમાં એકમાત્ર પુત્રી હોય તેઓ જમીનમાં પોતાની પુત્રીની વારસાઈ કરાવવા માંગતા હોય ભત્રીજો પ્રવીણભાઈ ભુરાભાઈ બારીયા તથા ભાઈ ભુરાભાઈ વારજીભાઈ બારીયા નાઓને રમેશભાઈ બારીયાની જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવવાની દાનતે રમેશભાઈની પુત્રીની જમીનમાં વારસાઈ થાય તેમાં રાજી ન હોય ગુરૂવારના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં રમેશભાઈ બારીયા ના ઘરે દોડી આવી ભુરાભાઈ બારીયા નાઓ કહેવા લાગેલ કે,તારે છોકરા નથી તો તું વારસાઈ કરાવી તારી છોકરીનું નામ જમીનની નકલમાં ચડાવવા માંગે છે તે અમો નહીં થવા દઈએ.અને તારી જમીન અમો ખેડીશું. અને તારા પાસેથી જે જમીન અમોએ ગીરવા પેટે લીધેલ છે તે જમીન પણ અમો ગીરવા મુક્ત કરીશું નહીં.તારાથી થાય તે કરી લેજે તેમ કહી મા-બેન સમાણી બીભિત્સ સગાળો આપતા રમેશભાઈ બારીયાએ ગાળો બોલવાની ના પાડતા પ્રવીણ ભૂરા બારીયા એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાંની લાકડી વડે રમેશભાઈ બારીયાને બંને પગે લાકડીના આડેધડ ફટકા મારતા જમીન ઉપર પડી જતા પ્રવીણ બારીયા તથા ભુરા બારીયા એ રમેશભાઈને ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી તેઓના ઘર તરફ જતા જતા કહેતા હતા કે,હવે પછી વારસાઈ કરી જમીન ની નકલોમાં તારી છોકરીનું નામ ચડાવવાની વાત કરીશ તો તને જીવતો છોડીશું નહીં ની ધમકીઓ આપી જતા રહ્યા હતા.જ્યારે રમેશભાઈ બારીયાને ઇજાઓ પહોંચતા સુખસર સરકારી દવાખાનામાં આવી સારવાર કરાવી સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ઉપરોક્ત બંને આરોપીઓની વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.