
યાસીન ભાભોર ફતેપુરા, બાબુ સોલંકી સુખસર
પતિ દ્વારા અવારનવાર ગુજારાતા શારીરિક અને માનસિક સિતમોથી કંટાળી ગયેલી 37 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાધો
શિક્ષક પતિના ત્રાસથી વાજ આવેલી વડવાસની પરણિતાએ ભિચોર ગામે કાકાના મકાનમાં ઓઢણી વડે ગાળે ફાસો ખાઈ મોત વહાલું કર્યું
સુખસર,તા.20
પતિ દ્વારા અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી મરવા માટે દુષપ્રેરણા આપવામાં આવતા ફતેપુરા તાલુકાના વડવાસ ગામની ૩૭ વર્ષીય પરિણીત યુવતીએ ભીચોર ગામે પોતાના કાકાના જુના મકાનમાં લાકડાના સરા સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ મોતને વહાલુ કરી લેતા લેતા ફતેપુરા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકાના ભીચોર ગામની 37 વર્ષીય સુનિતાબેનના લગ્ન ફતેપુરા તાલુકાના વડવાસ ગામના ઉડાવેળા ફળિયામાં રહેતા શિક્ષક રામા ભેમા પારગી સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા.શિક્ષક રામા પારગી પોતાની પત્ની સુનીતાને અવાર-નવાર કોઈ પણ કારણ વિના શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી કંટાળીને સુનિતા ભીચોર ગામે પોતાના પિયરમાં ચાલી ગઈ હતી.અને ગત તારીખ 17/5/ 2024 ના રોજ સુનીતા વડવાસ ગામે તેની સાસરીમાં સવારમાં વહેલા પોતાના અભ્યાસના ડોક્યુમેન્ટની ફાઈલ લેવા ગઈ હતી.તે વખતે તેના પતિ શિક્ષક રામા પારગીએ તેણીની સાથે ઝઘડો કરી બેફામ ગાળો બોલી તને કોઈ ફાઈલ મળશે નહીં. તું આજે મરે કે કાલે મરે, મારે કોઈ લેવાદેવા નથી.મારે તારું મોઢું પણ જોવું નથી.તું મરી જાય તો પણ તને તારી કોઈ ફાઈલ મળશે નહીં.તેમ કહી મરવા માટે દુષપ્રેરણા આપતા રોજે રોજના આવા ત્રાસથી છુટકારો મેળવવા સુનીતાએ ગામમાં આવેલા પોતાના કાકાના જૂના ઘરમાં લાકડાના સરા સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ મોતને ગળે લગાવી લીધું હતું.આ સંબંધે મરણ જનાર સુનીતાના ભાઈ ભીચોર ગામના રાહુલ લખા માલે ઉપરોક્ત કેફિયત ભરી ફરિયાદ ફતેપુરા પોલીસ સ્ટેશને નોંધાવતા ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ જે.બી તડવી એ ઘટનાની ગંભીરતાને સમજીને તાત્કાલિક પગલાં લઈને લાશનો કબજો મેળવીને લાશ ને ફતેપુરા સરકારી દવાખાને પી.એમ.અર્થે લાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ સુનિતાને આત્મહત્યા કરવાની દુસપ્રેરણા આપનાર તેના પતિ વડવાસ ગામના શિક્ષક રામા ભેમા પારગી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે પત્નીને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપનાર તેનો પતિ શિક્ષક તરીકે ફરજ બજાવે છે.ત્યારે આવા શિક્ષિત અને શિક્ષક તરીકે ફરજ બજાવતા પતિએ પોતાની પત્નીને આત્મહત્યા કરવાની દૃષ્પ્રેરણા આપતા આ શિક્ષક પતિ વિરુદ્ધ સમગ્ર ફતેપુરા તાલુકામાંથી ફિટકારની લાગણી વરસાવવામાં આવી રહી છે.અને આ શિક્ષક પતિને તાત્કાલિક ધોરણથી ઝડપી પાડીને તેની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.