બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકા પંચાયતમાં કર્મચારીઓ દ્વારા મનસ્વી પણે ચલાવતા વહીવટમાં સુધાર લાવવા માંગ
વિવિધ ગ્રાન્ટ હેઠળ નિયમોનુસાર થયેલી કામગીરીના બિલ માટે મહિનાઓ સુધી ધરમ ધક્કા ખાતા લાભાર્થીઓ
ફતેપુરા તાલુકામાં કાગળ ઉપર કરવામાં આવતી કામગીરીના વહેલી તકે નાણાં ચૂકવવામાં આવતા હોવાની પ્રજાની ઉઠેલી બૂમો!
ફતેપુરા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની ફરજ ઉપર મનસ્વી રીતે આવ-જા કરતા હોવાની ફરિયાદ
સુખસર,તા.11
સરકાર દ્વારા જે તે સરકારી કર્મચારીઓ પોતાની ફરજ ઉપર સરકારના નિયમો મુજબ પોતાની કામગીરી ચીવટ પૂર્વક સંભાળે તથા વહેલી તકે જે-તે તાલુકાના કામકાજ અર્થે આવતી પ્રજાને સમય મર્યાદામાં તેમના કામોને ન્યાય મળે તેવા સરકારના આદેશને પણ ફતેપુરા તાલુકા પંચાયતના કર્મચારીઓ ધોળીને પી જઈ રહ્યા હોય તેમ જણાય છે.તેમજ મળતીયા અને લાગવગીયા લોકોના નિયમમાં આવતા કે નહીં આવતા હોય તો પણ તેમના કામો આસાનીથી થઈ રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળે છે.જ્યારે સાચા કામો માટે જે-તે લાભાર્થીને અઠવાડિયા નહીં પણ મહિનાઓ સુધી ધરમ ધક્કા ખાવાની નોબત આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.ત્યારે ફતેપુરા તાલુકા પંચાયતની કાર્યરીતિ બાબતે ઉચ્ચ અધિકારીઓ સત્વરે ધ્યાન આપે તેવી પ્રજામાં માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકા પંચાયતમાં દિન-પ્રતિદિન વહીવટ કથળતો જતો હોવાની ચર્ચા સાંભળવા મળે છે.તેમાં ખાસ કરીને જે લોકો સરકારના વિવિધ લાભો મેળવી રહ્યા છે અને તેઓએ નિયમોનુસાર કામગીરી કરેલ હોવા છતાં તેવા લાભાર્થીઓને મહિનાઓ સુધી ન્યાય આપવામાં આવતો નહીં હોવાનુ જાણવા મળે છે.જ્યારે જે તાલુકા પંચાયતના મળતીયા અને લાગવગીયા લોકો સરકારના લાભો આસાનીથી લઈ રહ્યા છે.અને તેઓએ નિયમોનુસારની કામગીરી કરી નહીં હોય અથવા તો માત્ર કાગળ ઉપર જ કામગીરી બતાવી બીલો મૂકી સરકારના નાણા હડપ કરવા ટાંપીને બેઠા હોય તેવા લોકોના બિલો આસાનીથી કાઢી આપવામાં આવતા હોવાની પણ ચર્ચા સાંભળવા મળી રહી છે.જ્યારે સાચા ગરીબ અને હકદાર લાભાર્થીઓ પોતાના જે-તે અને સાચી કામગીરી માટે નાણા અને સમયનો વેડફાટ કરી તાલુકાના મહિનાઓ અને ક્યારેક વર્ષો સુધી ધરમધક્કા ખાવા છતાં ન્યાય મળતો નહીં હોવાના કિસ્સા પણ બની રહ્યા છે.અને”પૈસા હોય તો પેશ,નહીં તો બહાર બેસ”ની નીતિ અખત્યાર કરવામાં આવતી હોવાનું પણ જાણવા મળે છે.ત્યારે સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વિકાસ કામો માટે આપવામાં આવતા નાણા માત્ર તકવાદી અને માલદાર લોકો માટે જ ફાળવણી કરવામાં આવતા હોય તેવો અહેસાસ થાય તેમાં કોઈ બે મત નથી.
નોંધનીય બાબત છે કે,ફતેપુરા તાલુકા પંચાયતના કચેરીના કેટલાક કર્મચારીઓ પોતાની ફરજના સમય દરમ્યાન પોતાના માનીતા અને લાગવગીયા લોકોના અંગત ઠેકાણાઓ ઉપર જઈ ઓફિસમાં કરવાની કામગીરી કરતા હોવાના ચર્ચા પણ સાંભળવા મળી રહી છે.જ્યારે તાલુકા માં વિવિધ વિકાસ કામગીરીની ગ્રાન્ટના નાણા આવે છે તે ગ્રાન્ટોના નાણાની અગાઉથી જ સેટિંગ હોય તેમ ફાળવવામાં આવેલ ગ્રાન્ટ 24 કલાકની અંદર પોતાના માનીતા અને મળતીયા લોકોને ફાળવી આપી સાચા હકદાર લાભાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવતો હોવાની પણ ચર્ચા સાંભળવા મળી રહી છે.ત્યારે તે બાબતની હકીકતની પણ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ જરૂરી જણાય છે.
ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા મોટા ભાગના કર્મચારીઓ સરકારના નિયમો પ્રમાણે ફરજ ઉપર આવવા અને ફરજનો સમય પૂરો થાય તે પહેલા ગમે તે સમયે નીકળી જતા હોય તેમની ફરજ ઉપર કોઈ પાબંદી ન હોય તેવું પણ જણાય છે.જ્યારે કેટલાક કર્મચારીઓ પોતાના અંગત કામમાં વ્યસ્ત રહેતા હોવા છતાં તેઓને મોબાઈલ દ્વારા કોન્ટેક્ટ કરતા તેઓ ફિલ્ડમાં હોવાનું બહાના કાઢતા હોવાનું પણ જાણવા મળે છે.તાલુકા પંચાયત કચેરીના કેટલાક ટેબલના કર્મચારીઓ દિવસો સુધી પોતાની ફરજ ઉપર હાજર નહીં રહેતા હોવાનું અને કચેરી સમય દરમિયાન તાળા લાગેલા પણ જોવા મળે છે.છતાં આવા કર્મચારીઓને રોકટોક કરનાર તાલુકા પંચાયત કચેરીમાં કોઈ જવાબદાર હોય તેવું જણાવતું નથી.આમ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં સરકારના નિયમો મુજબ નહીં પરંતુ કચેરીના કર્મચારીઓ દ્વારા મનસ્વી રીતે વહીવટ ચલાવાઇ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે.ત્યારે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના વહીવટ બાબતે ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપે તથા લાભાર્થી જનતાને સમય મર્યાદામાં ન્યાય મળી રહે તે બાબતે ચાંપતી નજર રાખે તેવી તાલુકાની જનતાની માંગ છે.