રાજેશ વસાવે :- દાહોદ
કોરોના કાળમાં બંધ પડ્યા બાદ પુનઃ શરૂ થયેલી ટ્રેન વડોદરા સુધી સીમિત રહેતા દાહોદને નવી ટ્રેનની ભેટ સફળ
વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેને ફરી પકડી રફ્તાર,રેલવેને દૈનિક એક લાખની આવક કરાવતી ટ્રેન!
દાહોદ પ્રત્યે અમી લાગણી જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનને વર્ષ પહેલા લીલી ઝંડી આપી દાહોદની માંગણી સંતોષી હતી
દાહોદ તા. ૧૫
કોરોના કાળ બાદ લાંબા સમયથી મર્યાદિત રૂટ પર ચાલી રહેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેને હવે ફરીથી પોતાની જૂની રફ્તાર પકડી લીધી છે. ટ્રેનને ફરી દાહોદ સુધી શરૂ કરવામાં આવતા દાહોદ જિલ્લાના મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, તો બીજી તરફ રેલવેને પણ ફરીથી સારી આવક થવા લાગી છે.
કોરોના પહેલાં વલસાડ-દાહોદ ઇન્ટરસિટી નિયમિત રીતે દોડતી હતી અને દરરોજ અંદાજે એક લાખ રૂપિયાની આવક રેલવેને થતી હતી. પરંતુ કોરોના બાદ ટ્રેન સેવા ખોરવાઈ જતા બાદમાં ટ્રેન ફરી શરૂ તો કરવામાં આવી, પરંતુ તેને માત્ર વલસાડથી વડોદરા સુધી મર્યાદિત રાખવામાં આવી હતી. જેના કારણે દાહોદ અને આસપાસના મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની રાજનીતિના કારણે આ ટ્રેનને દાહોદ સુધી લંબાવવામાં ગ્રહણ નડ્યું હતું.પરંતુ દાહોદ સુધી ટ્રેન ફરી શરૂ કરવાની માંગ લાંબા સમયથી ઉઠી રહી હતી. અને દાહોદના સાંસદ સહિત સ્થાનિક આગેવાનો અને મુસાફરો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવતી હતી. અંતે રેલવે તંત્રએ મુસાફરોની માંગ સ્વીકારી હતી.અને વલસાડ વડોદરા વચ્ચે ચાલતી ઇન્ટરસિટીને વડોદરા સુધી સીમિત રાખી વલસાડ દાહોદ વચ્ચે નવી ટ્રેનની ભેટ આપી દાહોદ વાસીઓની માંગણી સંતોષી હતી.ખાસ બાબત એ છે કે દાહોદ ખાતે આવેલા રેલવે પ્રોડક્શન યુનિટના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી બતાવી દાહોદવાસીઓને મહત્વપૂર્ણ ભેટ આપી હતી. વડાપ્રધાન મોદીના દાહોદ પ્રત્યેના લાગણીસભર જોડાણને કારણે આ નિર્ણયને વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ટ્રેન ફરી દાહોદ સુધી શરૂ થતા મુસાફરોને સીધી સુવિધા મળી રહી છે, સાથે જ રેલવેને પણ ફરીથી દરરોજ આશરે એક લાખ રૂપિયાની આવક થવા લાગી હોવાનું જાણવા મળે છે. જેના કારણે રેલવે વિભાગમાં પણ સંતોષની લાગણી જોવા મળી રહી છે.
