રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના ભાભોર ફળિયામાં ભીષણ આગ: પશુઓ માટેનો ઘાસચારો બળીને ખાખ
ગરબાડા તા. ૧૫ 
ગરબાડા તાલુકાના ભાભોર ફળિયામાં આજે એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક રહેણાંક મકાન જેમાં પશુઓ માટેનો ઘાસચારો સંગ્રહિત કરવામાં આવ્યો હતો, તેમાં અચાનક આગ લાગતા મોટું નુકસાન થયું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

મળતી માહિતી મુજબ, સ્થાનિક ખેડૂત નાનજીભાઈ વાલાભાઈ રાઠોડના ઘાસચારાથી ભરેલા મકાનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.
આગ લાગતા જ આજુબાજુના સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ પાણીના ટેન્કરો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો અથાગ પ્રયત્ન કર્યો હતો. આગ એટલી ભયાનક હતી કે સ્થાનિક પ્રયાસો ટૂંકા પડ્યા હતા, જેને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
આ આગમાં ખેડૂત નાનજીભાઈનો ગાય, ભેંસ અને બળદ માટે રાખેલો તમામ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે. પશુપાલન પર નિર્ભર ખેડૂત માટે આ મોટો આર્થિક ફટકો માનવામાં આવી રહ્યો છે.
ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ અને તલાટી પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેઓએ નુકસાનીનો કયાસ કાઢીને આગળની વહીવટી કાર્યવાહી હાથ ધરી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણ હોવાની આશંકા સેવાઈ રહી છે.
