બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના બલૈયા સી.એચ.સી માં દવા વિના દર્દીઓને પડતી હાલાકી દૂર કરવા માંગ
બલૈયાના પી.એચ.સી સેન્ટર માંથી સી.એસ.સી સેન્ટર બન્યાને વર્ષો વિતવા છતાં દવા અને સુવિધાનો અભાવ!
સુખસર,તા.૧૧
ફતેપુરા તાલુકાના બલૈયા પી.એચ.સી સેન્ટરને સી.એચ.સી નો દરજ્જો આપ્યાને વર્ષો વિતવા છતાં આ દવાખાનામાં સુવિધાનો અભાવ હોવાની સારવાર માટે આવતા દર્દીઓની બુમો ઉઠી રહી છે.જેમાં સામાન્ય દર્દીઓને પૂરતી દવા પણ મળતી નહીં હોવાની ફરિયાદો ઉઠી રહી છે.જ્યારે સી.એસ.સી માં જે સારવાર મળવી જોઈએ તેમાં અભાવ જોવા મળે છે.તેમજ આ સી.એચ.સી સેન્ટરમાં પોસ્ટમોર્ટમ રૂમ બનાવ્યા ને પણ લાંબો સમય થવા છતાં એક પણ પી.એમ કરવામાં આવ્યું નહીં હોવાનું સ્થાનિકો જણાવી આવી રહ્યા છે. મોટાભાગની સારવાર માટે આ દવાખાનામાં આવતા દર્દીઓને જવાબદારો રિફર કરી દઈ પોતાની ફરજ અદા કરતા હોય તેમ પોતાની ફરજ બજાવતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ પી.એચ.સી સેન્ટરને વર્ષ-૨૦૧૬ માં સી.એચ.સી નો દરજ્જો આપવામાં આવેલ છે.અને સી.એચ.સી ના બાંધકામ માટે સાડા ત્રણ કરોડ રૂપિયા પણ મંજૂર કરવામાં આવેલ છે.તેમ છતાં સાત વર્ષ જેટલો સમય વિતવા છતાં આજ દિન સુધી એક ઈંટ પણ મૂકવામાં આવી નથી.આ દવાખાનામાં દર્દી લોકો વિવિધ પ્રકારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.જેમાં અકસ્માત જેવા બનાવોમાં ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ જવાતા દર્દીને બારોબાર અન્ય દવાખાનામાં રીફર કરી દેવામાં આવતા હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળે છે.તેમજ કેટલાક સામાન્ય રોગોની પૂરતી દવા પણ આ દવાખાનામાં મળતી નહીં હોવાનું દર્દીઓ દ્વારા જાણવા મળે છે.જ્યારે કુતરા કરડવા જેવા બનાવોમાં ઇન્જેક્શન વિના સ્થાનિક લોકો અન્ય દવાખાનામાં જવા મજબૂર બની રહ્યા છે.જોકે સી.એચ.સી સેન્ટરમાં જે સુવિધા હોવી જોઈએ તે અહીંયા પૂરતા પ્રમાણમાં જોવા મળતી નથી.અને દર્દીઓ ના છૂટકે અન્ય સરકારી કે ખાનગી દવાખાનાઓ માં સારવાર મેળવવા મજબૂર બની રહ્યા છે.
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે, બલૈયા સી.એચ.સી સેન્ટર માં હાલ ૨૫ જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.તેમ છતાં દાહોદ જિલ્લાના સરકારી દવાખાનાઓ પૈકી ઓછામાં ઓછી ડીલેવરી કેસો નોંધાતા હોય તો તે એકમાત્ર બલૈયા સી.એચ.સી સેન્ટર છે.બલૈયા વિસ્તારના ડીલેવરી કેસો મોટાભાગે આફવા,ફતેપુરા,સુખસર સરકારી દવાખાનામાં અથવા તો ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવતા હોવાનું જાણવા મળે છે.તેમજ આ દવાખાનામાં ગત ૩ થી ૪ વર્ષ અગાઉ પોસ્મોર્ટમ રૂમ પણ બનાવવામાં આવેલ છે.પરંતુ આજ દિન સુધી આ દવાખાનામાં એક પણ પી.એમ કરવામાં નહીં આવતા આ વિસ્તારના પી.એમ માટે ફતેપુરા સી.એચ.સી સેન્ટરમાં લાશ ને મોકલવામાં આવતી હોવાનું જાણવા મળે છે.તેમજ આ દવાખાનામાં માત્ર છ સાત જેટલા દર્દીઓ માટે પલંગ હોવાનું જોવા મળે છે.તેમજ આ દવાખાનાના વર્ગ-૪ ના કર્મચારીઓને ત્રણથી ચાર-ચાર માસ સુધી વેતનના વલખાં પડતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.આમ સરકારના એક સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર પૂરતી સુવિધાના અભાવે સ્થાનિક દર્દીઓ વિવિધ પ્રકારે મુશ્કેલી ભોગવતા હોય તે બાબતે લાગતા-વળગતા તંત્ર દ્વારા સત્વરે ધ્યાન આપી દવાખાનાનો વહીવટ સુધારવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
ચાર દિવસ અગાઉ મને કૂતરું કરડતા હું બલૈયા સરકારી દવાખાનામાં સારવાર માટે ગઈ હતી.જ્યાં મને એક ઇન્જેક્શન આપ્યું હતું.ત્યારબાદ આજરોજ બીજું ઇન્જેક્શન મૂકાવવા જતા દવાખાનામાં ઇન્જેક્શન નહીં હોવાનું જણાવતા મારે અન્ય દવાખાનામાં સારવાર માટે જવા મજબૂર બનવું પડ્યું છે.
પ્રિયંકાબેન.એમ.માલ,બલૈયા મોરપીપળા, સ્થાનિક
બલૈયા સી.એચ.સી સેન્ટરના બાંધકામ માટે પ્રોસેસ ચાલુ છે.પરંતુ દવાખાનાની આસપાસની જમીન અન્ય લોકોએ દબાણ કરતાં જમીનના અભાવે પણ આ સી.એચ.સી કેન્દ્રના બાંધકામમાં અવરોધ ઉભો થઈ રહ્યો હોય કામગીરી શરૂ થઈ શકી નથી.પરંતુ વહેલી તકે કામગીરી શરૂ થઈ જશે.
ઉદય તિલાવત,દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી,દાહોદ