સાત દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ કરાઈ,પાલિકા તંત્ર એક્શનમાં. દાહોદમાં BU વગર હાઈરાઈઝ બિલ્ડીંગ પર કાર્યવાહી,29થી વધુ મિલકત ધારકોને નોટિસ.

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

સાત દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ કરાઈ,પાલિકા તંત્ર એક્શનમાં.

દાહોદમાં BU વગર હાઈરાઈઝ બિલ્ડીંગ પર કાર્યવાહી,29થી વધુ મિલકત ધારકોને નોટિસ.

દાહોદ તા.01

દાહોદ શહેરમાં બિલ્ડીંગ યુટિલાઈઝ (BU) પરમિશન વગર ચાલતી હાઈરાઈઝ બિલ્ડીંગ સામે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી જી.એલ.કે ટાવર ખાતે 29થી વધુ મિલકત ધારકોને નગરપાલિકા દ્વારા સાગમટે નોટિસ ફટકારવામાં આવી છે અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

 

નગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો આ સમયગાળા દરમિયાન બિલ્ડીંગ યુટિલાઈઝ (BU) પરમિશન માટે જરૂરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી 7 દિવસ બાદ બિલ્ડીંગમાં આવેલી તમામ મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

માહિતી મુજબ, જી.એલ.કે ટાવરમાં અગાઉ સિનેમેરા મલ્ટિપ્લેક્સ થિયેટર સંચાલિત થતું હતું. પરંતુ BU પરમિશનના અભાવે મનોરંજન લાયસન્સ ન મળતા થિયેટર છેલ્લા કેટલાય સમયથી બંધ છે. આ ઘટનાને પગલે વહીવટી તંત્રનું ધ્યાન સમગ્ર બિલ્ડીંગ તરફ ગયું હતું, જેમાં બહાર આવ્યું કે ટાવરમાં આવેલી અનેક દુકાનો અને એકમો પાસે પણ BU પરમિશન ઉપલબ્ધ નથી.જોકે હવે આ મામલે નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક પગલાંરૂપે નોટિસ આપતા જ બિલ્ડીંગના મિલકત ધારકોમાં કચવાટનો માહોલ સર્જાયો છે અને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવા દોડધામ શરૂ થઈ ગઈ છે. સાથે જ નગરપાલિકા તંત્રએ શહેરના તમામ બિલ્ડીંગ માલિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના બિલ્ડીંગના કાનૂની દસ્તાવેજો, ખાસ કરીને BU પરમિશન, સમયસર પૂર્ણ રાખે જેથી આવી કાર્યવાહીનો સામનો ન કરવો પડે.

Share This Article