માનવતા મહેકી ઉઠી! ગરબાડાના દેવધામાં મોત સામે ઝઝૂમતી ગર્ભવતી મહિલા માટે દેવદૂત બન્યો આરોગ્ય કર્મચારી.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

માનવતા મહેકી ઉઠી! ગરબાડાના દેવધામાં મોત સામે ઝઝૂમતી ગર્ભવતી મહિલા માટે દેવદૂત બન્યો આરોગ્ય કર્મચારી.

દાહોદ તા. ૫

 કહેવાય છે કે ‘સેવા પરમો ધર્મ’, અને આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે ગરબાડા તાલુકાના પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક કર્મનિષ્ઠ કર્મચારીએ. ફરજની સાથે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડીને એક ગર્ભવતી મહિલાને નવજીવન આપ્યું છે.

 

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા હેઠળ આવતા દેવધા-૧ વિસ્તારની એક સગર્ભા મહિલાની તબિયત અચાનક લથડી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટીને માત્ર ૪ ગ્રામ જેટલું જ રહી ગયું હતું. લોહીની અત્યંત અછતને કારણે મહિલાની સ્થિતિ ગંભીર બની હતી અને તેને તાત્કાલિક બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર ઊભી થઈ હતી.

મહિલાનો જીવ જોખમમાં હોવાની જાણ થતા જ દેવધા-૨ વિસ્તારના MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર) પીન્ટુ પીડારિયા સહેજ પણ ખચકાયા વગર આગળ આવ્યા હતા. હોસ્પિટલની દોડધામ વચ્ચે સમય ગુમાવ્યા વગર તેમણે સ્વૈચ્છિક રક્તદાન કરવાનો નિર્ણય લીધો.

આરોગ્ય કર્મચારીની આ ત્વરિત સૂઝબૂઝ અને માનવતાભર્યા કાર્યને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ છે. તંત્ર દ્વારા પણ પીન્ટુ પીડારિયાની કામગીરીને બિરદાવવામાં આવી છે. આજે જ્યારે લોકો નાની વાતોમાં સ્વાર્થ શોધતા હોય છે, ત્યારે આ કર્મચારીએ લોહી આપીને સાબિત કરી દીધું છે કે માનવતા હજુ પણ જીવંત છે

Share This Article