બાબુ સોલંકી :- સુખસર
ભીલ સમુદાયમાં લગ્નમાં દહેજ,ડી.જે, દારૂ,દેવુ બંધ અભિયાન અંતર્ગત કાળિયા-લખનપુર ગામે યોજાયેલી મીટીંગ
આદિવાસી સમાજમાં વસુલાતિ દહેજ ની રકમ,સોના-ચાંદીના દાગીના, ચાંદલા વિધિમાં મુકાતા નાણાંની મર્યાદા તથા ભોજન માટે કરાતો આડેધડ ખર્ચ મર્યાદિત કરવા આહ્વાન કરાયું
સુખસર,તા.૧૦
દરેક સમાજમાં સમાજની રીતે ધડવામાં આવેલા રીત રિવાજ તે સમાજની લક્ષ્મણ રેખા છે. અને તેમાં દરેક સમાજે રહેવાનું હોય છે.પરંતુ રિવાજના નામે ઘર કરી ગયેલા કુરિવાજો જ્યારે સમાજમાં પ્રવેશ કરે છે ત્યારે કોઈ પણ સમાજમાં રામાયણ સર્જાય તેમાં કોઈ સંદેહ નથી.ત્યારે અધોગતિ તરફ ધકેલાતા સમાજને શુભચિંતકો દ્વારા સામાજિક ઉત્થાનના માર્ગે વાળવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે.તેવીજ રીતે દાહોદ,પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના પૂર્વ ભાગના આદિવાસી સમાજમાં દહેજ પ્રથા તથા દેખાદેખીમાં આડેધડ ખર્ચ કરી સમાજ અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો છે.ત્યારે સમાજના જાગૃત લોકો દ્વારા વિવિધ પ્રસંગોમાં મર્યાદિત ખર્ચ કરી સમાજને ઊંચે લાવવા માટે બિરસા મુંડા ભવન દાહોદ ભીલ સમુદાય દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આદિવાસી સમાજમાં લગ્નમાં વર પક્ષ દ્વારા કન્યા પક્ષને લાખો રૂપિયાનું દહેજ, લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના,ઘોઘાટીયુ વાતાવરણ પેદા કરતુ ડી.જે, વિવિધ પ્રસંગોમાં વિવાદ કરતા દારૂ,લગ્ન પ્રસંગોમાં ભોજન માટે આડેધડ ખર્ચ કરતા દેવાદાર બનતા પરિવારનું દેવુ બંધ અભિયાન અંતર્ગત પ્રચાર પ્રસાર અને જાગૃતિ માટે ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ ના રોજથી રથનુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે રથ આજરોજ કાળીયા ગામે કાળીયા ગામે આવી પહોંચ્યો હતો. જેમાં કાળીયા ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.અને ગામમાં દહેજ, ડી.જે,દારૂ બંધ થાય તેના માટે સમજ આપવામાં આવી હતી.આ રથ દાહોદ,પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતા દરેક ગામોમાં પ્રસ્થાન કરનાર છે.ત્યારે કાળિયા ગામે યોજાયેલી જાગૃતિ મિટિંગમાં સમાજના શિક્ષિત અને સક્ષમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને સમાજ માટે ઉદાહરણરૂપ આચરણ કરવા જણાવ્યું હતું.ગરીબ લોકોને દેખાદેખીમાં આંધળો ખર્ચો ન કરતા મર્યાદિત ખર્ચ કરી પ્રસંગ પતાવવા અને લગ્ન બંધારણનો અમલ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.તેમજ બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું.