જાગૃત નાગરિકોએ પીકઅપ અટકાવી સરકારી અનાજ પકડ્યું, તંત્રને જાણ કરાઈ. દાહોદમાં ગરીબોના અનાજ ઉપર માફિયાઓની ધાડ:જનતા રેડમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડનો ખુલાસો.!

Editor Dahod Live
2 Min Read

જાગૃત નાગરિકોએ પીકઅપ અટકાવી સરકારી અનાજ પકડ્યું, તંત્રને જાણ કરાઈ.

દાહોદમાં ગરીબોના અનાજ ઉપર માફિયાઓની ધાડ:જનતા રેડમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડનો ખુલાસો.!

દાહોદ તા.09

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામમાં ગરીબોને મળતું સરકારી સસ્તું અનાજ ગેરકાયદેસર રીતે વેચાણ માટે લઈ જવામાં આવતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.ગ્રામજનોએ સતર્કતા દાખવી અનાજથી ભરેલી પીકઅપ ગાડી ઝડપી પાડતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ ભોરવા-2 કેન્દ્રની સસ્તા અનાજની દુકાન સાથે સંકળાયેલા વ્યક્તિ દ્વારા સરકારનું અનાજ અન્ય જગ્યાએ વેચવા લઈ જવાતું હોવાની ગામજનોને લાંબા સમયથી શંકા હતી.

જેના પગલે ગ્રામજનોએ નજર રાખી હતી.આ દરમિયાન એક પીકઅપ બોલેરોમાં અનાજના કટ્ટા ભરી ગામની બાજુની દુકાન તરફ લઈ જવામાં આવી રહ્યા હોવાનું ગ્રામજનોના ધ્યાનમાં આવ્યું હતું.

શંકા જતા ગ્રામજનોએ ગાડી અટકાવી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન પીકઅપ ગાડીમાંથી સરકારના લેબલવાળા અંદાજે 14 જેટલા અનાજના કટ્ટા મળી આવ્યા હતા.ઘટના બહાર આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો અને સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે ઘટનાની જાણ નાયબ મામલતદારને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પ્રાથમિક તપાસ બાદ અનાજના કટ્ટા અને પીકઅપ ગાડી સીઝ કરી મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યા છે.હાલ સમગ્ર મામલે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે, જેથી નાના અને મધ્યમ વર્ગના લોકોનું જીવન સરળ બની શકે.પરંતુ અનાજ માફિયાઓ દ્વારા આવા જથ્થાની સગેવગે થતી હોવાના બનાવો સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જાગૃત જનતા હવે ખુદ આગળ આવી આવા કૌભાંડોનો પર્દાફાશ કરી કૌભાંડીઓને ઓને ખુલ્લા પાડી રહી છે.

Share This Article