પ્રાંત અધિકારીના આદેશોનુસાર મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ…
દાહોદના ભીલવાડા વિસ્તારમાં નિર્માણાધિન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ કરાઈ…
દસ માળની બિલ્ડીંગની દિવાલ ઉપર નોટિસ ચોટાડાઈ.
ટાઇટલમાં કબજેદાર દ્વારા અપાયેલા પુરાવાઓ અપૂરતા અને સંતોષજનક ન હોવાના લીધે કાર્યવાહી હાથ ધરી.
બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન વર્ક પૂર્ણતાના આરે: વહીવટી તંત્રને ધ્યાને કેમ ન આવ્યું.?તપાસનો વિષય..
દાહોદ તા.30
દાહોદ શહેરના ભીલવાડા વિસ્તારમાં નવી નિર્માણ પામતી 10 માળની એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને આજે સીલ મારી દેવાતા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો છે સ્માર્ટ સિટી અંતર્ગત અને ટાઉન પ્લાનિંગ સ્કીમ મુજબ દાહોદ ગોધરા રોડથી બસ સ્ટેન્ડ સુધીનો નવો નિર્માણ પામતા માર્ગના સર્વે દરમિયાન હોસ્પિટલ બાંધકામ અંગે કેટલીક અનિયમિતતા અને જરૂરી મંજૂરીનો અભાવ જણાતા પ્રાંત અધિકારીના હુકમથી આજે દાહોદના મામલતદારે આ બિલ્ડીંગને સીલ મારી દેતા શહેર ભરમાં ચકચાર મચી જવા પામી છે
દાહોદ શહેરના ભીલવાડા વિસ્તારમાં સીટી સર્વે નંબર 8/25 60 B પૈકી આવતી જમીનમાં એક ખાનગી હોસ્પિટલની નિર્માણાધીન બિલ્ડીંગ ઉપર આજે મામલતદાર કચેરીના સ્ટાફ મામલતદાર સહિત ત્રાટક્યા હતા. અને આ બિલ્ડિંગ ગેરકાયદેસર રીતે નિયમો વિરુદ્ધ બંધાઈ રહી હોવાનું જણાવી તથા તેના ટાઇટલમાં તપાસ કરવાના કારણોને લઈને બાંધકામ રોકાવી તેને સીલ મારી દેવાતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે
અત્રે ઉલ્લેખનીય છે કે આ દસ માળની બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન વર્ક લગભગ પૂર્ણતાના આરે છે.ફ્લોરિંગ અને ફર્નિચરનું કામ શરૂ છે.ત્યાં સુધી કોઈપણ કાર્ય વહીવટી તંત્રને ધ્યાને ન આવ્યું તે એક તપાસનો વિષય છે. જોકે આ બિલ્ડિંગને એટલે પણ સીલ મારી હોવાનું કહેવાઈ રહ્યું છે. કે જે આ બિલ્ડીંગ નિર્માણાધિન છે. ત્યાંથી ટાઉન પ્લાનિંગ સ્કીમનો મસમોટો રોડ પસાર થવાનો છે.અને તેના સર્વે દરમિયાન આ સમગ્ર વિગતો ધ્યાને આવી હોવાનું પણ ચર્ચા રહ્યું છે.ત્યારે ખરેખર આ બિલ્ડીંગને કયા પ્રકારની અને કેવી પરમિશન મળી હતી. તે પણ ઝીણવટ ભરી તપાસ માંગી લે છે. દાહોદ શહેરના ગોધરા રોડથી ઇદગાહ કબ્રસ્તાન થઈને બસ સ્ટેન્ડ સુધી પહોંચતા આ માર્ગમાં કેટલાય અડચણરૂપ દબાણો દૂર કરવાના મનસુબા સાથે સર્વે થયો છે.ત્યારે આ બિલ્ડીંગનું ટાઇટલ કેટલું ક્લિયર છે કે નહીં તેની તપાસ પણ પ્રાંત કક્ષાએ અને મામલતદાર કક્ષાએ તપાસ થઈ રહી છે.
સમગ્ર બિલ્ડીંગની કાયદેસરતા ન ચકાસાય ત્યાં સુધી સીલ મારી દેવાતા શહેરમાં તરેહ તરેહની ચર્ચાઓએ જન્મ લીધો છે.નગર નિયોજનના નકશા મુજબ કામ ન થતું હોવાના આક્ષેપ કરનાર તંત્રને શહેરની અન્ય બિલ્ડીંગો કેમ ધ્યાન નથી આવતી તે પણ ચોરેને ચૌટે ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ બિલ્ડીંગને સીલ મારવા માટેનું કારણ દુખે પેટ અને કુટે માથું એવું તો નથીને જોકે સ્માર્ટ સિટી બની રહેલા દાહોદના વિકાસ કાર્યોમાં કોણ કોનો અને ક્યારે કયા પ્રકારનો ભોગ લે છે એ પણ અનિશ્ચિત હોય શહેરમાં એક પ્રકારનો છુપો ડર એટલે ભય સાથે આશ્ચર્ય પણ વ્યક્ત થઈ રહ્યું છે ત્યારે આ દસ માળની બિલ્ડીંગની દિવાલ ઉપર ચોંટાડેલી નોટિસ આવનારા દિવસોમાં કઈ દિશામાં દાહોદ શહેરના વિકાસને લઈ જશે તે દેખવું રહ્યું એક તરફ અગાઉના દબાણો દૂર કર્યા સમયની કોર્ટમાં મેટરો હાલમાં પેન્ડિંગ છે ત્યારે આ દબાણનો બીજો તબક્કો કેટલા લીટીગેશનો ઊભા કરશે એ પણ મહત્વનું બની રહેશે. ત્યારે આ બિલ્ડીંગ પણ રાજકીય આટાપાટાનો ભોગ તો નથી બન્યું ને કારણ જે પણ હોય હાલ તો સીલ મારેલી હોસ્પિટલને લઈને અનેક તર્ક વિતર્ક સાથે નગરપાલિકા અને વહીવટી તંત્રની સામે અનેક પ્રકારની આંગળીઓ ચીંધાઈ રહી છે.
ત્યારે શહેરની અન્ય કેટલીક આવી ગેરકાયદેસર બિલ્ડીંગો પર તંત્ર ત્રાટકશે ખરું.?ત્યારે દાહોદ ખાતે આજે સીલ મરાયેલી હોસ્પિટલ અંગે મામલતદાર શ્રીએ બિલ્ડીંગના નકશા તથા જમીનના કાગળો અને સત્તા પ્રકાર તપાસ કરવાનું જણાવી કબજેદાર દ્વારા અપાયેલા પુરાવાઓ અપૂરતા અને સંતોષજનક ન હોવાનું નિવેદનમાં જણાવ્યું છે ત્યારે ખરેખર આ જમીનનું ટાઈટલ શું છે?
એ પણ આવનારા સમયમાં બહાર આવશે ટાઉન પ્લાનિંગ સ્કીમમાં આવતી આ જમીન પ્રીમિયમને પાત્ર છે? પ્રીમિયમ ભરેલું છે? અથવા તો તેનું ટાઈટલ કેટલું ક્લિયર છે એ હવે તપાસમાં બહાર આવશે જમીનના કાગળો ન તપાસાય ત્યાં સુધી બિલ્ડીંગને સીલ મરાયેલું જણાવતા મામલતદાર હવે તપાસનો દોર કઈ દિશામાં લઈ જાય છે તે પણ જોવું રહ્યું…