રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના ખરવાણીમાં પાણી માટે હાહાકાર, મહિલાઓ 2 કિમી દૂરથી પાણી લાવવા મજબૂર.!
તળાવો સુકાઈ જતાં ખાડા ખોદી દૂષિત પાણીનો સહારો;વિકાસના દાવાઓ વચ્ચે આદિવાસી વિસ્તારમાં પાણી માટે સંઘર્ષ.!
દાહોદ તા.12
દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારના ખરવાણી ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ ગ્રામજનોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ગામના તળાવો સુકાઈ જતાં લોકો હવે તળાવમાં ખાડા ખોદીને નીકળતા દૂષિત પાણીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. ગામની મહિલાઓને દરરોજ 1 થી 2 કિલોમીટર દૂર જઈને પાણી ભરવું પડી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિકાસ અને નળ સે જળ યોજનાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાના ખરવાણી ગામની વાસ્તવિકતા આ દાવાઓ સામે અનેક સવાલો ઉભા કરી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગામમાં પીવાના પાણીની ભારે અછત સર્જાઈ છે.ગામના મુખ્ય જળસ્ત્રોત એવા તળાવો સંપૂર્ણપણે સુકાઈ જતાં ગ્રામજનો તળાવની અંદર ખાડા ખોદીને નીકળતા પાણી પર નિર્ભર બન્યા છે. ખાડામાંથી મળતું પાણી સ્વચ્છ ન હોવા છતાં અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકો આ જ પાણી પીવા અને ઘરગથ્થુ ઉપયોગમાં લઈ રહ્યા છે.પાણીની સમસ્યાનો સૌથી વધુ ભોગ મહિલાઓ બની રહી છે. રોજિંદી જરૂરિયાત માટે તેમને 1 થી 2 કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે છે. કલાકો સુધીની મહેનત બાદ પણ પૂરતું પાણી મળતું નથી, જેના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વિશ્વમાં ભારત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. અવકાશ ક્ષેત્રથી લઈને આધુનિક પરિવહન વ્યવસ્થા સુધી દેશ આગળ વધી રહ્યો છે. પરંતુ બીજી તરફ દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં આજે પણ લોકો પીવાના પાણી જેવી પાયાની સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ સ્થિતિ વિકાસના દાવાઓ અને જમીની હકીકત વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી રહી છે.આઝાદીના 78 વર્ષ બાદ પણ જો લોકોને પીવાનું શુદ્ધ પાણી ન મળે તો તે સ્થાનિક તંત્ર, જનપ્રતિનિધિઓ અને જવાબદાર વિભાગોની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા કરે છે. ગ્રામજનોએ તાત્કાલિક પાણીની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.ખરવાણી ગામમાં પાણી માટેનો સંઘર્ષ હવે ગ્રામજનો માટે રોજની વાસ્તવિકતા બની ગયો છે. દૂષિત પાણી પીવા મજબૂર બનેલા લોકો હવે સરકાર અને તંત્ર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. પ્રશ્ન એ છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે અને ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી ક્યારે મળશે?
