બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકા પંચાયત ભાજપમાં મોટો ભડકો,સત્તા ટકાવવાની મજબૂરી સામે કાર્યકરોમાં ભારે રોષ*
*અપક્ષ ઉમેદવારના ટેકાથી ભાજપના કાર્યકરો નારાજ* સુખસર,તા.11

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતના રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાદ ભાજપ સંગઠનમાં આંતરિક ભડકો થયો હોવાની વિગતો સામે આવી રહી છે.ભાજપ સામે બળવો કરી અપક્ષમાંથી ચૂંટાયેલા ઉમેદવારનો ટેકો લેવા મુદ્દે સ્થાનિક ભાજપમાં વિવાદનો મોટો વંટોળ ઊભો થયો છે. જેને કારણે પક્ષના વફાદાર કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ,ફતેપુરા તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપને સલારા-૧ બેઠકના અપક્ષ ઉમેદવાર અજય પારગીનો ટેકો મળ્યો હતો.અજય પારગીએ અગાઉ ભાજપ સામેજ બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને જીત મેળવી હતી. હવે સત્તા મેળવવા કે ટકાવી રાખવા માટે પક્ષ સાથે ગદ્દારી કરનાર આવા બળવાખોર ઉમેદવારને સાચવવાના મુદ્દે ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સામસામે આવી ગયા છે.
આંતરિક વિખવાદ અને બોલાચાલીનો વીડિયો વાયરલ થયો છે.આ ખેંચતાણ એટલી હદે વધી ગઈ છે કે,ભાજપના સ્થાનિક નેતાઓ અને અપક્ષ ઉમેદવાર અજય પારગી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને આંતરિક ઘર્ષણ થયું હોવાના અહેવાલ છે.આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.જેણે ભાજપની આંતરિક શિસ્તના ધજાગરા ઉડાડ્યા છે. વફાદાર કાર્યકરો ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે કે, “શું સત્તા ટકાવવા માટે પક્ષે આટલી મોટી મજબૂરી બતાવવી પડે? તેવો વિપક્ષના હાથમાં મોટો મુદ્દો આવ્યો છે.
ભાજપના આ આંતરિક કલહ અને જૂથબંધીના કારણે વિપક્ષને બેઠા બેઠા મોટો રાજકીય મુદ્દો મળી ગયો છે. વિપક્ષ હવે ભાજપની સત્તા લાલસા પર આકરા પ્રહારો કરી રહ્યો છે.હવે જોવાનું એ રહેશે કે,શું ભાજપ હાઈકમાન્ડ આ બળવાખોર ઉમેદવારને સાચવી રાખશે કે પછી પક્ષ માટે તન-તોડ મહેનત કરનારા વફાદાર કાર્યકરોના રોષને શાંત કરવા કોઈ મોટો નિર્ણય લેશે? આ વિવાદ આગામી દિવસોમાં સ્થાનિક રાજકારણમાં કેવો વળાંક લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
