બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકામાં યોજાયેલ જનકલ્યાણ શિબિરમાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ પોર્ટેબલ એક્સ-રે યુનિટની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી*
*નાગરિકોને ટીબી સહિત અન્ય શ્વસન સંબંધિત રોગોના વહેલા નિદાન માટે સમયસર તપાસ કરાવવાની અપીલ કરાઈ*
સુખસરતા. ૧૨
દાહોદ જિલ્લામાં આજ રોજ સુખસર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરસ્વાના સબ સેન્ટર બલૈયા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા દ્વારા પોર્ટેબલ એક્સ-રે યુનિટની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન અધિકારીઓ અને આરોગ્ય ટીમ દ્વારા મંત્રીશ્રીને પોર્ટેબલ એક્સ-રે યુનિટની કાર્યપદ્ધતિ, ટીબી (ક્ષયરોગ) સ્ક્રીનિંગની પ્રક્રિયા તેમજ સ્થળ પર જ એક્સ-રે સેવાઓ કેવી રીતે પૂરી પાડવામાં આવે છે.તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મંત્રીએ ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી અને લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના પ્રયાસોને બિરદાવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે,સરકારી આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લઈ લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત બને અને ગંભીર રોગોને પ્રારંભિક તબક્કે જ ઓળખી સારવાર મેળવી શકે. મંત્રીશ્રીએ ઉપસ્થિત નાગરિકોને ટીબી સહિત અન્ય શ્વસન સંબંધિત રોગોના વહેલા નિદાન માટે સમયસર તપાસ કરાવવાની અપીલ કરી હતી.આ કામગીરી દ્વારા ટીબીના વહેલા નિદાન, સમયસર સારવાર અને રોગ અંગે જનજાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન પ્રાપ્ત થઈ રહ્યું છે.જે ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવામાં મદદરૂપ બનશે.
જનકલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લાભાર્થીઓએ પોર્ટેબલ એક્સ-રે સહિત વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. પોર્ટેબલ એક્સ-રે યુનિટ દ્વારા સ્થળ પર જ સ્ક્રીનિંગ અને તપાસની સુવિધા ઉપલબ્ધ થતાં લોકોને ઝડપી, સરળ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા પ્રાપ્ત થઈ હતી.
