*૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના* *ગુજરાતમાં સ્માર્ટ સીટીનું સન્માન મેળવનાર એકમાત્ર નગરપાલિકા એટલે દાહોદ* *ભારત સરકારના સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ દેશભરના ૧૦૦ સ્માર્ટ સીટીમાં દાહોદ જિલ્લાની પણ પસંદગી*

Editor Dahod Live
6 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના*

*ગુજરાતમાં સ્માર્ટ સીટીનું સન્માન મેળવનાર એકમાત્ર નગરપાલિકા એટલે દાહોદ*

*ભારત સરકારના સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ દેશભરના ૧૦૦ સ્માર્ટ સીટીમાં દાહોદ જિલ્લાની પણ પસંદગી*

*સ્માર્ટ સીટી અંતર્ગત આંતર – બાહ્ય રમત-ગમતની વિવિધ અધ્યતન સુવિધાઓથી સજ્જ એટલે દાહોદનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ*

*દાહોદના ખેલાડીઓને રમત – ગમત ક્ષેત્રે પ્લેટફોર્મ પૂરું પાડતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ*

દાહોદ તા. ૯

ગુજરાત રાજ્યના પૂર્વ છેવાડે અને ઉગતા સૂર્યને આવકારતો જિલ્લો એટલે દાહોદ. કહેવાય છે કે, દાહોદ જિલ્લો એટલે આદિવાસીઓ સહિત અનેકવિધ ધર્મ અને જાતિના લોકોનું ઘર. એક તરફ રાજસ્થાન તો બીજી તરફ મધ્ય પ્રદેશ રાજ્યોને જોડતો જિલ્લો એટલે દાહોદ. દાહોદમાં ઘણી વિવિધતાઓ જોવા મળે છે. ભાષા, લોકબોલી, સંસ્કૃતિ, જાતિ, તહેવારો, વહેવારો, પહેરવેશ અને રીત-રિવાજ સૌથી નોખા જોવા મળે છે. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન દાહોદ જિલ્લાને સ્માર્ટ સીટી બનાવવાનું હતું. જે અંતર્ગત ભારત સરકારના સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ દાહોદ જિલ્લાની પણ પસંદગી કરવામાં આવી હતી. દાહોદની પસંદગી ભારત સરકારના સ્માર્ટ સિટીઝ મિશનના ત્રીજા તબક્કામાં કરવામાં આવી હતી. તે દેશના ૧૦૦ સ્માર્ટ શહેરોમાંનું એક છે અને ગુજરાતમાં આ સન્માન મેળવનાર એકમાત્ર નગરપાલિકા એટલે દાહોદ. ગુજરાતના મહત્વપૂર્ણ આદિવાસી શહેરોમાંના એક તરીકે દાહોદ જિલ્લાએ સમય જતાં નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા માટે નવીન ઉકેલો, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ ગવર્નન્સ પદ્ધતિઓ અપનાવી વિકાસ અને પરિવર્તનની યાત્રા શરૂ કરી. 

આ મિશન હેઠળ દાહોદ સ્માર્ટ સિટીએ શિક્ષણ, તળાવ પુનર્જીવન, પરિવહન, ટ્રાઇબલ મ્યુઝિયમ, રમત-ગમત સુવિધાઓ, માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઘન કચરા વ્યવસ્થાપન (સંગ્રહથી લઈને પ્રક્રિયા સુધી) તથા જાહેર સુવિધાઓ જેવા અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માહિતી ટેક્નોલોજી આધારિત પ્રોજેક્ટો સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે. આ તમામ પ્રોજેક્ટસનો હેતુ દાહોદ શહેરનો વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. તો ચાલો, આપણે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ નવ-નિર્માણ પામેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, દાહોદ વિશે થોડું જાણીએ…

વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ અવસરે અત્યારે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યકમો યોજાઈ રહ્યા છે ને ઉજવણી થઇ રહી છે ત્યારે આપણે એક નજર દાહોદ જિલ્લામાં નવીન બનેલ અને દાહોદના ખેલાડીઓનું સપનાને સાકાર કરતાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વિશે જાણીએ…

*સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, દાહોદ* 

દાહોદ ખાતે આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ એક અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, જે ખેલાડીઓ અને રમતપ્રેમીઓને સર્વાંગી રમત-ગમતનો અનુભવ પ્રદાન કરવા માટે વિકસાવવામાં આવ્યું છે. ૩ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવાવની શરૂઆત થઇ હતી જે ૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂર્ણતાના આરે પહોંચી હતી. અહીં બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ અને કબડ્ડી માટેના ઇન્ડોર કોર્ટ ઉપલબ્ધ છે, જેમાં દર્શકો માટે ૧૨૦૦ બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોમ્પ્લેક્ષમાં ઓલિમ્પિક ધોરણનો આઠ-લેન સ્વિમિંગ પૂલ પણ સમાવાયેલ છે, જેમાં ૨૫૦ દર્શકો માટે ખુલ્લા આકાશ હેઠળ બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ સુવિધા જળક્રીડા માટે વિશ્વસ્તરીય માળખું પ્રદાન કરે છે.

બાહ્ય રમત-ગમત સુવિધાઓ પણ એટલી જ આકર્ષક અને આધુનિક છે, જેમાં એથ્લેટિક્સ ટ્રેક, લોન ટેનિસ કોર્ટ, તીરંદાજી માટેના મેદાન, ફૂટબોલ ગ્રાઉન્ડ અને બોક્સ ક્રિકેટ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓ દાહોદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓ માટેનું એક બહુમુખી કેન્દ્ર બનાવે છે. આશરે રૂ. ૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ પ્રોજેક્ટનો હેતુ રમત-ગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવા ધોરણો સ્થાપિત કરવાનો છે. આ એક સ્મારક સમાન પ્રોજેક્ટ છે, જે આદિવાસી બહુલ વિસ્તારમાં રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે તથા ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના વિદ્યાર્થીઓ અને યુવાનોને સીધો લાભ પહોંચાડશે.

*બાહ્ય રમતગમત સુવિધાઓ (Outdoor Sports Facilities) બાજુ નજર કરીએ તો…*

કૃત્રિમ ઘાસ (Artificial Turf) સાથેનું આંતરરાષ્ટ્રીય ધોરણનું ફૂટબોલ મેદાન (FIFA ધોરણ મુજબ) આંતરરાષ્ટ્રીય ધોરણનો સિન્થેટિક એથ્લેટિક ટ્રેક (IAAF ધોરણ મુજબ), જે ૧૦૦ મી., ૨૦૦ મી., ૪૦૦ મી., ૧૫૦૦ મી., ૧૦,૦૦૦ મી. દોડ, હર્ડલ્સ તથા રિલે રેસ (4×100 મી. અને 4×400 મી.) માટે યોગ્ય છે.

બે લોન ટેનિસ કોર્ટ, લોંગ જમ્પ અને ટ્રિપલ જમ્પ માટેના પિટ્સ, ઓલિમ્પિક ધોરણનો સ્વિમિંગ પૂલ, શોટપુટ માટેની સુવિધા, દર્શકો માટે ૧૨૦૦ બેઠકોની ક્ષમતા, રાત્રિના કાર્યક્રમો માટે હાઈ માસ્ટ લાઇટિંગ વ્યવસ્થા, ભવિષ્યમાં ૫૦ મીટર રેન્જ સાથે તીરંદાજી (Archery) સુવિધા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 

*આંતરિક રમત-ગમત સુવિધાઓ (Indoor Sports Facilities) ની વાત કરીએ તો…*

બાસ્કેટબોલ, વોલીબોલ અને બેડમિન્ટન માટેની સુવિધાઓ, કુસ્તી, જુડો, તાયક્વોન્ડો/કરાટે, ખો-ખો અને કબડ્ડી માટેની સુવિધાઓ, ટેબલ ટેનિસ અને વેઇટલિફ્ટિંગ માટેની સુવિધાઓ, દર્શકો માટે ૮૦૦ બેઠકોની ક્ષમતા, VIP મહેમાનો માટે ૨૦૦ બેઠકોની વિશેષ વ્યવસ્થા, રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે યોગ્ય મેપલ લાકડાનું ફ્લોરિંગ (Maple Wooden Flooring) ની વ્યવસ્થા કરવામાં આવી છે.

*દાહોદવાસીઓને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થકી મળનાર સુવિધા તરફ એક નજર કરીએ તો…*

નાગરિકોને આધુનિક રમત-ગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઉપલબ્ધ થશે, તમામ વયજૂથના લોકોમાં શારીરિક સક્રિયતા, સ્વસ્થ જીવનશૈલી અને સર્વાંગી આરોગ્યને પ્રોત્સાહન મળશે. વિદ્યાર્થીઓ અને યુવા ખેલાડીઓને વ્યાવસાયિક તાલીમ મેળવવા તેમજ ઉચ્ચ સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક મળશે. રમત-ગમત સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન મળશે અને સમાજમાં વિવિધ રમતોમાં ભાગીદારી વધશે. બાળકો, યુવાનો, વયસ્કો અને વરિષ્ઠ નાગરિકો માટે મનોરંજન અને ફિટનેસ સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ થશે. 

સ્થાનિક ખેલાડીઓ અને રમતપ્રેમીઓને ગુણવત્તાયુક્ત રમતગમત સુવિધાઓ માટે અન્ય મોટા શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં. સંકુલના સંચાલન, કોચિંગ, જાળવણી અને વ્યવસ્થાપન દ્વારા પ્રત્યક્ષ તથા પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે. જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન શક્ય બનશે, જેના કારણે શહેરને ઓળખ મળશે અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. 

આ પ્રોજેક્ટ થકી યુવાનોની સકારાત્મક ભાગીદારીને પ્રોત્સાહન મળશે. દાહોદ આદિવાસી વિસ્તાર અને આસપાસના પ્રદેશો માટે રમત-ગમતનું મહત્વપૂર્ણ કેન્દ્ર (Sports Hub) તરીકે વિકસશે, જે ખેલાડીઓ, મુલાકાતીઓ અને રોકાણને આકર્ષશે. રમત-ગમત, મનોરંજન અને સામુદાયિક પ્રવૃત્તિઓ માટે સુરક્ષિત, આધુનિક અને સરળતાથી સુલભ વાતાવરણ ઉપલબ્ધ થશે, જે નાગરિકોના સર્વાંગી કલ્યાણમાં મહત્વપૂર્ણ નિર્ણય પુરવાર થશે. 

Share This Article