રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના સાંસદશ્રીની ડીઆરએમ કક્ષાની બેઠકમાં રેલવે વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા, અધિકારીઓએ ઉકેલની આપી ખાતરી
દાહોદ, તા. 5 જૂન
દાહોદના લોકસભા સાંસદશ્રીની અધ્યક્ષતામાં પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) અને વરિષ્ઠ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં દાહોદ, લીમખેડા, અનાસ, પિપલોદ સહિતના વિસ્તારોના રેલવે વિકાસ અને જનસુવિધા સંબંધિત અનેક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
બેઠકમાં ઉસરા ખાતે લો હાઇટ સબ-વે, અનાસ (રાછરડા) ખાતે અંડરબ્રિજ, લીમખેડા ખાતે અટકેલી અંડરબ્રિજ કામગીરી, પાનિયા ગેટ ઓવરબ્રિજનું કામ, લીમખેડાના બ્રિજ નંબર-55ની પહોળાઈ વધારવા સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત દાહોદ-ઇન્દોર રેલ પ્રોજેક્ટની પ્રગતિ, અનાસ અને લીમખેડા સ્ટેશનો પર ફૂટ ઓવરબ્રિજ તથા લિફ્ટ સુવિધા, પિપલોદ ખાતે પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતી સુવિધા, દાહોદમાં GRP પોલીસ સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ માટે જમીન ફાળવણી જેવા પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા.
સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર એ દાહોદ રેલવે કોલોનીમાં પોસ્ટ ઓફિસ માટે મકાન ફાળવણી, સાત બંગલાથી વાંદરિયા-છાપરી સુધી માર્ગ નિર્માણ, દાહોદ-ઝાલોદ રોડ ઓવરબ્રિજના પુનઃનિર્માણ તેમજ દાહોદ માટે નવી ટ્રેનો અને વિવિધ ટ્રેનોના સ્ટોપેજની માંગ પણ રજૂ કરી હતી.
બેઠક દરમિયાન રેલવે અધિકારીઓએ તમામ મુદ્દાઓને ગંભીરતાથી સાંભળ્યા હતા અને શક્ય તેટલા વહેલા ઉકેલ લાવવા માટે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. અનેક પ્રશ્નો અંગે પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવતાં અધિકારીઓએ તબક્કાવાર ઉકેલની ખાતરી આપી હતી.
બેઠક બાદ દાહોદનાસાંસદશ્રી જશવંતસિંહ ભાભોર ને DRM રતલામે લીમખેડા ખાતે સ્થળ મુલાકાત (Site Visit) કરી સ્થાનિક નાગરિકોના અને તેમના પ્રશ્નો ના નિરાકરણ માટે ખાતરી આપી હતી . રેલવે સંબંધિત જનસુવિધાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે રેલવે તંત્ર સાથે સંકલન કરીને જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી હતી.
સ્થાનિક નાગરિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બેઠકમાં થયેલી હકારાત્મક ચર્ચા અને સાંસદશ્રીના પ્રયાસોના પરિણામે દાહોદ જિલ્લામાં લાંબા સમયથી પડતર રહેલા રેલવે વિકાસના કાર્યોને વેગ મળશે અને મુસાફરોને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે.
