ફતેપુરાના ઘૂઘસ ગામે ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરાના ઘૂઘસ ગામે ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો*

*મહિલાઓને સ્વરક્ષણ માટે કાયદાકીય માહિતી અને સરકારી યોજનાઓના લાભો વિશે જાગૃતિ લાવવા માહિતગાર કરાયા*

 સુખસર,તા.12

  દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘૂઘસ ગામે ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના લાભાર્થી વેરિફિકેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ ફતેપુરા તાલુકાના ઘૂઘસ ગામે મહિલા સશક્તિકરણ, કાયદાકીય જાગૃતિ અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણના હેતુસર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

         કાર્યક્રમ અંતર્ગત ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) માટે વેરિફિકેશન કેમ્પ યોજાયો હતો.કાર્યક્રમના પ્રથમ તબક્કામાં આયોજિત કાયદાકીય માર્ગદર્શન સેમિનારમાં દહેજ પ્રતિબંધક સહ સંરક્ષણ અધિકારીશ્રી પંકજભાઈ પટેલ દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસા સામે ઉપલબ્ધ કાયદાકીય રક્ષણ, ફરિયાદની પ્રક્રિયા તેમજ મહિલાઓના અધિકારો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 

           આ ઉપરાંત દાહોદ જિલ્લા કોર્ટના વકીલશ્રી તરુણભાઈ શર્મા દ્વારા મહિલાઓને કાયદાકીય જાગૃતિ, વિવિધ મહિલા સુરક્ષા કાયદાઓ અને ન્યાય મેળવવાની પ્રક્રિયા અંગે સરળ અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત DHEW (District Hub for Empowerment of Women) ના કર્મચારીઓએ પણ ઉપસ્થિત મહિલાઓને સરકારશ્રીની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અને તેના લાભો અંગે માહિતી આપી હતી.

             કાર્યક્રમના બીજા તબક્કામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી બહેનો માટે વેરિફિકેશન કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ‘સત્યાપન એપ’ મારફતે લાભાર્થી બહેનોનું સ્થળ પર જ ડિજિટલ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાથી લાભાર્થીઓને કચેરીઓના ધક્કા ખાવાની જરૂરિયાત ઘટી અને યોજનાના અમલીકરણમાં વધુ પારદર્શિતા તથા ઝડપ સુનિશ્ચિત થઈ હતી.ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને કાયદાકીય માહિતી અને સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાના આ પ્રયાસને ઉપસ્થિત મહિલાઓ દ્વારા આવકાર મળ્યો હતો. કાર્યક્રમ મહિલા જાગૃતિ અને કલ્યાણની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો.

Share This Article