બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના પાટડીયા તથા જવેસીમાં જ્યારે ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે નિરાધાર મહિલાનું મકાન પડી જતા હજારો નું નુકસાન
૧૭ સપ્ટેમ્બર-૨૦૨૩ ના રોજ પાટડીયા જવેસીમાં વધુ વરસાદના કારણે અનેક મકાનો પડી જતાં સર્વેની રાહ જોતા અસરગ્રસ્તો
ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે નોંધારા,વિધવા અને લકવા ગ્રસ્ત મહિલાનું મકાન પડી જતા મુશ્કેલીમાં મુકાયા
સુખસર,તા.૧૯
ગત શુક્રવારથી શરૂ થયેલા વરસાદે ખેડૂતોના પાકો પાણી વિના નિષ્ફળ જાય તે પહેલા સતત ત્રણ દિવસ સુધી હાજરી આપી ખેતી પાકો બચાવી લીધા છે.તેમજ આગામી એક વર્ષ સુધી સિંચાઈ તથા પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે.પરંતુ પવન સાથે આવેલા વરસાદથી કેટલીક જગ્યાએ નુકસાન પણ થયું છે.જેમાં તાલુકામાં ખાસ કરીને ગરીબ પરિવારોના કાચા મકાનો પડી જતા બે ઘર બન્યા છે.ત્યારે લાગતા-વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરી તેઓને સહાય ચૂકવી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના અનેક ગામડાઓમાં વધુ વરસાદના કારણે કાચા મકાનો પડી જવા પામ્યા છે.તેમાં ખાસ કરીને ઝવેસી ગામમાં અનેક મકાનની છત પડી જવા પામી હોવાનું જાણવા મળે છે તેમાં ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ જવેસીના મગનભાઈ ખાનાભાઈ રોહિત,ભરતભાઈ મોહનભાઈ ભેદી, દલસિંગભાઈ વગેલા તથા નિકેશભાઈ ભુરસીંગભાઇ વસુનીયા ના કાચા મકાનો પડી જતા હજારો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે જ્યારે પાટડીયા ગામના જેન્તીભાઈ થાવરાભાઈ સંગાડા મકાન પડી જતા નુકસાન પહોંચ્યું હોવાનું અને બાકીનુ મકાન પણ પડવાની હાલતમાં હોવાનું જાણવા મળે છે.આ ધારાશયી થયેલા મકાનો દિવસ દરમ્યાન પડ્યા હોય ઘરના સભ્યોએ સમય સૂચકતા વાપરતા કોઈ શારીરિક નુકસાન પહોંચવા પામ્યું નહીં હોવાનું પણ જાણવા મળે છે.પરંતુ હાલ કપરા સમયમાં મોટુ આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું અસરગ્રસ્ત પરિવારો દ્વારા જાણવા મળે છે.
જ્યારે ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામના આંબા ફળિયામાં રહેતા કાળીબેન નારુભાઈ નીનામા નાઓ વિધવા જીવન ગુજારે છે.તેમને સંતાનો નથી તેમ જ આ બહેન એકલા રહે છે. તથા વાલ્વની લકવાની બીમારી થી પીડાઈ રહ્યા છે. ચાર વર્ષથી બોલી પણ શકતા નથી.તેમ જ તેઓ બીપીએલ લાભાર્થી હોવા છતાં તેઓને કોઈ લાભ આપવામાં નહીં આવ્યો હોવાનું જાણવા મળે છે.સાથે-સાથે તેઓ એકલા કાચા મકાનમાં રહેતા હતા.જે મકાન રવિવારના રોજ વધુ વરસાદના કારણે પડી જતા નિરાધાર બન્યા હોવાનું જાણવા મળે છે. મકાન પડી જતા આ વિધવા મહિલા ને એક લાખ ઉપરાંતનું નુકસાન પહોંચવા પામેલ હોવાનું જાણવા મળે છે.અને વહેલી તકે આ મકાનનો સર્વે કરી તેઓને મળવા પાત્ર સહાયની રકમ ચૂકવી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.