Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ચરમસીમા પર:ઝાયડસ હોસ્પિટલમાં બેડ મેળવવા તેમજ મુક્તિધામમાં અગ્નિ સંસ્કાર માટે કતારો લાગી:દર્દીને બચાવવાં તમામ પરિસ્થિતિઓ સામે ઝઝુમતા સ્વજનો,

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ચરમસીમા પર:ઝાયડસ હોસ્પિટલમાં બેડ મેળવવા તેમજ મુક્તિધામમાં અગ્નિ સંસ્કાર માટે કતારો લાગી:દર્દીને બચાવવાં તમામ પરિસ્થિતિઓ સામે ઝઝુમતા સ્વજનો,

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા:- દાહોદ લાઈવ ડેસ્ક....

  •  દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ચરમસીમા પર..
  • ઝાયડસ હોસ્પિટલમાં બેડ મેળવવા તેમજ મુક્તિધામમાં અગ્નિ સંસ્કાર માટે કતારો લાગી.
  • કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાતા પરિસ્થિતિ ભયજનક
  • હોસ્પિટલમાં સારવાર મેળવવા દર્દીઓ વેટીંગમોડમાં:દર્દીને બચાવવાં તમામ પરિસ્થિતિઓ સામે ઝઝુમતા સ્વજનો,
  • કોરોના સંક્રમણની ચેઇનને તોડવા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગના તનતોડ પ્રયાસો છતાંય પરિસ્થતિ બેકાબુ: વધતો જતો મૃત્યુઆંક ચિંતાજનક 

દાહોદ તા.27

દાહોદ શહેર સહીત જિલ્લો કોરોનાની નાગચૂડમાં જકડાઈ ગયું છે. કોરોના સંક્રમણની બીજી લહેર ખુબ જ ઘાતક અને જીવલેણ સાબિત થતી જોવા મળી રહી છે.વધુમાં કોરાનાની ઘાતક બનેલી બીજી લહેરમાં સૌથી વધુ 20 થી 45 વર્ષના યુવાનો સંક્રમિત બન્યા છે.ત્યારે આ ઘાતક સંક્રમણની લપેટમાં આવીને કેટલાય લોકોએ જીવ ગુમાવી આ ભયાનક મહામારીમાં કાળના ખપ્પરમાં હોમાઈ ગયા છે.

દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભેગા થયેલા મેળાવડા અને બાદમાં લગ્નસરાના લીધે કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું:હોસ્પિટલો હાઉસફુલ ઓક્સિજન તેમજ વેન્ટિલેટર સહીતના બેડ ખૂટ્યા:રેમડીસીવીરના કકળાટે દર્દી સહીત સ્વજનોને રંજાડ્યા

દાહોદ જિલ્લામાં એપ્રિલ માસમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં થયેલા મેળાવડા ત્યારબાદ આદિવાસી સમાજમાં શરૂ થયેલી લગ્નસરામાં કોરોના સંક્રમણે દાહોદ જિલ્લામાં વધુ વિકરાળ રૂપ ધારણ કરતાં પરિસ્થિતિ બદથી બદતર થઇ જવા પામી છે.તેમાંય દાહોદ-ઝાલોદ તેમજ દેવગઢ બારિયામાં તો  કોરોના સંક્રમણે અજગરી ભરડો લીધો છે. ઘરે ઘરે આ મહામારીના ખાટલા બંધાયા છે.ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા મહાનગરોમાંથી વતન આવેલા શ્રમિકો ગિફ્ટમાં કોરોના લઈને આવ્યા હતા. તેમજ કોરોનાના લક્ષણોને હલકામાં લઇ લગ્નસરામાં જોતરાયા અને સુપર સ્પ્રેડર બની પાછળથી કેટલાય લોકોને સંક્રમિત કર્યા હોવાનું નરી વાસ્તવિકતા છે.

ગ્રામ્ય વિસ્તારો તેમજ અર્બન વિસ્તારમાં સ્પ્રેડ થયેલા કોરોનાના લીધે આરોગ્ય વિભાગની ગણતરી ઉંધી વાળી:પરિણામ સ્વરૂપ તમામ હોસ્પિટલો હાઉસફુલ થતાં દર્દીઓ તેમજ તેમના સ્વજનો કતારમાં..

ગ્રામ્ય વિસ્તારો તેમજ અર્બન વિસ્તારોમાં ભયંકર રૂપે સ્પ્રેડ થયેલા કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં સામે આવતા દાહોદના ઝાયડસ, અર્બન, રેલવે હોસ્પિટલ સહિતના સરકારી કોવીડ હોસ્પિટલ હાઉસફુલ થઈ જવા પામ્યા છે.તેમાંય મોટાભાગના દર્દીઓને  ઓક્સિજન લેવલ ઓછું થતાં હોવાની ફરિયાદો સાથે મોટાભાગના દર્દીઓ ક્રિટીકૅલ કન્ડિશનમાં આવી ગયા હતા.સરકારી કોવીડ સેન્ટરોમાં વેન્ટિલેટર, ઓક્સિજન બાઈપેપ જેવા બેડ લિમિટેડ સંખ્યામાં હોવાથી પરિસ્થિતિ વિપરીત બનવા પામી હતી.જેના પરિણામ સ્વરૂપ કોરોના સંક્રમણ અને દાહોદ જિલ્લામાં ભયાનક પરિસ્થતિ ઉભી કરી દીધી છે.

દાહોદના મોટાભાગના ખાનગી હોસ્પિટલના તબીબોએ વિવિધ કારણોસર ક્રિટીકૅલ દર્દીઓની સારવાર ટાળી:ફોર્સફૂલી અપાયેલા કોવીડ હોસ્પિટલમાં સ્ટેબલ દર્દીઓની સારવાર કરવાનો આગ્રહ રાખ્યો 

દાહોદ જિલ્લામાં કોરોનાની ઘાતક નીવડેલી બીજી લહેરે મોટાભાગના દર્દીઓના ફેફસામાં ખુબ જ ગંભીર રીતે નુકશાન પહોચાડ્યું હતું. જેના લીધે મોટા ભાગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓની હાલત ગંભીર બની છે.,ત્યારે ખાનગી હોસ્પિટલમાં માર્યાદિત માત્રામાં વેન્ટિલેટર ઓક્સિજન વાળા બેડ હોવાથી કેટલાક ખાનગી હોસ્પિટલોના તબીબો દર્દીઓની સારવાર કરવા માટે અવઢવમાં મુકાયા છે. આ મહામારીમાં   દર્દીના સ્વજનો દ્વારા, પત્રકારો નેતાઓ તેમજ અધિકારીઓ સહિતના લોકોની ભલામણ મારફતે પોતાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે તબીબો આગળ કાકલૂદી કરી રહ્યા છે. ત્યારે કેટલાક ખાનગી હોસ્પિટલના તબીબોએ વેન્ટિલેટર તેમજ રેમડિસિવીર ઇન્જેક્શનનાના કકળાટ ના લીધે ગંભીર અસરગ્રસ્ત દર્દીઓને ઝાયડસ સહીતના હોસ્પિટલમાં રિફર કરી રહ્યા છે.અને માત્ર સ્ટેબલ દર્દીઓની સારવાર કરવાનો આગ્રહ રાખ્યો હતો. ત્યારે કેટલાક ખાનગી તબીબોને સરકાર દ્વારા ફોર્સફૂલી એપેડેમિક એક્ટ મુજબ કોવીડની મંજૂરી આપતાં આ તબીબો માત્ર સ્ટેબલ દર્દીઓને સારવાર આપી ખાનાપૂર્તિ કરી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.

દાહોદમાં કોરોનાની જીવલેણ બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો કાળના ખપ્પરમાં હોમાયા:મરણના સરકારી આંકડા તેમજ વાસ્તવિકતામાં ખુબ જ મોટી વિસંગતતા

દાહોદ જિલ્લામાં એપ્રિલના મધ્યબાદ ખતરનાક રીતે ફેલાયેલી કોરોનાની બીજી લહેરે મોટા પ્રમાણમાં લોકો કાળના ખપ્પરમાં હોમાઈ ગયા છે. કોરોના ની બીજી લહેરમાં મોટા ભાગના મૃત્યુ પામનાર લોકોમા યુવાન લોકોનો આંકડો વધુ હોવાનું સામે આવ્યું છે.જેના પરિણામ સ્વરૂપ દાહોદના મુક્તિધામમાં સવારના છ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી કોવીડની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાય દિવસમાં દરરોજના સરેરાશ 25 થી વધુ લોકોના દાહોદના મુક્તિધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે તેમાં મોટાભાગના અતિમ સંસ્કારો કોવીડ ગાઇડલાઇન મુજબ જતા મુક્તિધામની દીવાલો પણ અશ્રુ તેમજ સ્વજનોના હૈયાફાટ રૂદનથી ભીંજાઈ ગઈ છે.જયારે સરકારી ચોપડે માત્ર ગણતરીના મૃત્યુઆંક નોંધાઈ રહ્યા છે.તે ખરેખર લોકોની સમજ બહાર થઈ રહ્યું છે. ખેર આ બધી પરિસ્થિતિઓ વચ્ચે છેલ્લા દસ દિવસથી કોરોનાના કેસોનો દૈનિક આંક સદી વટાવી રહ્યો છે. છેલ્લા 11 દિવસમાં દાહોદના સરકારી ચોપડે 985 કેસો નોંધાયા છે. જોકે ખાનગી હોસ્પિટલ તેમજ અન્ય નાના હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ તેમજ કોરોનાના શંકાસ્પદ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તેમાંય દાહોદ, ઝાલોદ, તેમજ દેવગઢ બારિયામાં થી કોરોનાના ડગલાંબંધ કેસો સામે આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલે ખાટલે કોરોના દર્દીઓ જોવા મળી રહ્યા છે. પરિણામ સ્વરૂપ દાહોદ શહેરમાં ઝાયડસ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થતાં હોસ્પિટલ ફૂલ થઇ જતા દર્દીઓ માટે બેડ ખૂટી પડ્યા છે. આજે બપોરે જ ઝાયડસ હોસ્પિટલમાં 108 મારફતે સારવાર લેવા આવતા કોરોના સંક્રમિત દર્દીઓ બેડ મેળવવા માટે રીતસર રઝળપાટ કરતા જોવા મળ્યા હતા. જેના લીધે ઝાયડસ હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સની કતારો લાગી ગઇ હતી. લગભગ એક કલાકનો સમય વિત્યા છતાં પણ એમ્બયુલેન્સમાં આવેલા દર્દીઓને બેડ ના મળતા દર્દીઓની હાલત કફોડી બની હતી.

error: Content is protected !!