Friday, 26/04/2024
Dark Mode

દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારોમાંથી આડેધડ વૃક્ષસંપદાનો કરાતો નાશ:વર્ષોવર્ષ કરવામાં આવતો સરકારનો કરોડોનો ખર્ચ વ્યર્થ.

May 30, 2023
        778
દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારોમાંથી આડેધડ વૃક્ષસંપદાનો કરાતો નાશ:વર્ષોવર્ષ કરવામાં આવતો સરકારનો કરોડોનો ખર્ચ વ્યર્થ.

*દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારોમાંથી આડેધડ વૃક્ષસંપદાનો કરાતો નાશ:વર્ષોવર્ષ કરવામાં આવતો સરકારનો કરોડોનો ખર્ચ વ્યર્થ.

જંગલોનો નાશ થવાના કારણે વરસાદ,ઠંડી,ગરમી ઉપર વિપરિત અસર પડતાં વાતાવરણમાં અચાનક પલટો થાય છે.

  જંગલ ખાતા દ્વારા જંગલ ચોરીની પ્રવૃત્તિ અટકાવી નવા વૃક્ષોનું વાવેતર કરી માવજત થાય તે જરૂરી.

  જંગલ વિસ્તારોમાં સાગ, સાલ,સીસમના વૃક્ષો હવે નહિવત, જંગલ વિસ્તારના વિનાશના પગલે જંગલી પશુઓના પણ દર્શન દુર્લભ!

 જંગલ ખાતાના જવાબદારોની લાપરવાહીથી વૃક્ષોનું નિકંદન કરી મોટાભાગની આપત્તિઓ માણસ હાથે કરીને ઊભી કરી રહ્યો છે.

 

( પ્રતિનિધિ ) સુખસર,તા.30

         દાહોદ જિલ્લામાં સારા એવા પ્રમાણમાં જંગલ વિસ્તાર આવેલો છે. પરંતુ વહીવટી તંત્રની નિષ્કાળજી અને લાકડા ચોર વિરપ્પનોની હોશિયારીથી વર્ષો વર્ષ જંગલના વૃક્ષો નામશેષ થઈ રહ્યા છે.જેના કારણે પૃથ્વીના ફેફસા ગણાતા વૃક્ષ સંપદાનો વિનાશ થતા વાતાવરણમાં ફેલાતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવે વાતાવરણ માટે ખતરા રૂપ બનતો જાય છે.વૃક્ષોના નિકંદનના કારણે તેમજ માનવસર્જિત ઉદ્યોગોથી અંગાર વાયુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.અને વિવિધ ઋતુઓમાં વાતાવરણમાં અચાનક પલટો થાય છે. આમ મોટાભાગની આપત્તિઓ માણસે હાથે કરીને ઉભી કરેલી હોય છે જ્યારે આપત્તિઓનો સામનો કરવાનો સમય આવે છે ત્યારે કુદરતનો દોષ કાઢવામાં આવે છે.!

       જંગલોનો નાશ થવાના કારણે વરસાદ ઘટી રહ્યો હોય વરસાદી પાણી ઉપર નભતા ખેડૂતોના પાકો નિષ્ફળ જઈ રહ્યા છે.અગાઉના વર્ષોમાં જંગલો સારા એવા પ્રમાણમાં હતા જેથી પાણી માટેની કટોકટી પણ નહીંવત્ હતી. જ્યારે જંગલોનો નાશ થવાના કારણે પાણી માટે લોકોને કટોકટીનો સામનો કરવો પડે છે.જો જંગલોનો નાશ થતો અટકે તેમ જ નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તથા તેની માવજત કરવામાં આવે તો પાણી માટે જે ગંભીર અછત સર્જાય છે તે નિવારી શકાય તેમ છે.

        જંગલોની જાળવણી માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.અને આ નાણાં પણ પ્રજાના છે.છતાં જંગલો દિન-પ્રતિદિન નામશેષ થઈ રહ્યા છે.આજે ગુજરાતમાં ઘાટું કહી શકાય તેવો કોઈ જંગલ વિસ્તાર નથી.જંગલોમાંથી વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે,તે લાકડું ક્યાં જાય છે? તેની આજે કોઈને જાણ નથી.જ્યારે વન ખાતાના રખે વાળો ઊંઘતા હોય તેવું જણાય છે.જો વન ખાતું પહેલાથી જ સજાગ રહ્યું હોત તો આજે વૃક્ષો વાવો,વરસાદ લાવો કે પર્યાવરણ બચાવોના સૂત્રો પાછળ કરવામાં આવતો ખર્ચ બચાવી શકાયો હોત! હકીકતમાં જોઈએ તો વન ખાતું જંગલો બચાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ ભોગવે છે.તેની પાછળ જંગલોનો પણ વિકાસ થવો જોઈએ તેમ છતાં જ્યાં ઘટાદાર વૃક્ષો હોવા જોઈએ ત્યાં હાલમાં ઘાસ પણ નથી!આમ જંગલો પાછળ કરવામાં આવતા ખર્ચનો દુરુપયોગ થઈ રહ્યો છે.તેમ છતાં અન્ય ખાતાઓની જેમ વન ખાતું પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું હોય તેમ જણાય છે.

         હાલ જંગલ વિસ્તારો નામશેષ થવાના કારણે જંગલ ખાતાની જમીનમાં આજુબાજુ વસવાટ કરતા લોકો પૈકી કેટલાક લોકો તે જમીનનો ઉપયોગ ખેતીવાડી માટે કરી રહ્યા છે. જો આ બાબતે હજી થોડા વર્ષો બેદરકારી દાખવવામાં આવશે તો જંગલના દર્શન કરવા માટે દૂરના સ્થળે પર્યટન ગોઠવવાનો વારો આવશે તો જ અરણ્યના દર્શન થશે તેમ જણાય છે. વૃક્ષોની ગેરકાયદેસર કાપણી થાય છે તેમાં મોટાભાગના વૃક્ષછેદનમાં જંગલ ખાતાના કર્મચારીઓની રહેમ નજર હેઠળ તે લાકડા સગેવગે કરવામાં આવતા હોય છે.તેથી મોટાભાગના જંગલ ચોર પકડાઈ શકતા નથી.જેઓ પકડાય છે તેઓ કાયદાની ચુંગાલમાંથી દંડ ભરીને કે લાગવક શાહીથી છટકી જતા હોય છે.જેથી વૃક્ષછેદન નિર્ભય રીતે વધી રહ્યું છે.જ્યારે કોઈ ખેડૂત પોતાની માલિકીની જમીનમાંથી એકાદ વૃક્ષ કાપે છે ત્યારે તેની સામે કાયદેસર પગલાં ભરવામાં આવે છે.જ્યારે બહુરંગી જંગલ ચોર મેહફીલે મંડાય તે ક્યાનો ન્યાય?

        અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉના વર્ષોમાં દાહોદ જિલ્લામાં ગાઢ જંગલો હતા જ્યાં હાલ મોટાભાગે બોડા ડુંગરો નજરે પડે છે.જંગલોના નાશ થવાના કારણે જંગલી પશુઓ પણ નામશેષ થઈ રહ્યા છે.આ જંગલોમાં વાઘ,સિંહ,દીપડા વગેરે જંગલી પશુઓ જોવા મળતા હતા.ત્યાં હાલ શિયાળવાના દર્શન પણ દુર્લભ છે.જંગલ વિસ્તારોનો નાશ થતાં રહ્યા સહ્યા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં દીપડા જેવા જંગલી પશુ છે. જે પશુઓ ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ ઘસી આવે છે.અને પશુઓ તથા લોકો ઉપર હુમલા તથા મારણ કરતા હોવાના કિસ્સા પણ બહાર આવી રહ્યા છે.

       મોટાભાગના જંગલ વિસ્તારોમાં સાગ,સાલ,સીસમ જેવા વૃક્ષોના દર્શન દુર્લભ છે.જ્યારે અમુક જગ્યાએ રહ્યા સહ્યા આ વૃક્ષો છે તે પણ નામશેષ થવાની અણી ઉપર છે.હાલ મોટાભાગના જંગલ વિસ્તારોમાં આવા ઈમારતી લાકડા બચાવવા ઉપર ધ્યાન આપવામાં આવતું નથી.જ્યારે ગાંડા બાવળ,ખાખરા,કોડા જેવા વૃક્ષો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.અને આ વૃક્ષો બળતણ સિવાય અન્ય કોઈ ઉપયોગમાં પણ આવતા નથી.પરંતુ જંગલ ખાતા દ્વારા વર્ષો વર્ષ કરોડો રૂપિયાનો ખર્ચ કરી નવા વૃક્ષોની વાવણી કરવામાં આવે છે.તે વૃક્ષોની વાવણી બાદ તેની માવજત કરવામાં આવતી ન હોય આ રોપાઓ નાશ પામે છે.અને બીજા વર્ષે ફરીથી આજ જગ્યા ઉપર નવેસરથી ખર્ચ કરી વૃક્ષોની વાવણી કરવામાં આવે છે.આમ વારંવાર ખર્ચ કરવા છતાં પણ વૃક્ષોની વૃદ્ધિ થઈ શકતી નથી કે જૂના વૃક્ષોની જંગલ ખાતા દ્વારા સાચવણી પણ કરી શકાતી નથી.ત્યારે જંગલ ખાતા માટે કરવામાં આવતા ખર્ચનો શો અર્થ? હજી થોડા વર્ષો સરકાર તથા જંગલ ખાતાના જવાબદારો દ્વારા જંગલ વિસ્તાર પ્રત્યે બેદરકારી દાખવવામાં આવશે તો જંગલ ખાતાનું વિસર્જન કરવામાં આવશે તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.ત્યારે હજી પણ સમય છે જંગલ ખાતા દ્વારા નવીન વૃક્ષોનું વાવેતર કરી તેની માવજત કરવામાં આવે,થઈ રહેલા વૃક્ષછેદને અટકાવવામાં આવે તેમજ લાકડા ચોર લોકોની સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તો નામશેષ થતા જંગલોને બચાવી જંગલ ખાતામાં પણ ફરજ નિષ્ઠ અધિકારીઓ અને જંગલ વિસ્તારો પ્રત્યે સરકાર પણ સજાગ છે નો દાખલો બેસાડી શકાય તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!