યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા વરદાન હોસ્પિટલમાં ચાલુ સારવારે 26 વર્ષીય સગર્ભા મહિલાનું મોત:
ડોક્ટર હિતેશ પટેલ હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને મૂકીને સ્ટાફ સાથે ફરાર થયા, અન્ય તબીબે દર્દીઓની સારવાર કરી
મૃતક મહિલાના પતિએ ફતેપુરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
ફતેપુરા તા.૨૬
ફતેપુરામાં આવેલ ડોક્ટર હિતેશ પટેલની વરદાન હોસ્પિટલ કાયમ કંઈક ને કંઈક વિવાદોમાં ઘેરાયેલી જ રહે છે. આ હોસ્પિટલમાં બે ત્રણ મહિનાના સમયગાળામાં ચાલુ સારવાર દરમિયાન મહિલાઓના મોત નિપજતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તાજેતરમાં ત્રણેક મહિના પહેલા જ ફતેપુરા તાલુકાના એક ગામની મહિલાનું આ જ હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજવાની ઘટનાની શાહી તો હજી સુકાઈ નથી ત્યાં ફરી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.જેના પગલે તબિબની સારવાર કરવાની પદ્ધતિ સામે આક્ષેપ થઈ રહ્યા છે.
ફતેપુરા તાલુકાના વાંગડ ગામના 28 વર્ષીય યુવક અશ્વિન નારસિંગ પારગી નું આજથી દોઢેક વર્ષ પહેલા ફતેપુરા તાલુકાના નિંદકા પૂર્વ ગામે ચાંદલી ફળિયામાં રહેતી મીનાક્ષી સાથે લગ્ન થયા હતા. લગ્નજીવનના ફળ સ્વરૂપે આ મહિલા સગર્ભા બની હતી અને તેની સારવાર ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ ડોક્ટર હિતેશ પટેલના વરદાન હોસ્પિટલમાં ચાલતી હતી અને હાલમાં આ મહિલાને પાંચ માસનો ગર્ભ હતો.ત્યારે તારીખ 25 એપ્રિલ 2024 અને ગુરૂવારના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે ફતેપુરા તાલુકાના વાંગડ ગામની આ 26 વર્ષીય આ મહિલા મીનાક્ષીને ગુપ્ત ભાગે લોહીનો પ્રવાહ ચાલુ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ફતેપુરા ખાતે આવેલ ડોક્ટર હિતેશ પટેલની વરદાન હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને તેની સારવાર ચાલુ હતી તે દરમિયાન રાત્રે આશરે આઠેક વાગ્યા સુધી તે કમ્પલેટ બોલતી ચાલતી હતી અને ત્યારબાદ આશરે રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં હોસ્પિટલના તબીબે આ મહિલાના પતિને બોલાવીને જણાવ્યું હતું કે તમારી પત્નીને વધુ સારવાર માટે બીજા હોસ્પિટલ ખાતે લઈ જવા ની જરૂર છે તેમ કહીને દર્દીને પોતાના હોસ્પિટલમાંથી અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવા માટે દર્દીના પતિને ગાડીની વ્યવસ્થા કરી આપી હતી.તે વખતે આ મહિલાને ગાડીમાં બેસાડવા માટે લઈ જવા મહિલાને ઉઠાડતા આ મહિલા બોલતી અને ચાલતી ન હતી અને શ્વાસ પણ લેતી ન હતી જેથી આ મહિલાના પતિને શક જતા આ બાબતે ડોક્ટરને જાણ કરી ત્યારે તે સમયે તબીબ ને મહિલા દર્દીનું મોત થયું હોવાનું મહિલાના પતિને જાણ થઈ ગઈ હોવાનું માલુમ પડતાં તરત જ તબીબ હોસ્પિટલ અને હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેઢાં મૂકીને ફરાર થઈ ગયા હોવાના મૃતક મહિલાના પરિવારજનોના આક્ષેપ થઈ રહ્યા છે. જોકે આ મામલે મૃતક મહિલાના પતિએ રાત્રે 10:30 વાગ્યે ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને પોતાની પત્નીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે લેખિત ફરિયાદ નોંધાવી છે. જે બાદ ઘટનાની ગંભીરતા સમજીને ફતેપુરા પોલીસ મથકના પીએસઆઇ જે.બી. તડવી એ તાત્કાલિક પગલાં લઈને ફતેપુરા પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખીને તેમજ ફતેપુરા મામલતદાર ની ટીમને સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને લાશનું પંચનામું કરીને લાશને ફોરેન્સિક સાયન્સ પોસ્ટમોર્ટમ માટે આગળ મોકલવાની તજવીજ હાથ ધરી છે તેમજ આ ફરાર ડોક્ટરને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે હાલમાં તો ફતેપુરા પોલીસે આ સમગ્ર બાબતે અકસ્માત મોતના કાગળિયા કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તબીબ અને નર્સિંગ સ્ટાફ જતા રહેતા અન્ય તબીબે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર કરી.
અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે ફતેપુરાના આ ડોક્ટર હિતેશ પટેલ દવાખાનામાં અન્ય દાખલ દર્દીઓને મુકીને સ્ટાફ સાથે જતાં રહેતા ફતેપુરાના માવતર હોસ્પિટલના તબીબ ડોક્ટર ગૌરવ બરજોડે વરદાન હોસ્પિટલ ખાતે આવીને દાખલ દર્દીઓની તપાસ કરી હતી.અને દર્દીઓને પોતાનો સંપર્ક નંબર આપીને રાત્રે કોઈ પણ સમયે તબીબ ની જરૂર જણાય તો પોતાને ફોન કરીને જાણ કરવા માટે જણાવ્યું હતું.રાત્રિના સમયે આ દવાખાનામાં 2 દર્દીઓ દાખલ હતા જેમાંથી એક દર્દી સારવાર પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવી પોતાની મરજીથી ચાલ્યું ગયું હતું જ્યારે અન્ય એક દર્દી સિઝેરિયન ઓપરેશન કરેલ હોવાથી દવાખાના ખાતે જ રહ્યું હતું.