દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં બે દિવસનું બાળક મૃત્યુ પામતા માતા -પિતાએ હોસ્પિટલમાં દેહદાન કર્યું…

Editor Dahod Live
3 Min Read

દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં બે દિવસનું બાળક મૃત્યુ પામતા માતા -પિતાએ હોસ્પિટલમાં દેહદાન કર્યું…

બાળકનું બે દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં બીમારીના સંશોધન હેતુ માતા-પિતાએ દેહદાન કર્યું  

દાહોદ તા.૨૯

અંગ દાન એજ મહા દાનની પંક્તિને સાર્થક કરતી પંક્તિ દાહોદમાં જાેવા મળી છે. દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં આજરોજ એક નવજાત મૃત બાળકના સ્વજન દ્વારા મૃત બાળકના શરીરને ઝાયડસ હોસ્પિટલને દાન કરવામાં આવ્યું હતું. જાણવા મળ્યાં અનુસાર, મહિલાને બે દિવસ અગાઉ એક બાળકને જન્મ આપ્યો હતો અને બે દિવસ બાદ બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું ત્યારે અંગ દાનથી સમજણ અને અંગ દાનથી પ્રેરણા મળતાં બાળકના સ્વજન દ્વારા પોતાના મૃત બાળકને ઝાયડસ હોસ્પિટલને સોંપવામાં આવ્યું હતું.

દાહોદ તાલુકાના વરોડ ગામના વતની સુનિલકુમાર રામજીભાઈ ડામોર તેઓ એસ.ટી. વિભાગ દેવગઢ બારીઆ બસ ડેપોમાં બસ કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. સુનિલભાઈની પત્નિ સોનલબેનને બે દિવસ અગાઉ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં પ્રસુતિ થઈ હતી અને ઓપરેશનથી તેમને એક બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ સમયે તેની સ્થિતી નાજુક જણાતાં બાળકને ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અપાતી હતી ત્યારે ગતરોજ બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું ત્યારે અંગ દાનથી પ્રેરણા મળતાં પિતા દ્વારા પોતાના બાળકને ઝાયડસ હોસ્પિટલને બાળકના મૃત શરીરને દાનમાં આપી દીધુ હતું. ઝાયડસ હોસ્પિટલ આ બાળકના મૃત શરીરને મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે તેમ પણ જાણવા મળી રહ્યું છે અને આ બાળકના મૃતદેહને ઝાયડસના મેડીકલ કોલેજ ખાતે મોકલી આપ્યાં છે. બાળકના પિતાના જણાવ્યાં અનુસાર, અમો પોતાના મૃત બાળકને આમેય દફન કરી દઈશું પરંતુ વિજ્ઞાન માટે ઉપયોગ બને તે માટે અંગદાન અને દેહદાનનું મહત્વ સમજી પોતે પોતાના મૃત બાળકને ઝાયડસ હોસ્પિટલને આપવાનું નક્કી કર્યું હતું. બાળકને સારવાર દરમ્યાન બાળકને શ્વાસો શ્વાસમાં તકલીફ હતી. આ બનાવનો બાળકના સ્વજનનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે, ભવિષ્યમાં આવા કોઈ બાળકને તકલીફ થાય અને તેનાથી પ્રેરાઈ પોતાના બાળકને આ રીતે દેહદાન કરે તેવી પોતાની મહેચ્છા વ્યક્ત કરી હતી વધુમાં જાણવા મળ્યા અનુસાર, આ દંપતિને સંતાનમાં એક બાળક છે અને બીજુ બાળક હતું ત્યારે પોતાના નવજાત બાળક મોતને ભેટતાં તેઓએ દુઃખ પણ વ્યક્ત કર્યું હતું પરંતુ દેહદાનનું મહત્વ સમજી તેઓએ આ દેહદાનનું કાર્ય કરતાં ઝાયડસ હોસ્પિટલના સત્તાધીશોએ તેમની આ કામગીરી વધારી પણ લીધી હતી અને આશ્વાસન પણ આપ્યું હતું.

—————–

Share This Article