રાહુલ ગારી :- ગરબાડા
*ગાંગરડી ખાતે જનકલ્યાણ શિબિરમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયત સભ્યશ્રીએ પોર્ટેબલ એક્સ-રે યુનિટની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી તેમજ PM-JAY કાર્ડનું વિતરણ કર્યું**
ગરબાડા, દાહોદ તા. ૧૮
આજ રોજ ગરબાડા તાલુકાના ગાંગરડી ગામની જે.કે.એમ.તન્ના માધ્યમિક શાળામાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત ગરબાડાના પ્રમુખશ્રી નીલાબેન શૈલેષભાઈ દેહદા તથા જિલ્લા પંચાયત સભ્યશ્રીએ પોર્ટેબલ એક્સ-રે યુનિટની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. ઉપરાંત લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત આયુષ્માન કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ અને આરોગ્ય ટીમ દ્વારા મહાનુભાવોને પોર્ટેબલ એક્સ-રે યુનિટની કાર્યપદ્ધતિ, ટીબી રોગના સ્ક્રીનિંગની પ્રક્રિયા તેમજ સ્થળ પર જ એક્સ-રે સેવાઓ કેવી રીતે પૂરી પાડવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહાનુભાવોએ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી અને અંતરિયાળ વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના પ્રયાસોને બિરદાવ્યા હતા.
મહાનુભાવોએ ઉપસ્થિત નાગરિકોને ટીબી સહિત અન્ય શ્વસન સંબંધિત રોગોના વહેલા નિદાન માટે સમયસર તપાસ કરાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારી આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લઈ લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત બને તેમજ ગંભીર રોગોને પ્રારંભિક તબક્કે જ ઓળખી સમયસર સારવાર મેળવી શકે. સાથે જ તેમણે વધુમાં વધુ પાત્ર લાભાર્થીઓને PM-JAY યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
જનકલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ આરોગ્ય તેમજ કલ્યાણકારી યોજનાઓનો લાભ લીધો હતો. શિબિર દરમિયાન કુલ 88 દર્દીઓની OPD સેવા આપવામાં આવી હતી. ઉપરાંત 53 લાભાર્થીઓના બ્લડ પ્રેશર ચેકઅપ, 53 લાભાર્થીઓનું RBS પરીક્ષણ તથા 48 લાભાર્થીઓના પોર્ટેબલ એક્સ-રે કરવામાં આવ્યા હતા.
સરકારી યોજનાઓના લાભરૂપે 21 PM-JAY (આયુષ્માન) કાર્ડ, 09 નમો શ્રી યોજના હેઠળના લાભો તથા 12 વય વંદના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થળ પર જ સ્ક્રીનિંગ, તપાસ અને યોજનાકીય સેવાઓ ઉપલબ્ધ થતાં લોકોને ઝડપી, સરળ અને ગુણવત્તાસભર સેવા પ્રાપ્ત થઈ હતી.
આ કામગીરી દ્વારા ટીબીના વહેલા નિદાન, સમયસર સારવાર અને રોગ અંગે જનજાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે, જે *”ટીબી મુક્ત ભારત”**ના લક્ષ્યને સિદ્ધ કરવામાં સહાયક બની રહ્યું છે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ,જિલ્લા પંચાયત સભ્યશ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
