કલ્પેશ શાહ :- સીંગવડ
*સિંગવડ મણિનગરમાં ગંદા પાણીનો ત્રાસ: જૈન મંદિર-આંગણવાડી સામે ગંદકી, અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ*
સિંગવડ તા. ૧૭
સિંગવડ ગામના મણિનગર અને અંબે માતાના મંદિર વિસ્તારમાં અમુક અસામાજિક તત્વો દ્વારા ગંદા પાણીનો ત્રાસ ફેલાવવામાં આવી રહ્યો છે. આ ઈસમો પોતાના ઘરનું ગંદુ પાણી રોડ પર છોડીને આખા ફળિયામાં ગંદકી પેદા કરી રહ્યા છે.
ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ શ્રી દ્વારા આ બાબતે ત્રણ-ત્રણ વખત લેખિત નોટિસ આપવામાં આવી છે. રૂબરૂ મૌખિક સમજાવટ પણ કરવામાં આવી, છતાં આ ઈસમો માન્યા નહીં. ઊલટાનું તલાટી અને સરપંચને ખોટી ધમકી આપવામાં આવી.
છેવટે ન છૂટકે તલાટી, સરપંચ અને ગ્રામ પંચાયતની બોડી દ્વારા રણધીપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે રણધીપુર પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તેની કાકડોળે રાહ જોવાઈ રહી છે. સિંગવડ ગ્રામ પંચાયત અને મણિનગરના લોકોને પોલીસ પર વિશ્વાસ છે કે આનો ફટાફટ નિકાલ આવશે.
*સ્વચ્છતાને નુકસાન*: જ્યાં ગંદુ પાણી જાય છે તે જગ્યા પર જૈન મંદિર આવેલું છે. અવારનવાર જૈન મુનિ પધારે છે, પરંતુ ગંદા પાણીના કારણે તેઓ ચાલી શકતા નથી અને તેમને ભારે તકલીફ પડે છે. આ જ રસ્તા પર આંગણવાડી છે, જ્યાં નાના બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. સાથે સરકારી સબ પોસ્ટ ઓફિસ પણ આવેલી છે, જ્યાં સરકારી અધિકારીઓ અને લોકોને પણ આ જ ગંદકીમાંથી નીકળવું પડે છે.
સ્થાનિકોનો ભય છે કે આ ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. જ્યારે કેન્દ્ર અને ગુજરાત સરકાર “સ્વચ્છ ભારત અભિયાન”ની વાત કરી રહી છે, ત્યારે સિંગવડ નગરમાં આ ઘણા સમયથી ગંદા પાણીનો પ્રશ્ન યથાવત છે.
મણિનગરના લોકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને સ્વચ્છતાના અભિયાનને સાર્થક કરવામાં આવે.
