સુખસર તાલુકાના ખેડૂતોના સંતરામપુર તાલુકાના બે ભેજાબાજો દ્વારા ટ્રેક્ટરો ભાડા કરારથી લઈ છેતરપિંડી વિશ્વાસઘાત કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો*

Editor Dahod Live
5 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*સુખસર તાલુકાના ખેડૂતોના સંતરામપુર તાલુકાના બે ભેજાબાજો દ્વારા ટ્રેક્ટરો ભાડા કરારથી લઈ છેતરપિંડી વિશ્વાસઘાત કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો*

*સંતરામપુર તાલુકાના બે ભેજા બાજો દ્વારા સુખસર આસપાસના 25 જેટલા જ્યારે સંજેલી તથા સંતરામપુર તાલુકાના મળી કુલ 150 ઉપરાંત ટ્રેક્ટરોના ભાડા નહીં ચૂકવી ટ્રેક્ટરો ગુમ કર્યા હોવાની કેફિયત*

*સંતરામપુર ગોઠીબ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન દ્વારા એક ભેજાબાજને પકડ્યો પરંતુ સામાન્ય પૂછપરછ કરી છોડી મૂકવામાં આવ્યો હોવાનું જણાવતા અરજદારો!*

 સુખસર,તા.17

  “લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે” તે ઉક્તિને સાર્થક ઠેરવતો કિસ્સો સુખસર,સંજેલી તથા સંતરામપુર તાલુકાના ખેડૂતો સાથે બનવા પામ્યો છે.તેમાં સંતરામપુર તાલુકાના બે ભેજાબાજો દ્વારા ભાડા કરારથી ટ્રેક્ટરો લઈ ભાડું નહીં ચૂકવી મહિનાઓથી ટ્રેક્ટરો ક્યાંક ગુમ કરતા છેતરપિંડી વિશ્વાસઘાતનો ભોગ બનેલા ખેડૂતોએ સુખસર,સંતરામપુર તથા સંજેલી પોલીસ સ્ટેશનોમાં લેખિત ફરિયાદો આપી ટ્રેક્ટરનું ભાડું તથા પોતાના ટ્રેકટરો પરત મળે તે બાબતે જાણ કરી હોવાનું જાણવા મળે છે.

        જાણવા મળેલી વિગતો મુજબ સંતરામપુર તાલુકાના બે ભેજાવાજો ગત પાંચેક માસ અગાઉ સુખસર તાલુકાના ખેડૂતો પાસે જઈ જણાવતા હતા કે,અમો કોન્ટ્રાક્ટરનું કામ કરીએ છીએ.અને અમારે ટ્રેક્ટરોની જરૂરત છે.અને અમારે ભાડે ટ્રેક્ટર જોઈએ છે.તેમ જણાવી માસિક રૂપિયા 20,000 ના ભાડા કરારથી અનેક ખેડૂત લોકોને વિશ્વાસમાં લઈ ટ્રેક્ટરો ભાડા કરારથી લઈ ગયેલ.તેમજ ટ્રેક્ટર સાથે ટોલી ભાડે આપે તો તેનું પાંચ હજાર રૂપિયા વધુ ભાડું આપવા જણાવેલ.અને આ ભાડું દર માસે આપવાનું જણાવેલ. જેમાં સુખસર તાલુકાના આશરે 25 જેટલા જ્યારે સંજેલી સંતરામપુર તાલુકાના તેમજ અન્ય તાલુકાઓમાંથી મળી કુલ દોઢસો ઉપરાંત ટ્રેક્ટરો સંતરામપુર તાલુકાના આ બે ભેજાબાજો ટ્રેક્ટરો લઈ ગયેલા.ત્યારબાદ ટ્રેક્ટર માલિકોને ભાડાની ચુકવણી કરેલ નહીં.જ્યારે જે-તે ટ્રેક્ટર માલિકો પોતાનું ટ્રેક્ટર ક્યાં છે નું પૂછતા હાલ ટ્રેક્ટર બહાર છે અને એકાદ બે દિવસમાં આવી જશે તેવા આશ્વાસનો આપી ટ્રેક્ટરો બાબતે તેઓ યોગ્ય જવાબ પણ આપતા ન હોય ટ્રેક્ટર માલિકોને શક જતાં અને આ ભેજાબાજોની તપાસ કરતા તેઓ રૂબરૂ મળી આવતા ન હતા.જ્યારે કોઈ ટ્રેક્ટર માલિક તેઓના ઘરે જાય તો આ ભેજાબાજો ટ્રેક્ટર માલિકોને મોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપતા રહેતા હતા. જેથી ટ્રેક્ટર માલિકોને આ ભેજાબાજોની ચાલની જાણ થતા સંતરામપુર,સંજેલી તથા સુખસર પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર માલિકોએ લેખિત ફરિયાદો આપી હતી.જોકે કેટલાક ખેડૂતોએ શોરૂમમાંથી નવા ટ્રેક્ટરો ઉતારી બારોબાર આ ભેજા બાજો ને હવાલે કરેલ હોવાનું જાણવા મળે છે. 

      ત્યારબાદ આ બે ભેજાબાજો પૈકી એકને સંતરામપુર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.જેને ગોઠીબ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો.અને જેની જાણ સુખસરના ટ્રેક્ટર માલિકોને થતા સુખસર થી ટ્રેક્ટર માલિકો સહિત સુખસર પોલીસ ગોઠીબ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ગયેલ.પરંતુ ગોઠીબ પોલીસ સ્ટેશન ખાતેના જવાબદારો દ્વારા જણાવેલ કે,અમારે તપાસ કરવાની છે અને અમો તપાસ કરીએ ત્યારબાદ અન્ય પોલીસ સ્ટેશનને સોંપીશું તેવું આશ્વાસન આપેલ.ત્યારબાદ બીજા દિવસે સુખસર બાજુના ટ્રેક્ટર માલિકો ગોઠીબ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં જતા જાણવા મળેલ કે, અમો આરોપીને વધુ સમય રાખી શકીએ નહીં માટે અમોએ મુખ્ય આરોપીની શોધખોળ અને બાતમી માટે તેને છોડી મૂક્યો છે,નો જવાબ આપેલ હોવાનો ટ્રેક્ટર માલિકો આક્ષેપ કરી રહ્યા છે.ત્યારે જો આરોપી ઝડપાય અને તેના સહ આરોપીની બાતમી માટે છોડી મૂકવામાં આવે ત્યારે આરોપીને પકડવાની ક્ષમતા પોલીસમાં છે કે નહીં?તે એક સવાલ છે. અને એ પણ સવાલ છે કે સેકડો ખેડૂતોને સીસામાં ઉતારી છેતરપિંડી વિશ્વાસઘાત કરનાર આરોપી પોલીસ હિરાસતમાં આવે અને તેને છોડી મૂકવામાં આવે ત્યારબાદ તે આરોપી તેના સહ આરોપીને લઈ પોલીસ સ્ટેશનમાં હાજર થાય તે માની શકાય તેવી બાબત નથી.જો કે થતી ચર્ચા મુજબ આ બે ભેજાબાજો એ 400 ઉપરાંત ખેડૂતોને શીશામાં ઉતારી ટ્રેક્ટરો લઈ જય ભાડું નહીં ચૂકવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવાનું જાણવા મળે છે.ત્યારે તેની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તો કરોડો રૂપિયાનું ટ્રેક્ટર કૌભાંડ પ્રકાશમાં આવી શકે તેમ છે.

        હાલ તો સુખસર,સંતરામપુર તથા સંજેલી તાલુકાના છેતરપિંડીનો ભોગ બનેલા ટ્રેક્ટર માલિકો પોલીસ શું કાર્યવાહી કરે છે તેના ઉપર મીટ માંડીને બેઠા છે.પરંતુ ઝડપાયેલા આરોપીને છોડી મૂકી સંતોષ માનતા પોલીસ કર્મચારીઓ આવનાર દિવસોમાં આ બે ભેજાબાજો સહિત તેમાં સંડોયેલા જે પણ ઈસમો હોય તેઓની સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.જોકે ખેડૂતોને છેતરપિંડીનો શિકાર બનાવેલ બે ભેજાબાજ સંતરામપુર તાલુકાના છે.પરંતુ જો નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો તેમાં ખેડૂતોને છેતરપિંડીનો શિકાર બનાવનાર મોટી ટોળકી ઝડપાઈ શકે તેમ જણાઈ રહ્યું છે.

Share This Article