Friday, 22/11/2024
Dark Mode

ફતેપુરામાં ડીજે વગાડવા બાબતે પોલીસને હપ્તો આપવા બાબતે તાલુકા ભાજપ પ્રમુખ, પોલીસનો વહીવટદાર, અને તાલુકા સભ્ય વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો થયો વાયરલ.

ફતેપુરામાં ડીજે વગાડવા બાબતે પોલીસને હપ્તો આપવા બાબતે તાલુકા ભાજપ પ્રમુખ, પોલીસનો વહીવટદાર, અને તાલુકા સભ્ય વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો થયો વાયરલ.

જીગ્નેશ બારીયા :- દાહોદ/બાબુ સોલંકી :- સુખસર...

  • ફતેપુરામાં ડીજે વગાડવા બાબતે પોલીસને હપ્તો આપવાનો ઓડિયો થયો વાઈરલ.
  • તાલુકા ભાજપ પ્રમુખ, પોલીસનો વહીવટદાર, અને તાલુકા સભ્ય વચ્ચે થયેલી વાતચીત થઈ વાયરલ.
  • ડીજે વગાડવું હોય તો ૧૫ હજાર રૂપિયા આપવાની વાત નક્કી થઈ?
  • કોરોના સંક્રમણ અટકાવવા જિલ્લા કલેક્ટરે ડીજે પર પ્રતિબંધ કર્યો હતો.

દાહોદ/સુખસર.૨૦

ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા બાબતે દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.જ્યારે ફતેપુરામાં ડીજે વગાડવા ૧૫ હજાર રૂપિયા પોલીસને આપવા પડે તેવો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

  ફતેપુરા તાલુકાના દાહોદ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણનો વધારો નોંધાઈ રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર સંક્રમણને અંકુશમાં લેવા માટે ધમપછાડા કરે છે. હાલમાં મહામારી ચાલી રહી છે જેમાં ડીજેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોવાથી જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેમાં ફતેપુરામાં લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા માટે પોલીસને ૧૫ હજારનો હપ્તો આપવાનો છે.તેવો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ફતેપુરા તાલુકા ભાજપ પાર્ટી પ્રમુખ, પોલીસ મથકનો વહીવટદાર કપિલ, ફતેપુરા તાલુકા સભ્ય વચ્ચે ડીજે વગાડવા માટે હપ્તો આપવાની પરમિશન લીધી છે. અને પોલીસ દ્વારા છૂટ આપવામાં આવી છે કોઈ કેસ કરવામાં નહિ આવે જે લોકો કોઈ હપ્તો નથી આપ્યો તેઓ સામે પોલીસ કાર્યવાહી કરશે જે બાબતની વાતચીતનો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.જેને લઇને ખળભળાટ મચી જવા પામ્યો છે.

ફતેપુરા પોલીસ મથકનો વહીવટદાર કપિલ હપ્તાખોરી કરી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યો છે :- રામાભાઇ કોદરભાઈ પારગી (તાલુકા ભાજપ પ્રમુખ ફતેપુરા)

ફતેપુરા પોલીસ મથકનો વહીવટદાર કપિલ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યો છે ડીજે વગાડવા માટે પંદર હજાર રૂપિયા નક્કી કરી અને પરમીશન આપે છે. કલેકટર દ્વારા પ્રતિબંધ કરાયો છે.તો આ વહીવટદારને સત્તા કોણે આપી? બધા માટે નિયમો સરખા હોવા જોઇએ. પોલીસ વહીવટદાર પ્રજાને લુંટી રહ્યો છે. તેની સામે તપાસ થવી જોઇએ.

પોલીસને બદનામ કરવાનું કાવતરું છે.:- સી.બી બરંડા (પીએસઆઇ ફતેપુરા)

 ડીજે વગાડવાનું પ્રતિબંધ કરાયેલો છે. પોલીસ દ્વારા કોઈ હપ્તા વિશે વાત થઇ નથી.પોલીસને બદનામ કરવા માટેનુ કાવતરુ છે. જે બાબતની તપાસ ચાલુ છે.

ફતેપુરા પોલિસ મથકનો તમામ વ્યવહાર કપિલ ચલાવતો હોવાનું જણાવતા સ્થાનિકો

ફતેપુરામાં તાલુકા ભાજપ પ્રમુખ, પોલીસનો વહીવટદાર, અને તાલુકા સભ્ય વચ્ચે થયેલી વાતચીત સોશિયલ મીડિયા સહિત અધિકારીઓને વહાર્ટસપ ગ્રુપમાં  વાયરલ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે ખરેખર આ આક્ષેપોમાં વાસ્તવિકતા કેટલી? ભલે આ પ્રકરણથી  ફતેપુરા પીએસઆઇએ કિનારો કરી લીધો છે. અને આ સમગ્ર મામલો પોલીસ ને બદનામ કરવાનું કાવતરું જણાવી રહ્યા છે પરંતુ કેટલાક સ્થાનિકોના જણાવ્યા અનુસાર એક સમયે કેરોસીનનો વેપાર કરતો કપિલે છેલ્લા કેટલાક વર્ષોથી ફતેપુરા પોલિસ મથકમાં પોતાનો વર્ચસ્વ જાળવી પોતાનું અધિપત્ય જમાવી દીધો છે. જે આજદિન સુધી બરકરાર છે. ફતેપુરા પોલિસ મથકમાં અરજી, ફરિયાદ, સમન્સ અથવા અરજદાર કે તોહમતદાર પોલીસ મથકે આવે તે બાબત અંગે પોલિસ કર્મીઓ તેમજ જેતે સમયના પીએસઆઈ પણ પહેલા કપિલ ને મળવાનો આગ્રહ રાખે છે. એક પોલિસ અધિકારીની જેમ સવારથી સાંજ સુધી પોલિસ મથકમાં અડિંગો જમાવી બેસી પોલિસ અથવા પીએસઆઇ હોય કે ન હોય પરંતુ પોલિસની મહત્વની ફાઈલો તેમજ કેસોમાં તે બેરોકટોક ચંચુપાત કરે છે. તેમજ એકાદ પોલિસ કર્મીએ નામ ન આપવાની શરતે જણાવ્યા અનુસાર ઉપરોક્ત કપિલ બારોબાર વહીવટ કરે છે.તેને રોકવાવાળો કે ટોકવાવાળો કોઈ નથી તેમજ આ વ્યક્તિનું થોડાક સમય પહેલા પોલિસ અધિકારી જોડે વાંકુ પડતા અધિકારીએ જુગારની રેડમાં પકડી કેસ પણ નોંધ્યો હતો.ખેર જે પણ હોય જો આ તમામ બાબતોમાં સત્યતા હોય તો પોલિસ મથકમાં બહારનો બીન અધિકૃત વ્યક્તિ કેવી રીતે બિન્દાસ્ત પણે આવી બેરોકટોક પોતાની મનમાની કરે છે. અને જો બહારનો બિન અધિકૃત વ્યક્તિ બિન્દાસ રીતે પોલીસ મથકમાં અવરજવર કરી પોતાની મનમાની ચલાવતો હોય તો ખરેખર ગંભીર બાબત છે .  અત્રે ઉલ્લેખનીય છે કે પોલિસ મથકમાં કેટલાક સંવેદનશીલ તેમજ મહત્વના કેસોના દસ્તાવેજો હોય છે. અને કેટલાક સંવેદનશીલ ગુનાઓમાં  તપાસ ચાલતી હોય છે. તો તે તપાસોમાં ગોપનીયતા કેવી રીતે રહી શકે? આ બધું પોલીસના ઉપલા અધિકારીઓના જાણમાં છે ખરૂં કે નહિ?જે ખરેખર તપાસનો વિષય બની જવા પામેલ છે.ત્યારે પોલીસ તંત્રમાં ઉચ્ચ કક્ષાએથી તટષ્ઠ તેમજ નિષ્પક્ષ તપાસ આદરી આ મામલે ઘટતું કરી પોલીસ મથકને વહીવટદારના વહીવટમાંથી મુક્ત કરવો તે જનહિતમાં છે.

error: Content is protected !!