Monday, 20/09/2021
Dark Mode

પોલીસની નાઈટ પેટ્રોલીંગ વચ્ચે દેવગઢ બારીયા નગરને સતત બે દિવસથી ધમરોળતા તસ્કરો,લાખોની માલમત્તા પર હાથફેરો કરી થયા છુમંતર :સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ છતાંય પોલીસ પકડથી દુર

પોલીસની નાઈટ પેટ્રોલીંગ વચ્ચે દેવગઢ બારીયા નગરને સતત બે દિવસથી ધમરોળતા તસ્કરો,લાખોની માલમત્તા પર હાથફેરો કરી થયા છુમંતર :સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ છતાંય પોલીસ પકડથી દુર

જીગ્નેશ બારીઆ, રાજેન્દ્ર શર્મા @ દાહોદ 

દેવગઢબારીયા નગરમાં પોલીસની નાઈટ પટ્રોલિંગ વચ્ચે બે દિવસમાં એક પછી એક ચોરીની ઘટનાંને અંજામ આપી તસ્કરોએ હાહાકાર મચાવ્યો, આજે  તસ્કરોએ  વધુ એક મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના પર હાથફેરો કરતા પંથકમાં ભયની સાથે ફફડાટ ફેલાયો,સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ છતાંય તસ્કરો પોલીસ પકડથી દુર, અનેક શંકા કુશંકાઓની વચ્ચે પોલીસની નબળી કામગીરી પ્રત્યે લોકોમાં ભારે રોષ,ડોગ સ્ક્વોડ પણ વામણું પુરવાર, ઉપરા છાપરી ચોરીના બનાવોથી પોલીસ વિમાસણમાં મુકાઈ, ગંભીર ગુનાઓ ગણતરીના દિવસોમાં ઉકેલતી પોલીસ તસ્કરોને ઝડપવા બાબતે  પ્રત્યે ઉદાસીન કેમ? ઈચ્છા શક્તિ કે બીજું કઈ?  

દાહોદ તા.15

દેવગઢબારિયા નગરમાં વધુ એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા બે લાખ ૭૬ હજાર ૫૦૦ ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી જતા સમગ્ર પંથકમાં  ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે ઉપરોક્ત બનાવ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દેવગઢ બારીઆ નગરમાં ધાનપુર રોડ ઉપરથી એક ઈકો ગાડીની ચોરી તેમજ પાંચ જેટલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દામાલ પર હાથફેરો કરી તરખાટ મચાવ્યો હતો જોકે બનાવ સબંધે પોલીસ તપાસનો દોર શરુ કરે એ પહેલા બીજા દિવસે પણ પોલીસ ની નાઈટ પટ્રોલિંગના ધજાગરા ઉડાવી બેખોફ બની ત્રાટકેલા તસ્કરો બિન્દાસ્તપણે દેવગઢ બારીઆ નગરના ધાનપુર રોડ વિસ્તારમાં રહેતા યુસુફભાઈ અબ્બાસ ભાઈ ગોધરાવાળાની ભત્રીજી નું સુરત ખાતે લગ્ન હોવાથી વહેલી સવારે જવાનું હોવાથી રાત્રીના જમી પરવારી સૂઈ ગયેલા અને વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં સુરત જવાનું હોવાથી ઉઠી ગયેલા ત્યારે બાજુમાં રૂમનો દરવાજો ખોલવા જતા રૂમનો દરવાજો રૂમની અંદરથી બંધ હોવાનું જણાતા ઘરની ગેલેરીમાંથી જોતા રૂમની લાકડાની બારીઓ ખુલ્લી હોવાનું જણાય આવેલ જેથી ઘરના અન્ય સભ્યો ને ઉઠાડી ઘરના પાછળના ભાગે જોતા લોખંડની ગ્રીલ કાઢી નાખેલી હતી જેથી તેઓ તે બારીમાંથી પ્રવેશી રૂમનો દરવાજો અંદરથી ખોલેલો અને તે રૂમમાં લોખંડની તિજોરી મૂકેલી હતી તે તિજોરીના દરવાજા તેમજ તેના ખાના ખુલ્લા હતા અને તેમાં મૂકેલો સર સામાન વેરવિખેર પડેલો હતો તે જોતા જણાય આવેલ કે ઘરમાં ચોરી થઈ છે જેથી તિજોરીની અંદર પતરા ડબ્બાઓમાં મૂકેલા સોનાના દાગીના જેમાં સોનાની વિટી. સોનાની બંગડી. સોનાનો લોકેટ. સોનાના એરિંગ, સોનાના બ્રેસલેટ તેમજ ચાંદીના સિક્કા મળી કુલ રૂપિયા 2, 76.500 ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જણાવતા આસપાસના લોકોને જાણ કરતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ભેગા થઇ ગયા હતા.ત્યારે આ બાબતની ફરિયાદ દેવગઢ બારિયા પોલીસ મથકે યુસુફભાઈ અબ્બાસ ભાઈ ગોધરાવાળા એ ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આગલા દિવસની ચોરીની તપાસમાં આવેલા ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી તેમાં પણ તસ્કરોમાં કોઈ પુરાવા મળ્યા ન હતા ત્યારે એક પછી એક બનેલા ચોરીના બનાવોથી દેવગઢ બારીઆ પોલીસ પણ વિમાસણમાં મુકાઇ છે.ત્યારે દેવગઢ બારિયા પોલીસ મથકમાં અગાઉ બે પીએસઆઇ હતા ત્યારે હાલમાં હાલમાં એક પીઆઇની તેમજ બે પીએસઆઇ ની નિમણૂક કરવામાં આવી છે તેમ છતાં દારૂ જુગાર અને ચોરીનું દૂષણ વધી રહ્યું હોય તેમ દેખાય રહ્યું છે ત્યારે આ પોલીસ અધિકારીઓ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કે પછી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં નથી આવતો જેવા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે ત્યારે આ ચોરીના બનાવથી નગરજનોમાં વધુ ફફડાટ ફેલાયો છે.

દેવગઢ બારીઆના ધાનપુર રોડ પર આવેલ અબ્બાસભાઈ ના મકાનમાં થયેલ ચોરીની રકમ અને પોલીસ ફરિયાદ પ્રમાણેની રકમમાં ભારે વિસંગતતા: પોલીસ ચોપડે ઓછી રકમ નોંધાયાના આક્ષેપ

દેવગઢ બારીઆના ધાનપુર રોડ ઉપર યુસુફભાઈ અબ્બાસભાઈ ગોધરા વાળાને ત્યાં રાત્રિના ઘરના સભ્યો ઘરમાં હોવા છતાં પણ તસ્કરોએ મકાનની પાછળની બારી તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લઇ ગયા હતા અને ફરિયાદમાં બતાવ્યા થી પણ વધુ રૂપિયાના મુદ્દામાલ ની ચોરી થઇ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ પરિવાર પોતાની ભત્રીજીના લગ્નમાં જવાનું હોવાથી લગ્નના પણ દાગીના ચોરી કરી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરશે તે જોવાનું રહ્યું

પોલીસની નાઈટ પેટ્રોલિંગની વચ્ચે મધરાત્રે નગરજનોની ઊંઘ ઉડાવી કડકડાતી ઠંડીમાં પોલીસના પરસેવા વાળતા તસ્કરો 

દેવગઢ બારીઆમાં ગતરોજ ૫ મકાનોમાં અને એક ફોર વ્હીલર ગાડીની ચોરી કરી તસ્કરોએ તરખાટ મચાવ્યા બાદ બીજા દિવસે પણ મધ્યરાત્રીના સમયે બેખોફ બની ત્રાટકેલા તસ્કરોએ વધુ એક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપી રાત્રીના અંધારામાં રફુચક્કર થઇ જતા દેવગઢ બારીઆ પંથકમાં ભારે ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. નગરમાં તસ્કરોને જાણે છુટો દોર મળી ગયો હોય તેમ ખુલ્લેઆમ ચોરી કરી બિંન્દાસ્તપણે ફરાર થઈ જાય છે. પોલીસ તંત્રની ઉંઘ હરામ કરી નાંખતા આ તસ્કરો માસ્ટ માઈન્ડ હોવાનું પ્રતિત થઈ રહ્યુ છે અને પોલિસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. શું આ ચોરીની ઘટના અહીં જ અટકી જશે કે પછી આગળ પણ વધુ ચોરીની ઘટનાને અંજામ આપવા તસ્કરો તૈયારી કરી રહ્યા છે? જાણે કોઈ ક્રાઈમ ફિલ્મી સ્ટોરી માફક મધરાત્રીના અંધારામાં પોલીસની નાઈટ પેટ્રોલિંગની વચ્ચે ધુમ સ્ટાઈલમાં બિન્દાસ્તપણે ત્રાટકી તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે પોલીસતંત્ર માટે નગરમાં વધતા જતા ચોરીના બનાવો એક ચેલેન્જ સમાન બની જવા પામ્યા છે. ત્યારે આ મામલે પોલિસ વિભાગ દ્વારા કોઈ એક્શન પ્લાન બનાવી તસ્કરોને પકડી પાડી જેલ ભેગા કરી શકશે કે નહીં? તે પણ યક્ષ પ્રશ્ન સમાન છે.જોકે હાલ તો તસ્કરોએ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી નગરજનોની ઉંઘ હરામ કરી કડકડાતી ઠંડીમાં પોલીસના પરસેવા વાળી દીધા છે.જોકે પોલીસતંત્રએ પણ જૂનીભૂલો માંથી બોધપાઠ લઇ પ્રજાની સુખાકારી માટે નક્કર એક્શન પ્લાન બનાવવાની તાંતી જરૂરિયાત છે.ત્યારે નગરમાં વધતી જતી ચોરીની ઘટનાને પગલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશો આપવામાં આવે તેવી લાગણી અને માંગણી હાલ દેવગઢ બારીઆના નગરજનોમાં ઉદ્‌ભવવા પામી છે.
અદ્યતન ટેક્નોલોજીના યુગમાં જાણભેદુ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ છતાંય પોલીસની પકડથી દુર જે તપાસનો વિષય 

મળતી માહિતી અનુસાર, આ બંન્ને ચોરીઓના થોડા દિવસ પહેલા કેટલાક લબુરમુછીયાઓને ચોરીના બનાવમાં દેવગઢ બારીઆ પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડ્યા હતા.જોકે સમાધાનના પગલે આ લંબરમૂછિયાઓને પોલીસે કાર્યવાહી વગર કોના આદેશ પર છોડી મુક્યા હતા?.જે કિસ્સો હાલ નગરમાં ટોક ઓફ ધી ટાઉન રહેવા પામ્યો છે. પોલિસ દ્વારા આ લંબરમૂછિયાઓને શા માટે છોડી મુકવામાં આવ્યા તે પ્રશ્ન હાલ જનમાનસમાં ચર્ચાનો કેન્દ્ર બની જવા પામ્યો છે? પોલીસ અને તસ્કરોમાં સાંઠ ગાંઠ તો નથી ને? કાં તો કોઈ મોટા માથાના ઈશારે આ ચોરીઓને અંજામ આપવામાં આવી રહ્યો છે? જેથી પોલીસ કદાચ નરમ વલણ પણ અપનાવતી હોય? જે હાલ ઘનિષ્ટ તપાસનો વિષય છે પરંતુ કંઈ પણ કહો હાલ તો આ ઘટનાનો ભોગ હાલ દેવગઢ બારીઆના નગરજનો બની રહ્યા છે. એક તરફ સીસીટીવી ફુટેજમાં તસ્કરો ખુલ્લેઆમ નજરે પડી રહ્યા છે ત્યારે પોલીસ તેઓને ઝડપી પાડવામાં પાછીપાણી કેમ કરી રહી છે? સોશ્યલ મીડિયાના જમાનામાં અત્યાધુનિક ટેકનોલોજી અને અદ્યતન સાઈબર ટેકનોલોજીના સથવારે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને પોલીસ ગણતરીના સમયમાં ઝડપી પાડે છે. ત્યારે આધુનિક જમાનામાં હાઈટેક થઇ ગયેલા તસ્કરો જેવા ગુન્હેગારો પોલીસની પકડથી દુર કેમ છે જે તપાસનો વિષય છે? હાલ તો પોલીસ તસ્કરોને પકડી પાડવામાં વામણા પુરવાર થઈ રહ્યા છે અને કદાચ આ જ વાતનો ફાયદો ઉઠાવી તસ્કરો બિન્દાસ્ત પણે બેખોફ બની ચોરીઓને અંજામ આપી નગરજનોની ઉંઘ હરામ કરી રહ્યા છે.ત્યારે પોલીસતંત્ર આગામી સમયમાં નગરમાં થતી ચોરીઓને ડામવા કેવી પદ્ધતિ અપનાવે છે તે જોવું રહ્યું.

error: Content is protected !!