Monday, 27/06/2022
Dark Mode

દાહોદમાં નાયબ પોલીસ મહાનિરીક્ષકની ઉપસ્થતિમાં ચૂંટણીને ધ્યાને રાખી ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસની બેઠક યોજાઈ

દાહોદમાં નાયબ પોલીસ મહાનિરીક્ષકની ઉપસ્થતિમાં  ચૂંટણીને ધ્યાને રાખી ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસની બેઠક યોજાઈ

દાહોદ લાઈવ ડેસ્ક…..

ભાગેડું ગુનેગારોને ઝબ્બે કરવા રાજસ્થાન અને મધ્યપ્રદેશ પોલીસ સાથે દાહોદમાં બેઠક:ગોધરા રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ચૂંટણીને ધ્યાને રાખી ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસની બેઠક યોજી

દાહોદ તા.02

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની આગામી ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે એક વિશેષ પહેલના ભાગરૂપે આજે ગોધરા રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ. એસ. ભરાડા દ્વારા આજે મધ્યપ્રદેશ પોલીસના અધિકારીઓ સાથે ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસના નેજા હેઠળ બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભાગેડું ગુનેગારોનો પકડી પાડવા ઉપરાંત ચૂંટણી ટાણે નશાબંધીને વધુ ચુસ્તાઇની અમલ કરવા માટે પરસ્પર સંકલન રાખવા સહમતી સાધવામાં આવી હતી.

શ્રી ભરાડાએ જણાવ્યું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના જાબુઆ, અલીરાજપુર, બાંસવાડા, ધાર અને બાંસવાડાના પોલીસ અધિકારીઓ સાથે ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં બન્ને જિલ્લાના ભાગેડું ગુનેગારોની યાદીની આપલે કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા બન્ને રાજ્યોની પોલીસને તે રાજ્યના ગુનેગારોને પકડવામાં તમામ મદદ કરવામાં આવે છે. એ જ પ્રકારે ગુજરાત પોલીસને પણ બન્ને રાજ્યો તરફથી મદદ મળતી રહે છે. ચૂંટણીને ધ્યાને રાખીને સંકલનને વધુ મજબૂત બનાવવા માટે આ બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં બન્ને રાજ્યોની સરહદે પોલીસ તપાસ નાકાને વધુ સઘન બનાવવા પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ટેક્નોલોજીની મદદથી ગુનેગારોની ઓળખ અને તેનું પગેરૂ શોધવાનું નિયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએથી બન્ને રાજ્યોની પોલીસ વચ્ચે સંકલન વધુ સારી રીતે થાય એ બાબત પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઉપસ્થિત વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલે પણ કેટલાક મહત્વના સૂચનો કર્યા હતા.

બેઠકમાં દાહોદના ડીએસપી શ્રી હિતેશ જોયસર, છોટાઉદેપુરના ડીએસપીશ્રી ધર્મેન્દ્ર શર્મા, જાબુઆના એડિશન એસપી શ્રી આનંદસિંહ વાસ્કલે, નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ શ્રી દિલીપસિંહ બિલાવલ, શ્રી એ. બી. સિંહ, દાહોદના શ્રી ભાવેશ જાદવ, ડો. કાનન દેસાઇ, શ્રીબેંકર ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦

error: Content is protected !!