
દાહોદ તા.૧૩
દાહોદ શહેરમાં એક લઘુમતિ કોમના યુવકે એક ૧૭ વર્ષીય સગીરા સાથે મિત્રતા કરી તેની સાથે ફોટા પાડી, શારિરીક છેડછાડ કરી ફોટા સોશિયલ મીડીયામાં વાઈરલ કરી દેવાની ધમકી આપ્યા બાદ સગીરા પાસેથી સોનાની ચેઈન, વીંટી તેમજ કાનના ઝુમકા મળી કુલ રૂા.૭ લાખની મત્તા ડરાવી, ધમકાવી સગીરા પાસેથી લઈ લેતા આ સમગ્ર બાબતની જાણ સગીરાના પરિવારજનોને થતાં તેઓ સગીરાને લઈ દાહોદ શહેર પોલીસ મથકે પહોંચી જઈ લઘુમતિ કોમના યુવક વિરૂધ્ધ સગીરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે લઘુમતિ કોમના યુવકની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
દાહોદ શહેરમાં કસ્બા મોટા ઘાંચીવાડ વિસ્તારમાં રહેતો ઈકરામ ઈરફાન બજારીયાએ દાહોદ શહેરમાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરા સાથે એકાદ વર્ષ પહેલા મિત્રતા કરી હતી. એક વર્ષ દરમ્યાન સગીરા સાથે મોબાઈલમાં ફોટા પણ પાડ્યા હતા અને આ ફોટા પાડ્યા બાદ આ ઈકરામ દ્વારા સગીરા સાથે શારિરીક છેડછાડ પણ કરતો હતો. આ યુવક આ સમયગાળા દરમ્યાન સગીરા ઉપર નજર રાખી રહ્યો હતો અને તેને ડરાવી ધમકાવી આ ફોટા સોશિયલ મીડીયામાં વાઈરલ કરી દેવાની ધમકીઓ આપતો હતો. સગીરાને ડરાવી, ધમકાવી આ એક વર્ષના સમયગાળા દરમ્યાન સગીરા પાસેથી સોનાની ચેઈન નંગ. પાંચ, સોનાની ચાર વીંટી તેમજ એક જાેડ સોનાની ઝુમકી આ તમામની કુલ કિંમત રૂા.૭,૦૦,૦૦૦ ની મત્તા સગીરા પાસેથી ડરાવી, ધમકાવી પડાવી લીધી હતી. આ સમગ્ર મામલો સગીરાના ઘર સુધી પહોંચતા સગીરના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને ગત તા.૧૦ ઓક્ટોબરના રોજ સગીરાને લઈ પરિવારજનો દાહોદ શહેર પોલીસ મથકે પહોંચી ગયા હતા અને આ સંબંધે સગીરાએ ઈકરામ ઈરફાન બજારીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ યુવક વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ ૩૫૪એ, ૩૫૪ડી(૧), ૩૮૪,૫૦૬(૨) તથા પોક્સો એક્ટ કલમ ૮,૧૧(૪) મુજબ ગુનો નોંધી દાહોદ શહેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.