દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં દીપડો પાંજરે પુરાતા ગણતરીના કલાકોમાં વધુ બે ગ્રામજનો ઉપર દીપડાએ હુમલો કરતા પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે.આ અગાઉ પાંચ દિવસમાં ત્રણ ગામના નવ જણ ઉપર દીપડાએ હુમલો કર્યા બાદ વનવિભાગ દ્વારા મારણ સાથે પાંજરું મુકતા બે દિવસ અગાઉ એક નર દિપડાને પાંજરે પુરાતા પંથકના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.ત્યારે ગત રોજ આમલી મેનપુર અને કાટું ગામમાં ફરી દીપડાએ હુમલો કરતા પંથકમાં દહેશત ફેલાઈ જવા પામી છે.જોકે વનવિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી માનવજાત ઉપર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો કેમ ? તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં પાંચ દિવસ અગાઉ એક પછી એક એમ બે દિવસમાં એક અગિયાર વર્ષના બાળક સહિત ૯ જણ ઉપર દીપડાએ હુમલો કરતા પંથકમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. જેને લઇ સ્થાનિક ગ્રામજનોમાં આ માનવજાત ઉપર હુમલો કરતા દીપડો પાંજરે પુરવાની માંગ કરાતા વનવિભાગ દ્વારા પાવ સજોઈ ગામે પાંજરૂ મુકતા તેમાં એક આશરે ૧૪ વર્ષની વયનો નર દીપડો શિકારની શોધમાં પાંજરે પૂરાયો હતો.ત્યારે દીપડો પાંજરે પુરાતા પંથકના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે દીપડો પાંજરે પૂરાયાના ગણતરીના કલાકમાં ફરી આમલી મેનપુરના ખરાડિયા સુમિત્રાબેન વીરસીંગભાઇ ઉંમર ૪૫ ને રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં દીપડાએ હુમલો કરતાં તેમને બૂમાબૂમ કરતા દીપડો નાસી ગયેલ ત્યારે સુમિત્રાબેનને હાથ ના ભાગે ઇજાઓ થઇ જેમને સારવાર અર્થે ખસેડેલ જ્યારે વહેલી સવારે કાટુ ગામના સનુભાઈ ભુરીયા ઉંમર વર્ષ ૪૬ની દીપડાએ હુમલો કરતા તેમને ગાલ તેમજ જમણા કાને ઈજા થતા સારવાર અર્થે ખસેડેલ જે બનાવની જાણ વનવિભાગને થતાં આર.એફ.ઓ પુરોહિત સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલ ત્યારે દીપડો પાંજરે પુરાયાના ગણતરીના કલાકોમાં બે જણ ઉપર દીપડાના હુમલાથી કહી શકાય કે માનવજાત ઉપર હુમલો કરનાર દીપડાની જગ્યાએ અન્ય દીપડો પાંજરે પુરાયો જેને લઇ પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે.ત્યારે વનવિભાગ દ્વારા કેવા પગલાં લેવામાં આવશે.અને આ માનવજાત ઉપર હુમલો કરતા દીપડો માનવભક્ષી બને તે પહેલાં તેને પાંજરે પુરવામાં આવશે કે કેમ ?