Friday, 21/01/2022
Dark Mode

દાહોદ:દાહોદમાંથી કોરોના મહામારીને નાથવા સતત પ્રયત્નશીલ રહેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી…ડો.આર.ડી.પહાડિયા

દાહોદ:દાહોદમાંથી કોરોના મહામારીને નાથવા સતત પ્રયત્નશીલ રહેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી…ડો.આર.ડી.પહાડિયા

માહિતીના સોર્સથી…..

દાહોદમાં એક સાથે પાંચના કોરોના રિપોર્ટ પોઝેટિવ આવતા આરોગ્ય અધિકારીના હાથમાં રહેલો કોળિયા મોંઢે ના ગયો !
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પહાડિયા સેમ્પલના પરિણામોમાં સૌથી પ્રથમ યેલો માર્કિંગ જોવે છે, તમામ નેગેટિવ હોય તો રાહતનો શ્વાસ લે છે
દાહોદ જિલ્લાના આરોગ્ય તંત્રના વડા ડો. પહાડિયા લોકડાઉનમાં ૧૬-૧૬ કલાક કામગીરી કરે છે, ઘરે જઇને પણ આોફિસનું કાર્ય કરે છે

દાહોદ તા.11

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર વહીવટી તંત્ર દિનરાત એક કરી રહ્યું છે. તેમાં આરોગ્ય વિભાગની વિશેષ ભૂમિકા રહી છે. દિનભર નાગરિકોના ઘરની મુલાકાત લઇ તેમના આરોગ્યની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓને ક્વોરોન્ટાઇન કરવા, શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવા, કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર, રાત્રે આંતરરાજ્ય સરહદ ઉપર નાઇટ ડ્યુટી જેવી કામગીરી હાલે આરોગ્ય વિભાગ દ્વારા થઇ રહી છે. જિલ્લાના આરોગ્ય વિભાગની આગેવાની કરી રહેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયા ૧૬-૧૬ કલાક કામ કરી રહ્યા છે.
આમ તો કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરાઇ એ પૂર્વે જ દાહોદ જિલ્લામાં કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા સંચારબંધીના આંશિક નિયંત્રણો લાદી દીધા હતા. કોરોના વાયરસના ખતરાને ટાળવા માટે જિલ્લાના અધિકારીઓની ૧૫મી માર્ચની રાત્રે કલેક્ટરશ્રીએ તાબડતોબ એક બેઠક બોલાવી ને જિલ્લામાં શરૂ થયું કોરોના વાયરસ સામેનું યુદ્ધ ! આ યુદ્ધમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્ર ફ્રોન્ટ વોરિયર્સ છે. અહીં આપણે વાત કરી રહ્યા છીએ આ ત્રણ પૈકી એક આરોગ્ય તંત્રના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયાની.
દાહોદ જિલ્લા પંચાયત કચેરીમાં ત્રીજે માળે બેસતી આરોગ્ય શાખા વહેલી સવારના ૮ વાગ્યાથી જ ધમધમવા માંડે છે. ડો. પહાડિયા મોડામાં મોડા ૮.૩૦ વાગ્યા સુધીમાં તો કચેરીમાં પહોંચી જાય છે. આપત્તિના આ સમયમાં સરકારી કચેરીઓની કામ કરવાની પદ્ધતિ બદલાઇ છે. પણ, આરોગ્ય તંત્ર તમામ કર્મચારીઓ સાથે કામ કરી રહ્યું છે.
જિલ્લામાં થતી આરોગ્યલક્ષી કામગીરીનું સતત નિરક્ષણ, અન્ય વિભાગો સાથે સંકલનની કામગીરી, રૂટીન કામગીરી આવતી સમસ્યાઓનું નિરાકરણ, સરકારમાં રિપોર્ટિંગની કામગીરી ઉપરાંત જિલ્લામાં મિટિંગ્સ, વિડીઓ કોન્ફરન્સમાં હાજરી સહિતના વિષયો ડો. પહાડિયા સારી રીતે સંભાળી રહ્યા છે.
તે કહે છે, પ્રવર્તમાન લોકડાઉનના સમયગાળામાં એક પણ દિવસ એવો નથી કે જેમાં હું સાંજના ૮.૩૦ વાગ્યા પહેલા ઘરે પહોંચ્યો હોઉ. ઘરે જઇને પણ સરકારી કામગીરી તો ચાલું જ હોય છે. કેટલાક રિપોર્ટ તૈયાર કરવાના ! ફોન પણ સતત શરૂ જ હોય છે. ક્યારેક તો મધ્ય રાત્રી બાદ સરહદ ઉપર ફરજ બજાવતા સ્ટાફના ફોન આવે તો તેના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું. દિવસ દરમિયાન ઘણી વખત એવું બન્યું હોય કે જમવા બેઠા હોઇને કોઇ તાકીદનું કામ આવી જાય ને ભોજન અધરૂ છોડવું પડે.
ડો. પહાડિયા કહે છે કે, કોરોના વાયરસ સંદર્ભે લેવાયેલા સેમ્પલના રિપોર્ટ સામાન્ય રીતે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આવી જતા હોય છે. એમાં પોઝેટિવ સેમ્પલને યેલો કલર માર્ક કરવામાં આવે છે. જેવો રિપોર્ટ આવે એટલે તો હું પ્રથમ યેલો માર્કિંગ છે કે નહીં એ બાબત તપાસું છું. તમામ રિપોર્ટ નેગેટિવ હોય ત્યારે શાંતિ થાય છે.
તે ઉમેરે છે, એક વાર હું જમવા બેઠો હતો ને સેમ્પલના રિપોર્ટ આવ્યા. તેમાં એક સાથે પાંચ દર્દીઓના રિપોર્ટ પોઝેટિવ આવ્યા ! મારો જીવ અદ્ધર થઇ ગયો. હાથમાં રહેલો કોળિયો મોંઢા સુધી ગયો નહીં. ભોજન અધુરૂ છોડી દેવું પડ્યું. મને થયું કે આટલી કામગીરી કર્યા પછી પણ લોકોને કોરોના વાયરસ લાગું પડે છે.
ઉક્ત બાબત દર્શાવે છે કે, કોરોના વાયરસને દાહોદ જિલ્લામાં પ્રસરતો અટકાવવા માટે તંત્ર કેટલી સંવેદનશીલતાથી કાર્ય કરી રહ્યું છે. હવે, નાગરિકોની પણ જવાબદારી બને છે કે, સ્વયંજવાબદારી ઉઠાવે. કોરોના વાયરસના સામેની તકેદારીના તમામ પગલાં લે.

error: Content is protected !!