
બાબુ સોલંકી :- સુખસર
દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયામા સંભવિત વિલંબથી ભાવિ સરપંચ તથા સભ્યોના ઉમેદવારોમા કહી ખુશી કહી ગમનો માહોલ.
કેટલીક ગ્રામ પંચાયતોમાં સરપંચો ચાર વર્ષ દશ માસમાં કામગીરી કરી શક્યા નથી ત્યાં આવનાર ચૂંટણીમાં જીતની આશાએ કામગીરી શરૂ કરી પ્રજાને પોતાના તરફ આકર્ષવાના પ્રયત્નો શરૂ થયા હતા.
ગ્રામપંચાયતોના સરપંચો તથા સભ્યોની મુદત પૂર્ણ થયે ચૂંટણી યોજાશેની આશામાં ભાવિ ઉમેદવારો પ્રચાર કાર્યમાં પરોવાઇ ચૂક્યા હતા.
ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાવાની સંભાવના ઊભી થતાં કાર્યરત સરપંચોમાં નિરાશા,જ્યારે નવા ઉમેદવારોમાં વધુ સમય મળતા ખુશીનો માહોલ.
સુખસર,તા.08
ગુજરાત રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી એપ્રિલના ત્રીજા અથવા ચોથા સપ્તાહમાં યોજાવાની હતી.પરંતુ ચૂંટણી આયોગ દ્વારા આ ગ્રામ પંચાયતોની ચૂંટણી છ માસ બાદ યોજવાની વિચારણા શરૂ કરાતા સરપંચ તથા સભ્યોના ભાવિ ઉમેદવારોમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળે છે.ચૂંટણી લંબાવવાનું કારણ સામાજિક અને શૈક્ષણિક સ્તરે પછાત ઓબીસી રિઝર્વેશન સંદર્ભે જાન્યુઆરી-2022 માં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો કારણભૂત હોવાનું મનાય છે.જેમાં રાજ્ય ચૂંટણી આયોગે નક્કી કરેલ બેઠકોના પ્રકારો,રોટેશન અને ટકાવારી સંદર્ભે સર્જાયેલા વિવાદની ન્યાયિક સુનાવણી દરમિયાન 19 જાન્યુઆરી- 2022 ના રોજ સુપ્રીમ કોર્ટે મહત્વના દિશાનિર્દેશો જાહેર કરતા તેના અમલ માટે તમામ રાજ્યોને રિઝર્વેશન માટે સમીક્ષા કરવા આદેશો જારી કરતા ચૂંટણી પ્રક્રિયા લંબાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં એપ્રિલ માસમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ તથા સભ્યોના ભાવિ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ચૂક્યા હતા.જ્યારે જે ચાલુ સરપંચો ચાર વર્ષ દસ માસમાં ગામના વિકાસ કામો કરી શક્યા નથી તેઓ પ્રજાને પોતાના તરફ વાળવા કામગીરીની શરૂઆત પણ કરી ચૂક્યા હતા.તેમજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તથા સભ્યમાં પોતાને મત આપી વિજય અપાવવા આવનાર સમયમાં જીત થશે તો વિવિધ લાભ આપવાના પ્રલોભનો આપી ચાલુ સરપંચો સહિત સભ્યો દ્વારા આંતરિક પ્રચાર ચાલી રહ્યો હતો.પરંતુ ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાતાં અને 15 એપ્રિલ-2022 થી ગ્રામ પંચાયતનો વહીવટ વહીવટદારને સોંપવાની સંભાવના જણાતાં કેટલાક સરપંચ સહિત સભ્યોમાં નિરાશા જોવા મળે છે.જ્યારે બીજીબાજુ જોઈએ તો જે નવીન સરપંચ સહિત સભ્યો ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઝંપલાવનાર છે તેઓ ને વધુ છ માસનો સમય મળતા તેવા ભાવી ઉમેદવારોમાં ખુશી પણ જોવા મળે છે.જોકે ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાય અને છ માસ સુધી પંચાયતોનો ચાર્જ વહીવટદારોને સોંપાય ત્યારે ગત પાંચ વર્ષમાં જે પણ સરપંચો દ્વારા પ્રજાને સાથ સહકાર આપ્યો ન હોય અને માત્ર કોણીએ ગોળ ચોટાડી રાખ્યો હોય તેવા ઉમેદવારોને આવનાર ગ્રામ પંચાયત ચૂંટણીમાં મોટો ફટકો પડશે તેમ જણાઈ રહ્યું છે.ચૂંટણીપંચ દ્વારા વહીવટી કારણોસર ચૂંટણી લંબાવતાં તેની સીધી અસર થયેલ મતદાનમાં અણધાર્યા પરિણામ ઉપર પડશે તેમ પણ જણાઈ રહ્યું છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, જિલ્લાના તમામ તાલુકાઓની અનેક ગ્રામ પંચાયતોમાં 15 મા નાણાપંચની ગ્રાન્ટના લાખો રૂપિયા જમા હોવાનું જાણવા મળે છે.અને સરપંચોની મુદત પૂરી થાય છે.ત્યારે આ નાણાંનો વહીવટ વહીવટદારો દ્વારા કરવામાં આવશે.પરંતુ આ નાણાંનો આગોતરા આયોજન રૂપે હાલથી દુરુપયોગ થાય નહીં તે બાબતે તાલુકા-જિલ્લાના તંત્રોએ ખાસ સજાગતા રાખવાની જરૂરત જણાઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે,ગુજરાત રાજ્યમાં 2352 ગ્રામ પંચાયતની મુદત 15 એપ્રિલ-2022 ના રોજ પૂર્ણ થાય છે.જ્યારે ગત વર્ષે નવેમ્બરમાં વિભાજનથી અસ્તિત્વમાં આવેલી 500 થી વધુ ગ્રામ પંચાયતોમાં ચાર માસથી ચૂંટણી થઈ નથી.આ તમામ 2852 ગ્રામ પંચાયતો ની સામાન્ય ચૂંટણી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા છ માસ લંબાવવા અને મુદત પૂર્ણ થતી આ ગ્રામ પંચાયતોનો ચાર્જ વહીવટદારોને સોંપવા જિલ્લાના જવાબદારોને તૈયારી રાખવા હુકમો કર્યા હોવાનું જાણવા મળે છે.