ઈલ્યાસ શેખ, સંતરામપુર
મહિસાગર જિલ્લાનાં સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે આયુષ મેળો યોજાયો..
આયુર્વેદ દવાની કોઈ આડઅસર થતી નથી તે માટે લાંબા ગાળાના ઉપયોગ માટે આયુર્વેદ દવા અપનાવવી જોઈએ- શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોર
મફત આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પ
મહિસાગર,
આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આયુષની કચેરી નિયામકના માર્ગદર્શનમાં મહીસાગર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તથા કોયડમ ધન્વંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ દ્વારા આયુષ મેળા આયોજન કરવામાં આવ્યું હતું. સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે પ્રજાજનોની આરોગ્ય સુખાકારી હેતુ આયોજિત આયુષ મેળાને આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને અન્ય મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો.
આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળમાં આયુર્વેદિક દવાઓ અને હોમિયોપેથીક દવાઓ સૌની વહારે આવી હતી તે યાદ કરી સરકારના આયુષ મેળાના આયોજનને બિરદાવ્યું હતું.શરીર સારું હશે તો બધું સારું રહેશે માટે મેડિસન કરતા આયુર્વેદ દવા લેવી જોઈએ.આયુર્વેદ દવાની કોઈ આડઅસર થતી નથી તે માટે લાંબા ગાળાના ઉપયોગ માટે આયુર્વેદ દવા અપનાવવી જોઈએ.
વધુમાં શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,દરેક વ્યક્તિએ સવારે વહેલા ઉઠી યોગ કરવો જોઈએ જેનાથી હેલ્થ સારી રહે અને શરીરમાં સ્ફુર્તિ રહે સાથે સાથે બીમારીઓથી દૂર રહી શકીએ.
ઉદ્ઘાટન કાર્યક્રમમાં શાળાની બાલિકાઓએ સ્વાગતગીત અને યોગશિક્ષકો તેમજ બાળકોએ યોગ નિદર્શન કર્યું હતું.
જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી રણજીતસિંહ નિનામાએ સૌને આવકારતા મેળામાં આયોજિત વિવિધ સ્ટોલ તેમજ આરોગ્ય સેવાઓ વિષે માહિતી આપી હતી.
આ મેળામાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી,તાલુકા હેલ્થ ઑફિસરશ્રી,અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,સહિત આયુર્વેદિક અને હોમિયોપેથી તબીબો સહિત કર્મચારીગણ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.