
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
લીમખેડા તાલુકાના નિનામાના ખાખરીયા PHC પર ડીડીઓની રેડ, દરવાજે તાળા અને સ્ટાફ ગેરહાજર.:છ ને કારણ દર્શક નોટિસ,6 ને ઘર ભેગા..
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાળા વાગેલા જોઈ કારણદર્શક નોટિસ સહિતના કડક પગલાં ભરતા આઉટસોર્સિંગ કર્મીઓને તાત્કાલિક છુટા કરાયા.
સંજેલી તા.18
જિલ્લા વિકાસ અધિકારી,દાહોદ સુશ્રી નેહા કુમારી દ્વારા ગત તા.૧૭ ના રોજ સાંજના ૧૭.૧૦ કલાકે લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાની આકસ્મિક મુલાકાત લીધી હતી. જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય દરવાજાને તાળું મારેલુ હતું અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ અધિકારી/કર્મચારીઓ ગેરહાજર હોવાનું જણાયુ હતુંઅને રજા અંગે તેઓએ સબંધિત ઉપરી અધિકારીશ્રીની પૂર્વ મંજુરી પણ મેળવેલ ન હતી.
આમ મનસ્વી રીતે પોતાના હેડ ક્વાર્ટર પર હાજર ન રહેનાર અધિકારી-કર્મચારીઓના કારણે વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો અને અન્ય આરોગ્યલક્ષી કામગીરી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સેવાઓ માટે આવનાર લાભાર્થીઓ આરોગ્ય વિષયક સેવાઓથી વંચિત રહી જાય છે. આ બાબતને જિલ્લા વિકાસ અધિકારી,દાહોદ સુશ્રી નેહાકુમારી દ્વારા ખુબ ગંભીરતાથી લઇ તાત્કાલિક અસરથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાના તબીબી અધિકારી, ફાર્માંશીષ્ટ, લેબટેકનીશ્યન, મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર તમામને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ના સ્પષ્ટ લેખિત અભિપ્રાય સાથે ખુલાસો રજુ કરવા કડક શબ્દોમાં નોટીસ આપવામાં આવી છે.
તે ઊપરાંત આઉટસોર્સિંગ એજન્સી દ્વારા નિમણુંક પામી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવનાર ૨ સ્ટાફનર્સ અને વર્ગ-૪ ના ૪ કર્મચારી સહીત કુલ- ૬ સ્ટાફને ફરજમાંથી છુટા કરવા એજન્સીને જાણ કરેલ છે. વધુમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી લીમખેડાને તેમના હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં તેમના નબળા સુપરવિઝન અને વાંરવાર અધિકારી/કર્મચારીઓ દ્વારા ફરજ પ્રત્યે નિષ્કાળજી જણાય આવતા તેઓને પણ કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે.