સુમિત વણઝારા, દાહોદ
ઝાલોદના ડુંગરી ગામે ત્રણ દિવસ અગાઉ ચાંદલા વિધિમાથી ગુમ થયેલી 17 વર્ષીય સગીરાની લાશ લીમડી તળાવમાંથી મળી આવતા ચકચાર..
સગીરાની દોરી તેમજ પથ્થરો સાથે બાંધેલી લાશ મળી આવતા યુવતી ની હત્યા કરાઈ હોવાની તીવ્ર આશંકા.
ગામના ભુવાએ સગીરાની હત્યા કરી હોવાના આક્ષેપો કરતા પરિવારજનો…
ધાર્મિક વિધિના બહાને યુવતી ની હત્યા કરાવી છે.? જેવી અનેક શંકા કુશંકા વચ્ચે પોલીસે તપાસ હાથ ધરી..
દાહોદ તા.18
ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે ત્રણ દિવસ અગાઉ લગ્ન પ્રસંગે ચાંદલા વીધીમાંથી ગુમ થયેલી 17 વર્ષે સગીરાની લાશ લીમડી નજીક તળાવમાંથી દોરી તેમજ પથ્થર સાથે બાંધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતકના પરિવારજનોએ તેમના જ ગામના ભુવાએ આ યુવતીની હત્યા કરી હોવાના આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે પોલીસે કોહવાઈ ગયેલી યુવતીની લાશને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી હોવાનું જાણવા મળેલ છે
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાની એક 17 વર્ષીય સગીરા ગત તારીખ 15 મી માર્ચના રોજ તેના કાકાના ઘરે લગ્ન પ્રસંગના ચાંદલા વિધિમાંથી ગુમ થઈ ગઈ હતી જેની લાશ ત્રણ દિવસ બાદ લીમડી નજીક થાળા સિંચાઈ તળાવમાંથી દોરી તેમજ પથ્થરો સાથે બાંધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ લીમડી પોલીસને કરાતા લીમડી પોલીસે મરણ જનાર યુવતીની લાશને તળાવમાંથી બહાર કાઢતા તે કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી. જે બાદ લીમડી પોલીસ મથકના પી.એસ.આઈ એમ.એફ.ડામોરે યુવતીની લાશને પીએમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી જ્યાં મરણ જનાર યુવતીના પરિવારજનોએ ઝાલોદ તાલુકાના ડુંગરી ગામના લખા ફળીયાના દિનેશભાઈ જેતીયાભાઈ ચંદાણા નામક ભુવા ઉપર આ સગીરાની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દેવાના આક્ષેપો કર્યા હતા.જેમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે આ દિનેશ ચંદાણા ભુવો છે. અને એક વર્ષ પહેલા અમારી છોકરીને લુણાવાડા ખાતે કડિયા કામ અર્થે લઈ ગયો હતો. અને જ્યાં કઈ ખવડાવી પીવડાવી દેતા અમારી છોકરી ધુણવા લાગી હતી.ત્યારબાદ આ ભુવાએ કહ્યું હતુંકે આ છોકરીને માતાજી આવે છે. આને મજૂરી કામ ન કરાય ઘરે જ રાખીને સેવા ચાકરી કરાય જેથી પરિવારજનોએ તે સગીરાને મજૂરી અર્થે મોકલવાનું બંધ કરી દીધું હતું. ત્યારે આ ભુવો અવારનવાર અમારા ઘરે આવી અમારી છોકરીને વિધિ કરવા સાથે લઇ જતો હતો. ઘણી વખતતો રાત્રીના સમયે પણ કોઈનું દુઃખ મટાડવાના બહાને અમારી છોકરીને લઈ જતો હતો.અને ગત 15મી માર્ચના રોજ આ છોકરીના કાકાને ત્યાં લગ્ન હોવાથી ચાંદલા વિધિ ચાલી રહી હતી જે ભીડ ભાડમાં આ ભુવાએ તકનો લાભ ઉઠાવી યુવતીને ત્યાંથી લઈ ગયો હતો અને મારીને તેના શરીરે પથ્થર બાંધી લીમડીના તળાવમાં ફેંકી દીધી હતી જેવા આક્ષેપો કરાયા હતા જયારે આ બનાવ સંદર્ભે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હાલ પોલીસ મરણ જનાર યુવતીના પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે ત્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ આ છોકરીની ધાર્મિક વિધિના બહાને હત્યા કરાઈ છેકે આ છોકરી જોડે કોઈ ખોટું કામ તો નથી કર્યું જેવી અનેક શંકા કુશનકાઓ વચ્ચે પીએમ રિપોર્ટ બાદ પોલીસ તપાસમાં વેગવંતી થશે અને તપાસના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તેવું હાલતો જાણવા મળી રહ્યું છે