
ફતેપુરા તાલુકાની બે પ્રાથમિક શાળાના આચાર્યોએ વહીવટી કામગીરીમાં તંત્રને ગેરમાર્ગે દોરતા તપાસના આદેશ કરાયા.
વધ-ઘટના કેમ્પમાં વધ બતાવી અને જિલ્લાફેરમાં ઘટ બતાવી ગેરરીતિ આચરી.
બે શિક્ષિકાઓને તાલુકા બહાર બદલી કરાઈ તેમજ બે આચાર્ય સામે તપાસ.
પ્સુખસર,તા.14
ફતેપુરા તાલુકામાં આવેલી બે પ્રાથમિક શાળાના આચાર્યો એ વહીવટી કામગીરીમાં ગેરરીતિ આચરી હોવાનો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની તપાસ દરમિયાન પર્દાફાશ થયો હતો.જેઓની સામે તપાસ શરૂ કરાઇ હતી.જેમાં બે શિક્ષકોની તાલુકા બહાર બદલી કરાઇ હતી.તેમજ આચાર્ય સામે વહીવટી તપાસ શરૃ હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાની આફવા પ્રાથમિક શાળા અને પાંચ મહુડા પ્રાથમિક શાળામાં વધઘટના કેમ્પ દરમિયાન શિક્ષકોની વધ હોવાનો રિપોર્ટ અપાયો હતો. ત્યારબાદ જિલ્લા ફેર બદલી કેમ્પમાં આ બંને શાળાઓમાં જગ્યા ખાલી હોવાનો અહેવાલ મોકલાવ્યો હતો જેમાં અન્ય જિલ્લાઓમાંથી બે શિક્ષકોએ શાળાઓ પસંદ કરી શાળા નો ઓર્ડર લીધો હતો.જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ દ્વારા તપાસ દરમિયાન આ બંને શાળાઓમાં ગેરરીતિ થઈ હોવાનો પર્દાફાશ થયો હતો.જેથી તાત્કાલિક તપાસના આદેશ કરાયા હતા.તપાસ દરમિયાન સરકારી રેકડ સાથે ચેડા કરી શિક્ષણ વિભાગને ગેરમાર્ગે દોરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા તમામ અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલી અપાયો હતો.જેમાં બે શિક્ષિકાઓને તાલુકા બહાર બદલી કરી ઇજાફો બંધ કરવાની કાર્યવાહી કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું. જ્યારે આફવા પ્રાથમિક શાળાનાં આચાર્ય રમેશભાઇ પટેલ અને પાંચ મહુડા પ્રાથમિક શાળાના આચાર્ય જશવંતભાઈ પટેલ સામે વહીવટી તપાસ શરૂ કરાઇ હોવાનું પણ જાણવા મળ્યું હતું.હવે આ બંને આચાર્ય સામે પોલીસ ફરિયાદ થશે કે કેમ?તેમજ કેવા પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરાશે તે હવે જોવું રહ્યું.
મયુર પારેખ ( જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દાહોદ)
ફતેપુરા ની બે પ્રાથમિક શાળાના આચાર્યો એ વધઘટની માહિતી માં ખોટી માહિતી આપી હતી.તાલુકા બદલી કેમ્પમાં વધ બતાવી હતી.અને જિલ્લા બદલી કેમ્પમાં ઘટ બતાવી હતી.જેમાં તપાસ દરમ્યાન જણાઈ આવ્યું હતું.બે શિક્ષકોની બદલી તાલુકા બહાર કરી દેવાઈ છે.તેમજ આચાર્ય સામે તપાસની કાર્યવાહી ચાલુ છે.