બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના લખણપુરમાં ઘરેથી ખાતર લેવા નીકળેલા ૪૦ વર્ષીય યુવકની લાશ કુવામાંથી મળી આવતા ચકચાર
મૃતક યુવાન શુક્રવારના રોજ સુખસર ખાતર લેવા નીકળ્યા બાદ પરત ઘરે ફર્યો ન હતો.
કુવાના પાણીમાં ગરકાવ થયેલા મૃતક યુવાનની લાશ ઝાલોદ ફાયર બ્રિગેડના જવાનોએ કાઢી:મૃતકની લાશ પી.એમ માટે સુખસર દવાખાનામાં ખસેડાઈ
સુખસર,તા.૩૧
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ હદ વિસ્તારમાં આવેલા લખણપુરનો ૪૦ વર્ષીય યુવાન શુક્રવારના રોજ સુખસર બજારમાં ખાતર લેવા જવા નીકળ્યા બાદ પરત ઘરે નહીં આવતાં તેની શોધખોળ દરમિયાન ગતરોજ યુવાનની લાશ ગામના કૂવામાંથી મળી આવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હોવાનું જાણવા મળે છે.મૃતક યુવાનની લાશના પી.એમ માટે સુખસર સરકારી દવાખાનામાં ખેડવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના લખણપુરના તળગામ ખાતે રહેતા ચારેલ વીરસિંગભાઈ મનજીભાઈ(ઉંમર વર્ષ આશરે ૪૦) નાઓ ખેતીવાડી તથા છૂટક મજૂરી ધંધો કરી ઘરનું ગુજરાત ચલાવતા હતા.જેઓને સંતાનમાં ત્રણ પુત્રો તથા એક પુત્રી છે.જેઓ શુક્રવારના રોજ ઘરના સભ્યોને સુખસર ખાતર લેવા જવાનું હોવાનું જણાવી ઘરેથી નીકળ્યા હતા.ત્યારબાદ મોડા સુધી પરત ઘરે નહીં આવતાં ઘરના સભ્યોએ આસપાસમાં તથા પરિચિતો અને સગા સંબંધીઓમાં તપાસ કરવા છતાં વીરસિંગભાઈનો કોઈ પત્તો લાગ્યો ન હતો.અને શોધખોળ ચાલુ હતી તે દરમિયાન પોતાના મકાનથી આશરે દોઢસો મીટર દૂરના અંતરે આવેલ એક કૂવામાં વીરસિંગભાઈના ચંપલ તરતા જોવા મળ્યા હતા.જેથી ગામના લોકો કુવા ઉપર દોડી આવ્યા હતા.અને વીરસીંગભાઇનો મૃતદેહ કુવામાં હોવાની ખાતરી થતાં તાત્કાલિક સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.અને કુવામાં ૨૦ ફૂટ જેટલું પાણી હોય લાશને બહાર કાઢવા માટે ઝાલોદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.જ્યાંથી ફાયર બ્રિગેડના જવાનોએ આવી લાશને કુવાની બહાર કાઢી હતી.
ઉપરોક્ત બાબતે સુખસર પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી લાશના પી.એમ માટે સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.