Friday, 26/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં વર્ષોથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા રાહ જોતા અનેક ગરીબ પરિવારો.

February 5, 2023
        1256
ફતેપુરા તાલુકામાં વર્ષોથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા રાહ જોતા અનેક ગરીબ પરિવારો.

બાબુ સોલંકી :- ફતેપુરા

ફતેપુરા તાલુકામાં વર્ષોથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા રાહ જોતા અનેક ગરીબ પરિવારો.

વર્ષ-2011માં વસ્તી ગણતરીના આધારે એ.પી.એલ,બી.પી. એલ.પરિવારો નક્કી કરવામાં આવ્યા હતા જેમાં અનેક ગરીબ પરિવારોને અન્યાય થયેલ છે.

મોટાભાગે માલદાર અને મળતીયા લોકો આવાસ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે,જ્યારે સાચા ગરીબ લાભાર્થીઓ લાભથી વંચિત હોવાના તાલુકામાં અનેક દાખલા મૌજુદ.

સુખસર,તા.5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધ્યેય અનુસાર રાજ્યમાં ગરીબી રેખા હેઠળ જીવતા તમામ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ યોજનાનો લાભ આપવા ઠરાવવામાં આવેલ છે.તેમ છતાં ગ્રામ પંચાયત થી લઈ તાલુકા કક્ષાના કેટલાક જવાબદારો દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા અનેક ગરીબ પરિવારો આવાસ યોજનાનો લાભ મેળવવા માટે વર્ષોથી કતારમાં લાગેલા હોવા છતાં આવાસ યોજનાનો લાભ તેઓ સુધી પહોંચી શક્યો નથી. બીજી બાજુ જોઈએ તો જ્યારે બી.પી.એલ,એ.પી. એલ ની તારવણી કરવામાં આવી તેવા સમયે તારવણી કરનાર જવાબદારો દ્વારા બેદરકારી દાખવવામાં આવતા અનેક પરિવારો કે જેઓ ખરેખર ગરીબી રેખા હેઠળ જીવતા હોય તેઓને એ.પી.એલ માં સમાવેશ કરવામાં આવેલ છે.જ્યારે જે લોકો ખાધે પીધે સુખી હોય તેવા લોકોનો બી.પી.એલ માં સમાવેશ કરવામાં આવતા સાચા ગરીબ પરિવારો સાથે અન્યાય થયેલ છે.પરંતુ ગરીબ લોકો મજબૂરી વશ અવાજ ઉઠાવી શકતા નથી.જેના લીધે પણ અનેક પરિવારો આવાસ યોજનાના લાભથી વંચિત છે. ત્યારે વર્ષો બાદ હવે એ.પી. એલ,બી.પી.એલ કેટેગરી કક્ષાનુ સર્વે થાય તો અનેક પરિવારો કે જેઓ ગરીબી રેખા હેઠળ જીવન વ્યતીત કરી રહ્યા છે તેઓને આવાસ યોજના સહિત બી.પી.એલ લાભાર્થીઓને મળતા વિવિધ લાભોનો લાભ મળી શકે.

સરકારના ઠરાવ મુજબ રાજ્યમાં વસવાટ કરતા તમામ ગરીબ બી.પી.એલ લાભાર્થીઓને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન સહાય ફાળવવામાં આવે છે.અને જે-તે લાભાર્થીને રૂપિયા 1.20 લાખની સહાય કરવામાં આવે છે.ગરીબી રેખા હેઠળ જીવતા અનેક બી.પી.એલ લાભાર્થીઓએ આ આવાસ યોજનાનો લાભ લઇ તેના સહારે પોતાના મકાનોનું બાંધકામ કરેલ છે.અને આ યોજના ખરેખર ગરીબ લાભાર્થી લોકો માટે આશીર્વાદ સમાન પણ છે.પરંતુ અફસોસ તો ત્યાં છે કે વર્ષ 2011માં વસ્તી ગણતરી મુજબ એ.પી.એલ,બી.પી.એલ લાભાર્થીઓની કેટેગરી નક્કી કરવામાં આવેલ છે.તેમાં ખરેખર ગરીબી રેખા હેઠળ જીવતા અને અતિ પછાત ગણાતા એવા અનેક ગરીબ લાભાર્થીઓ બી.પી.એલ યાદીમાંથી બાકાત રહી ગયેલા છે.તેમજ કેટલાક ગરીબ લાભાર્થીઓને 0થી16 ઉપરના લેવલે બી.પી.એલમાં સમાવેશ કરાતા અનેક લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભથી વંચિત રહી જવા પામેલ છે.

બીજી બાજુ જોઈએ તો કેટલાક પાકા મકાનો અને વાહનો ધરાવતા માલદાર મનાતા લોકોનો સમાવેશ બી.પી.એલમાં કરાતા ગરીબોને મળવા પાત્ર લાભો જેવા કે આવાસ યોજના,સસ્તા અનાજની દુકાનોમાંથી વિવિધ ચીજ વસ્તુઓ વગેરે આસાનીથી મેળવી રહ્યા છે. જ્યારે ખરેખર અનેક ગરીબ લાભાર્થીઓ આવા લાભોથી બાકાત રહી જાય છે.

અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,માલદાર મનાતા લોકો ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લાભો ઓહિયા કરી રહ્યા છે. તેના માટે આ લખનારને વાંધો નથી. પરંતુ દુઃખ એ બાબતનું છે કે ખરેખર ગરીબી રેખા હેઠળ જીવતા અને સરકારી લાભ માટે યોગ્ય લાભાર્થીઓને સરકારના લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તેનું છે. સરકાર દ્વારા ગરીબ લોકોને મળવા પાત્ર લાભોમાં પણ સ્થાનિક લેવલના કેટલાક જવાબદારો અને માત્ર કહેવાતા ગરીબોના બેલી મનાતા તકવાદી તત્વો સાચા ગરીબ લાભાર્થીઓ સુધી સરકારના લાભો પહોંચે તે માટે રાજી ન હોવાનું પણ ગત વર્ષોમાં થયેલ કામગીરી ઉપરથી સ્પષ્ટ રીતે જણાઇ આવે છે.જોકે એ.પી.એલ,બી.પી.એલ ની કેટેગરી સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે.પરંતુ કેટેગરી નક્કી કરતા કેટલાક કર્મચારીઓ જે-તે ગામડાના કહેવાતા આગેવાનની આગેવાની લઈ કેટેગરી નક્કી કરતા હોય ત્યારે ખરેખર સાચા લાભાર્થીઓ બાકાત રહી જાય છે.જ્યારે મળતીયા લોકો બી.પી.એલમાં સ્થાન મેળવી લેતા હોવાનું પણ જોવા અને જાણવા મળે છે.

ફતેપુરા તાલુકામાં આગાઉ જે બી.પી.એલ લાભાર્થીઓએ આવાસ યોજનાનો લાભ લીધો છે તેમને મકાન સહાયની ત્રણ હપ્તામાં રકમ ચૂકવવામાં આવેલ છે.પરંતુ તે પૈકી કેટલાક લાભાર્થીઓને પ્રથમ હપ્તો મળ્યા બાદ બીજો કે ત્રીજો હપ્તો મહિનાઓ કે વર્ષ વિત્યા બાદ ચૂકવવામાં આવેલ છે.જેના લીધે કેટલાક લાભાર્થીઓ મકાન બાંધકામ કરી શક્યા નહીં હોવાના પણ દાખલા જોવા મળે છે.જ્યારે કેટલાક લાભાર્થીઓને પ્રથમ હપ્તો મળ્યા બાદ બીજો અથવા ત્રીજો હપ્તો મહિનાઓ વિતવા છતાં નહીં ચૂકવાયો હોય તેવા કિસ્સાઓ પણ તાલુકામાં જોવા મળે છે. તાલુકામાં કેટલાક લાભાર્થીઓની એવી પણ ફરિયાદો ઉઠવા પામેલ હતી કે અંગત એવી સામાજિક કે રાજકીય અદાવત રાખી કેટલાક તંત્રને મળતીયા કહેવાતા આગેવાનો દ્વારા અમુક લાભાર્થીઓ વિરુદ્ધમાં ખોટી રજૂઆતો કરી બીજા કે ત્રીજા હપ્તાની રકમ જ ચુકવણી કરવા દેવામાં નહીં આવી હોવાની તેમજ મળતીયાઓનો સંપર્ક થતા લાગવગ શાહીથી આસાનીથી સહાયની રકમ મળી જતી હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે.જે બાબતથી તંત્ર અજાણ છે કે કેમ?તે કહેવું અશક્ય છે.

અહીંયા જણાવવું જરૂરી છે કે, હવે આવનાર સમયમાં વસ્તી ગણતરી થશે.તેવા સમયે વસ્તી ગણતરી અને બી.પી.એલ,એ.પી.એલ ની કક્ષા નક્કી કરતા જવાબદારો દ્વારા સંપૂર્ણપણે ધ્યાન રાખી કેટેગરી ફાળવે અને જે ખરેખર ગરીબી રેખા હેઠળ જીવતા લોકો છે જેઓનો સમાવેશ બી.પી.એલમાં થાય તે પ્રત્યે સજાગતા રાખી એ.પી.એલ,બી.પી.એલ ની કેટેગરી નક્કી કરવામાં આવે તેવું પ્રજા ઇચ્છી રહી છે.તેમજ નવ્વાણું માલદાર લોકોનો બી.પી.એલ માં ભલે સમાવેશ કરવામાં આવે,પરંતુ એક જરૂરિયાતમંદ ગરીબ પરિવાર સાથે અન્યાય થાય નહીં તે દ્રષ્ટિ થી એ.પી.એલ,બી.પી.એલ કેટેગરી નક્કી કરવાની જવાબદારી સરકારી તંત્રની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!